ઈચ્છામૃત્યુ

Home

હસ્તિનાપુરના રાજા શાંતનુ અને ગંગાના પુત્ર દેવવ્રત ની વાત જાણીતી છે. આપણા ભોળા પૂર્વજોએ તેને સ્વીકારી લીધી છે. પણ કેટલાક પ્રશ્નો પૂછાવા માટે ધૃષ્ટતાશિરોમણિ તતૂડી (આ લખનાર) ની રાહ જોતા હતા તેથી અનુત્તર રહ્યા છે. તે હવે પૂછીએ.

  1. કોઈ વ્યક્તિ જીવનભર અપરિણીત રહે તે શું ત્યારે પહેલી વાર બનેલું? શું તે ખરેખર અતિવિકટ પ્રતિજ્ઞા છે કે તેને માટે એક નહીં પણ બે વરદાન અપાય?

  2. બાપે દીકરાનું નામ બદલ્યું. નવું નામ પણ એવું કે રાઈનો પહાડ બની ગયો. દેવવ્રતનો રાઈ જેવડો ત્યાગ પહાડ જેવડો દેખાય. જાણે આપણે સૂક્ષ્મદર્શક (microscope) માં જોતા હોઈએ. અને ચતુરાઈ પણ એવી કે અનંતકાળ સુધી જ્યારે જયારે તે નામનો ઉલ્લેખ થાય ત્યારે ત્યારે દેવવ્રતના અદ્વિતીય(?) 'ત્યાગની મહાનતા' નો આભાસ તાજો થયા કરે અને લોકોનો ભ્રમ દૃઢ થયા કરે. પરિણામે દેવવ્રતે પાછળથી કરેલા દુષ્કૃત્યો* સાવ ભુલાઈ ગયા.

  3. બીજું ઇનામ 'ઈચ્છામૃત્યુ' નું વરદાન તો તદ્દન વાહિયાત હતું. કામાંધ રાજા એવું વરદાન આપે તે વિધાતા અને યમરાજ માન્ય રાખે?

  4. દેવવ્રતે તે વરદાન માંગેલું? શા હેતુથી? તે હેતુ ફળેલો?

  5. દેવવ્રતે તે ના માંગ્યું હોય તો વગર માંગે તે આપવાથી તેનું શું કલ્યાણ થવાનું હતું? તે કલ્યાણ થયેલું? તેનો ઉપયોગ મહાભારતના યુદ્ધ પહેલા ક્યારે કયારે અને કેવી રીતે કરેલો? શરસૈય્યા પર પડી રહીને ઉત્તરાયણ સુધી રાહ જોઈ કે જેથી સ્વર્ગમાં જઈ શકાય. ઉત્તરાયણ પહેલાના છ માસ દરમ્યાન અવસાન પામેલા બધા જીવો શું નરકમાં જતા હશે?

  6. ઈચ્છામૃત્યુ વ્યક્તિની જીંદગી પરેચ્છાજીવન હોય તો શું કામનું? દેવવ્રતનું આખું જીવન બીજાઓની ઈચ્છા પ્રમાણે વીતેલું. પહેલા બાપ અને પિતૃશ્વસુરની ઈચ્છા, પછી તેમના વંશજોની ઈચ્છા પ્રમાણે જીવવું પડેલું. દુર્યોધનના પ્રપંચો જોયા કર્યા. દ્યૂતયુધ્ધનું સંચાલન ખોટી રીતે કરીને ફક્ત શકુનિને પાસા નાખવા દીધા. દ્રૌપદીને ઘસડી લાવતા દુઃશાસનને મનાઈ ના કરી. બીજી કોઈ પણ આપણા જેવી સામાન્ય વ્યક્તિ આવા બનાવ જોયા ના કરે. ધાર્યું હોત તો સભા વિસર્જન કરી હોત. અથવા દુર્યોધન અને દુઃશાસન સાથે યુદ્ધ પણ કર્યું હોત. કશું જ નહીં તો જાતે પ્રાણત્યાગ કર્યો હોત તો ઈચ્છામૃત્યુનો સદુપયોગ તો થયો હોત. તે પણ ના કર્યું. પ્રપૌત્રવધૂ પર થતો દુરાચાર ​"પિતામહે" ​નિર્લજ્જપણે જોયા કર્યો. બાપે આપેલું વરદાન વેડફી નાખ્યું. શા માટે? મૃત્યુનો ભય હતો? સ્વર્ગમાં જવા માટે? આ નિષ્ક્રિયતા ઘૃણાસ્પદ નથી? શા માટે આ માણસનું બહુમાન કરવામાં આવે છે?

કુપાત્રનું બહુમાન પણ અધર્મ છે તે આપણા પૂર્વજો સમજ્યા નહોતા. આપણે સમજીશું?

____________________________

* દા.ત. દેવવ્રતે બે વાર ગંધાર પર આક્રમણ કરેલા અને ત્યાં કેર વર્તાવેલો. જુઓ https://www.dollsofindia.com/library/shakuni/

Home