ભારતઃ માનવવસ્તી અને માનવ વસાહતો પર બહુમાધ્યમ સંપુટની રચના અને અજમાયશ
કંસારા માનસી પુનિતભાઇ
ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગણપત યુનિવર્સિટી, મહેસાણા
૧.૧ પ્રસ્તાવના
છેલ્લાં ચાર પાંચ દાયકાથી વિશ્વની વસતીમાં થઇ રહેલા અભૂતપૂર્વ વધારાએ માનવજાત સમક્ષ અનેક પ્રશ્નો અને પડકારો ઊભા કર્યા છે.આજના દરે જો વસતી વધારો થતો જ રહે તો ચાલુસદીના અંત સુધીમાં માનવજીવન અત્યંત મુશ્કેલ બની રહેશે. વર્ષ 2011ની જનગણનાના અસ્થાઈ આંકડા મુજબ દેશની વસ્તી એક અરબ વીસ કરોડ બાર લાખ છે. ભારતના મહાપંજીયકે આમાહિતી આપી.
વર્ષ 2011માં થયેલ વસ્તીગણતરી કરતા આ વખતે વસ્તીમાં 17.64 ટકા વધારો થયો છે. આ રીતે ભારતની વસ્તીમાં છેલ્લા 10 વર્ષમા6 18 કરોડનો વધારો થયો છે.વર્ષ 2011ની વસ્તીની ગુરૂવારેરજૂ અસ્થાઈ રિપોર્ટ મુજબ પુરૂષોની સંખ્યા 62 કરોડ 30 લાખ છે, જ્યારે કે મહિલાઓની સંખ્યા 58 કરોડ 60 લાખ છે.
ભારતે વસતી નિયંત્રણ માટે કુટુંબનિયોજનનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે પરંતુ લોકોના વ્યાપક અજ્ઞાન, રૂઢિચુસ્ત અને એવાં બીજા કારણોને લીધે આ કાર્યક્રમમાં ધારી સફળતા મળી નથી. વળી ભારત એ લોકશાહી દેશ છે. એટલે કાનૂની પગલાંઓ ધ્વારા વસતી વધારાના દરને અંકુશમાં લેવાનું પ્રમાણમાં મુશ્કેલ છે. વળી લોક જાગૃતિની ગેરહાજરીમાં જોગવાઇઓ પણ નિષ્ફળ જ જાય તે સ્વયં સ્પષ્ટ છે. આ સંદર્ભમાં લોકોમાં વસતીવિષયક સભાનતા પ્રગટાવી સુયોગ્ય વલણો ઘડવાના કાર્યક્રમને અગ્રીમતા આપવાનું મહત્વ અનેક ઘણું વધી જાય છે.
આ માટે વસતી શિક્ષણ આજનો તકાજો બની રહે છે.
૧.૨ સમસ્યાકથન અને શબ્દોની વ્યાખ્યાઃ
ભારતઃ માનવવસ્તી અને માનવ વસાહતો પર બહુમાધ્યમ સંપુટની રચના અને અજમાયશ
પ્રસ્તુત સંશોધનમાં ઉપયોગમાં લેવાયેલ કેટલાંક મહત્વના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે છે.
(૧) માનવવસતી- અહીં ભારતની માનવ વસતીના સંદર્ભમાં વસતી વૃધ્ધિ, વસતી ગીચતા અને વસતી વિસ્તરણ, વસતીની સમસ્યાઓ અને તેનો ઉકેલ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાહતા.
(૨) માનવ વસાહતો- ભારતમાં આવેલી માનવવસાહતો બે ભાગમાં વહેંચવામાં આવી છેઃ ગ્રામ્ય વસાહતો અને શહેરી વસાહતો
(૩) બહુમાધ્યમ સંપુટ-યુનેસ્કો (૧૯૭૭) પ્રકાશિત
“The term package normally refers to a media collection of materials for individual of group learning of certain topic together with instructions as to how they may be used....
પ્રસ્તુત સંશોધન માટે જે બહુમાધ્યમ સંપુટની રચના કરવામાં આવી તેમાં નીચેનાં ઘટકોનો સમાવેશ થાય છેઃ
- ટેપ ચાર્ટ કાર્યક્રમ
- ધ્વનિ મુદ્રિત વાર્તાલાપ
(૪) રચનાઃ પ્રસ્તુત સંશોધન માટે રચનાનો અર્થ નીચે મુજબ હતો.
૧. આવરી લેવામાં આવનાર વિષયવસ્તુનું વિશ્લેષણ
૨. વિષયવસ્તુના સંદર્ભમાં શીખવવા માટે જરૂરી અને યોગ્ય માધ્યમોની પસંદગી
૩. જરૂરી માધ્યમ સામગ્રી તૈયાર કરવી.
૪. શિક્ષણના ધ્યેયોના સંદર્ભમાં ફલિતાર્થનું પ્રક્રિયાયુક્ત વિશ્લેષણ.
પ્રસ્તુત સંશોધન દરમિયાન બહુમાધ્યમ સંપુટનાં ઘટક તરીકે નીચેનાં ઉપકરણોની રચના કરવામાં આવી.
૧. ટેપ ચાર્ટ કાર્યક્રમઃ પ્રસ્તુત કાર્યક્રમમાં કુલ ૩૭ ચાર્ટની રચના કરવામાં આવી. ચાર્ટમાં વસતી વિષયક માહિતીનાં ચિત્રો દર્શાવવામાં આવ્યા. વસતી વિષયક આંકડાકીય માહિતી, આલેખ ધ્વારા સમજાવવામાં આવી.
૨. ધ્વનિમુદ્રિત વાર્તાલાપઃ વસતી સમસ્યાના ઉકેલ અંગે નિષ્ણાંત સાથેનો ધ્વનિમુદ્રિત વાર્તાલાપ તૈયાર કરવામાં આવ્યો.
(૫) અજમાયશઃ પ્રસ્તુત સંશોધન માટે બહુમાધ્યમ સંપુટની અજમાયશ પ્રાયોગિક ધોરણે કરવામાં આવી. સમગ્ર પ્રયોગમાંથી ‘પૂર્વકસોટી-ઉત્તર કસોટી’ એક જૂથ સંશોધન યોજના “પ્રાયોગિક નિયંત્રિત” બે જૂથ યોજના સ્વીકારવામાં આવી. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથનું પૂર્વકસોટી-ઉત્તરકસોટી પરના તેમજ પૂર્વ કસોટી અને ધારણ કસોટી વચ્ચેના સરાસરી પ્રાપ્તાંકોવચ્ચેનો તફાવત સૂચક છે કે નહિ તે “t” કસોટીની મદદથી શોધી બહુમાધ્યમ સંપુટની અજમાયશ કરવામાં આવી.
૧.૩ અભ્યાસના હેતુઓઃ
(૧) પસંદ કરેલા એકમો પર બહુમાધ્યમ સંપુટની રચના કરવી.
(૨) શ્રેણી-૯ના વિદ્યાર્થીઓ પર બહુમાધ્યમ સંપુટની અસરકારકતા તપાસવી.
(૩) બહુમાધ્યમ સંપુટની મદદથી થતા અધ્યયનની અને રૂઢિગત પધ્ધતિથી થતા અધ્યયનની તુલના કરવી.
(૪) બહુમાધ્યમ સંપુટ અંગે અધ્યયનકર્તાઓના અભિપ્રાય મેળવવા.
૧.૪ ઉત્કલ્પનાની રચનાઃ
(૧) નિર્ધારિત એકમ પ્રાયોગિક પધ્ધતિથી શીખતા પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને ઉત્તરકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સૂચક તફાવત નહીં હોય.
(૨) નિર્ધારિત એકમ પ્રાયોગિક પધ્ધતિથી શીખતા પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને ધારણકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સૂચક તફાવત નહીં હોય.
(૩) નિર્ધારિત એકમ શીખતા પ્રાયોગિક જૂથના અને નિયંત્રિત જૂથના ઉત્તરકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સૂચક તફાવત નહીં હોય.
(૪) નિર્ધારિત એકમ શીખતા પ્રાયોગિક જૂથના અને નિયંત્રિત જૂથના ધારણકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સૂચક તફાવત નહીં હોય.
૧.૫ અભ્યાસનું મહત્વઃ
બહુમાધ્યમ સંપુટની રચના અને અજમાયશ અધ્યયનમાં અસરકારક સાબિત થયા છે એમ પૂર્વે થયેલાં સંશોધન પરથી જાણવા મળ્યું. માટે પ્રસ્તુત એકમ પર બહુમાધ્યમ સંપુટની રચનાકરી તેની અજમાયશ કરવામાં આવી. શાળા કક્ષાએ વસતી વિષયક માહિતીનું જ્ઞાન અસરકારક અને સંગીત રીતે આપવામાં આવે તો વિદ્યાર્થીઓ લગ્ન વયે પહોંચે તે પહેલા વસતી સમસ્યાને યોગ્યપરિપ્રેક્ષ્યમાં સમજે અને એના સંદર્ભમાં પોતાના ઉત્તરદાયિત્વનો વિચાર કરતા થાય અને તે માટે જરૂરી પધ્ધતિઓ વિશેનું જ્ઞાન પુખ્તવયે કયાંથી અને કેવી રીતે મેળવી શકાય તે અંગેની જાણકારીમેળવે. જીવનની ગુણવત્તા સુધારે અને પોતાના જીવનને બહેતર બનાવે એવા ઉમદા ધ્યેયોને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત એકમ પર બહુમાધ્યમ સંપુટની રચના કરવામાં આવી.
૧.૬ નમૂના પસંદગીઃ
પ્રસ્તુત પ્રયોગ શ્રેણી-૯ની વિદ્યાર્થિનીઓ પર કરવામાં આવ્યો હતો.
પ્રયોગમાં સમાવિષ્ટ પાત્રોની માહિતી
પાત્રોની વય અને બુધ્ધિઆંકને ધ્યાનમાં રાખી બે સમાનજૂથોની રચના કરવમાં આવી હતી.
૧.૭ ઉપકરણોઃ
સંશોધન માટે માહિતી મેળવવા માટે નીચેના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
(૧) સમૂહ બુધ્ધિ માપન કસોટીઃ ડૉ.કૃષ્ણકાંત ગો. દેસાઇ રચિત શાબ્દિક-અશાબ્દિક સમૂહ બુધ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
(૨) માનાંક કસોટીઃ આ માટે ૪૦ ગુણની એક હેતુલક્ષી પ્રશ્નોની માનાંક કસોટીની રચના કરવામાં આવી હતી. પ્રસ્તુત કસોટી કાર્યક્રમના અમલ પહેલાં, અમલ પછી અને અમલ પછીના બે માસ પછી આપવામાં આવી હતી.
(૩) અભિપ્રાયાવલિઃ બહુમાધ્યમ સંપુટનો કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ પ્રાયોગિક જૂથને અભિપ્રાયાવલિ આપવામાં આવી હતી. તેમાં કુલ વીસ વિધાનો તેમજ ત્રણ મુક્ત જવાબી પ્રશ્નોનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
૧.૮ પ્રયોગવિધિઃ
(૧) પ્રથમ તબક્કામાં બંને જૂથને પૂર્વકસોટી આપવામાં આવી હતી.
(૨) પ્રાયોગિક જૂથને બહુમાધ્યમ સંપુટ ધ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. આજ સમયગાળા દરમ્યાન નિયંત્રિત જૂથને શાળાના મદદનીશ શિક્ષક ધ્વારા રૂઢિગત પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવ્યું.
(૩) પ્રાયોગિક જૂથને પ્રયોગ પછી તરત જ અભિપ્રાયાવલિ આપવામાં આવી હતી.
(૪) બંને જૂથને ભિન્ન ભિન્ન પધ્ધતિથી શિક્ષણ આપ્યા પછી ઉત્તર કસોટી આપવામાં આવી હતી.
(૫) બંને જૂથને બે માસ પછી ધારણ કસોટી આપવામાં આવી હતી.
૧.૯ અંકશાસ્ત્રીય પૃથક્કરણઃ
પૂર્વકસોટી-ઉત્તરકસોટી તેમજ પૂર્વકસોટી-ધારણ કસોટીના પ્રાપ્તાંકોની સરાસરીનો તફાવત સૂચક છે કે નહિ તે જાણવા માટે ‘t’ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભિપ્રાયોના મૂલ્યાંકન માટે ×2 કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
૨.૦ તારણોઃ
(૧) પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને ઉત્તરકસોટીના સરાસરી પ્રાપ્તાંકો અનુક્રમે ૧૬.૩ અને ૨૯.૧૩ આવ્યા. પ્રાપ્તાંકોમાં થયેલો વધારો ૧૨.૮૩ હતો. ‘t’ કસોટીનું મૂલ્ય ૨૯.૧૫ આવ્યું જે df=૨૯ માટે ૦.૦૧ કક્ષાએ અર્થસૂચક હતું. આ પરિણામને આધારે ઉત્કલ્પના ૧ નો અસ્વીકાર થાય છે આમ બહુમાધ્યમ સંપુટ અસરકારક પૂરવાર થયો.
(૨) પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને ધારણકસોટીના સરાસરી પ્રાપ્તાંકો અનુક્રમે ૧૬.૩ અને ૨૧.૩૬ આવ્યા. પ્રાપ્તાંકોમાં થયેલો વધારો ૫.૦૬ હતો. ‘t’ કસોટીનું મૂલ્ય ૧૩.૩૨ આવ્યું જે df=૨૯ ૦.૦૧ કક્ષાએ અર્થસૂચક હતું. આ પરિણામને આધારે ઉત્કલ્પના ૨ નો અસ્વીકાર થાય છે માટે ધારણની દષ્ટિએ પણ બહુમાધ્યમ સંપુટ અસરકારક પૂરવાર થયો.
(૩) પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને નિયંત્રિતજૂથના ઉત્તરકસોટીના સરાસરી પ્રાપ્તાંકો અનુક્રમે ૨૯.૧૩ અને ૨૦.૮૬ આવ્યા. પ્રાપ્તાંકોમાં થયેલો વધારો ૮.૨૭ હતો. ‘t’ કસોટીનું મૂલ્ય ૧૧.૧૮ આવ્યું જે df=૨૯ ૦.૦૧ કક્ષાએ અર્થસૂચક હતું. આ પરિણામને આધારે ઉત્કલ્પના ૩ નો અસ્વીકાર થાય છે.આમ રૂઢિગત પધ્ધતિ કરતાં બહુમાધ્યમ સંપુટ વિષયવસ્તુની માહિતી આપવામાં અસરકારક સિધ્ધ થયો.
(૪) પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને નિયંત્રિત જૂથના ધારણકસોટીના સરાસરી પ્રાપ્તાંકો અનુક્રમે ૨૧.૩૬ અને ૧૭.૬૩ આવ્યા. પ્રાપ્તાંકોમાં થયેલો વધારો ૩.૭૩ હતો. ‘t’કસોટીનું મૂલ્ય ૭.૭૭ આવ્યું જે df=૨૯ ૦.૦૧ કક્ષાએ અર્થસૂચક હતું. આ પરિણામને આધારે ઉત્કલ્પના ૪ નો અસ્વીકાર થાય છે આમ બહુમાધ્યમ સંપુટ ધ્વારા થતું અધ્યયન રૂઢિગત અધ્યાપનની સરખામણીમાં ધારણની દ્રષ્ટિએ પણ અસરકારક સાબિત થયું.
(૫) બહુમાધ્યમ સંપુટ પર પ્રાયોગિક જૂથે આપેલો અભિપ્રાય વિધેયાત્મક હતો. બધાં વિધાનોનું ×2 મૂલ્ય ૦.૦૧ કક્ષાએ સાર્થક હતું. પાત્રોને બહુમાધ્યમ સંપુટ રસપ્રદ ઉપયોગી અને માહિતીપ્રદ જણાયો.
૨.૧ શૈક્ષણિક ફલિતાર્થોઃ
પ્રકલ્પના શૈક્ષણિક ફલિતાર્થો આ પ્રમાણે ગણાવી શકાયઃ
(૧) વર્ગશિક્ષકો માટેઃ પ્રસ્તુત એકમ પર તૈયાર કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ સરળ, સ્વાધ્યાયલક્ષી અને સમજવામાં સહેલો હતો. માત્ર બોલી શીખવવાને બદલે આ પ્રકારના કાર્યક્રમોનો ઉપયોગ કરીને શીખવવામાં આવે તો શિક્ષણકાર્ય નીરસ અને બોજારૂપ લાગતું નથી.
(૨) આયોજકો માટેઃ આ પ્રકારના કાર્યક્રમોનું મોટા પાયા પર નિર્માણ કરી તેનો અમલ કરવામાં આવે તો એકમદીઠ ખર્ચ ઘટાડી શકાય છે. આ પ્રકારના કાર્યક્રમના નિર્માણની જવાબદારી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજ્ય શિક્ષણ ભવને તથા યુનિવર્સિટીના શિક્ષણ વિભાગે ઉપાડી લેવી જોઇએ. આ સંસ્થાઓએ દરેક શાળાને આ પ્રકારના કાર્યક્રમો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારી લેવી જોઇએ. વર્તમાન શૈક્ષણિક માળખામાં પરિવર્તન લાવવા માટે આ બાબત અત્યંત જરૂરી છે.
૨.૨ સમાપનઃ
શિક્ષણકાર્યમાં શૈક્ષણિક તકનિકીનો ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણકાર્ય અસરકારક , રસદાયક અને ધારણની દ્રષ્ટિએ ચિરંજીવી બનાવી શકાય એમ અધ્યેતાઓનું માનવું છે. શૈક્ષણિક તકનિકી તો ‘may I help you?’ એમ કહીને આપણા ધ્વારા ખખડાવી રહી છે. વર્ગખંડમાં તેનું સ્વાગત કરી આપણી સમસ્યાઓના ઉકેલ માટે એનો જેટલો વધારે ઉપયોગ થાય તેટલો આપણા સર્વના હિતમાં છે.
સંદર્ભ સૂચિ
(૧) ડી.બી.શાહ (૨૦૦૪) શૈક્ષણિક સંશોધન અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,પૃષ્ઠ-૩-૪.
(૨) પટેલ, એમ.એમ., અને અન્ય. (૨૦૦૫). અર્થશાસ્ત્રના અધ્યાપનનું પરિશીલન, (ત્રીજી આવૃત્તિ). અમદાવાદઃબી.એસ.શાહ પ્રકાશન.પૃ.૫૦.
(૩) માર્શલ, આલ્ફ્રેડ (૨૦૦૪). અર્થશાસ્ત્ર.ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ,પૃ.૩.
(૪) https://en.wikipedia.org/wiki/Population
(૫) www.indiaonlinepages.com/population/india-current...