પ્રવર્તમાન સેમેસ્ટર પધ્ધતિઃ એક અભ્યાસ
ડૉ.અશ્વિની એમ.કાપડીઆ
(એસોસિએટેડ પ્રોફેસર)
શ્રીમતી વી.આર.ભકત શિક્ષણ મહાવિદ્યાલય, કામરેજ ચાર રસ્તા જિઃસુરત
પ્રાસ્તાવિકઃ
યુ.જી.સી.ની વારંવાર સૂચના મળ્યા બાદ આપણા રાજ્યમાં મોડા મોડા શૈક્ષણિક સુધારા અમલમાં મૂકાવા માંડયા છે. આ સુધારાઓ એક પેકેજમાં છે. આ પેકેજમાં સેમેસ્ટર ઉપરાંત ગ્રેડીંગ,ક્રેડિટ અને ચોઇઝ બેઇઝડ ક્રેડિટ સિસ્ટમનો સમાવેશ થાય છે. જેનું લક્ષ્યાંક શિક્ષણને અધ્યાપનકેન્દ્રીમાંથી અધ્યયનકેન્દ્રી બનાવવાનું છે. શિક્ષણ વિદ્યાશાખાએ આ સંક્રમણમાં આગેવાની લેવી જોઇએ તે નિર્વિવાદ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની શિક્ષણ વિદ્યાશાખાએ તે ફેરફારો કરી જૂન ૨૦૧૧થી તેનો અમલ શરૂ કર્યો છે. ત્રણ વર્ષ બાદ ઠરીઠામ થયેલા આ ફેરફારોને આ અભ્યાસના પહેલા વિભાગમાં સમાવવામાં આવ્યા છે. બીજા વિભાગમાં આ યુનિ.વિસ્તારના તેર આચાર્યો/કાર્યકારી આચાર્યોના અભિપ્રાયોનું તારણ આપવામાં આવ્યું છે. ત્રીજા વિભાગમાં આ બંને વિભાગોની વિગતોનું સમગ્રપણે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
વિભાગ-૧
(અ)આ વિભાગમાં આંતરિક મૂલ્યાંકનના માળખામાં થયેલા ફેરફારોને તપાસવામાં આવ્યા છે.
ખાસ કરીને સેમેસ્ટર પૂર્વે અને સેમેસ્ટર દાખલ થયા પછી આંતરિક મૂલ્યાંકનના માળખામાં થયેલા ફેરફારોનો જૂની પધ્ધતિ સાથે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે.આ તુલનાત્મક અભ્યાસમાં શૈક્ષણિક સુધારાઓનું સ્વઅધ્યયનનું જે લક્ષ્યાંક માટેનું પેકેજ છે તેને અનુરૂપ ફેરફારો છે કે કેમ તે તપાસવામાં આવ્યું છે.
સેમેસ્ટરના કારણે આંતરિક મૂલ્યાંકનમાં થયેલ ફેરફારો
શિક્ષણ વિદ્યાશાખામાં સર્વત્ર જે પ્રણાલિકા છે કે આંતરિક મૂલ્યાંકનનો ભારાંક પ્રમાણમાં વધારે રાખવો તે વી.ન.દ.ગુ.યુનિ.માં પણ રાખવામાં આવ્યો છે. એકંદરે ૧૨૦૦ ગુણમાંથી તેના ૫૦૦ ગુણ ફાળવવામાં આવ્યા છે. સેમેસ્ટર પધ્ધતિ દાખલ થયા પછી પણ આ ભારાંકમાં ફેરફાર થયો નથી. આ અગાઉ જોયું તેમ સેમેસ્ટર પધ્ધતિ વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ વ્યવસ્થા કરવાનો જે પેકેજ છે તેનો એક ભાગ છે. તે સંદર્ભે આંતરિક મૂલ્યાંકનનો ભારાંક વધવો જોઇતો હતો અને ઓછામાં ઓછું,૫૦૦ ગુણને વધારીને ૬૦૦ કરવા જોઇતા હતા. આ ઉપરાંત નીચેની સારણીમાં જે સેમેસ્ટર પહેલા અને પછીની આંતરિક ગુણાંકનની વ્યવસ્થાનો તુલનાત્મક અભ્યાસ દર્શાવામાં આવ્યો છે તે પણ કેટલાક દિશાસૂચનો કરે છે.
આંતરિક મૂલ્યાંકનના બે વિભાગો (૧) પ્રત્યક્ષ અધ્યાપન કાર્યો અને (૨) પ્રત્યક્ષ અધ્યાપન સિવાયની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વહેંચવામાં આવે છે. સેમેસ્ટર આવવાથી આ વિભાગોમાં કોઇ ફેરફાર થયો નથી, સિવાય કે નામાંકન.
વિભાગ-૨ અ અને બ માં વિભાજિત કરીને જૂની પધ્ધતિમાં શૈક્ષણિક પાઠોના ૨૦૦ અને વાર્ષિક પાઠોના ૧૦૦ ગુણ રાખવામાં આવ્યા હતા. જેમાં પણ સેમેસ્ટર પધ્ધતિ હેઠળ કોઇ ફેરફાર થયો નથી.
વિભાગ ૨ (અ) અને (બ) હેઠળ જે શૈક્ષણિક પાઠોના ૨૦૦ ગુણ આપવામાં આવ્યા છે તેમાં થયેલા ફેરફારોની તુલનાત્મક સારણી આ પ્રમાણે છે.
સારણી – ૧
સેમેસ્ટર પૂર્વે અને સેમેસ્ટર દરમિયાનના શૈક્ષણિક પાઠોની તુલના
નોંધઃ સેમેસ્ટર પૂર્વે વિભાગ ૨(અ)માં કુલ્લે ૫૦૦ ગુણ હતા (જેનું ૨૦૦માં રૂપાંતર કરવાનું હતું) જ્યારે સેમેસ્ટર દરમિયાન આ વિભાગ હેઠળ કુલ્લે ૪૦૦ ગુણ રાખવામાં આવ્યા છે (જેનું ૨૦૦માં રૂપાંતર કરવાનું છે)
(*) જૂની પધ્ધતિમાં પ્રેક્ટીસ ટીચિંગના ૨૦ પાઠ હતા જે નવી પધ્ધતિમાં ૧૬ કરવામાં આવ્યા છે.ટકાવારી પ્રમાણે પ્રેક્ટીસ ટીચિંગના ગુણાંકનમાં કોઇ ફેરફાર થયો નથી પરંતુ તૈયાર કરવાના પાઠો ૨૦થી ઘટીને ૧૬ થયા છે. આ પાઠો હેઠળ તાલીમાર્થી પોતે તૈયાર કરેલા પાઠો માધ્યમિક-ઉચ્ચત્તર વિભાગના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે અને કોલેજના અધ્યાપક મૂલ્યાંકન કરે છે. સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરવાથી તાલીમાર્થીના આ ચાર પ્રેક્ટીસ ટીચિંગના પાઠ ઓછા થયા તેટલા પૂરતું તેનું સ્વશિક્ષણ ઓછું થાય છે. બીજી બાજુ માઇક્રોપાઠોમાં અધ્યાપકનું કાર્ય પ્રમાણમાં વધારે હોય છે પરંતુ શિક્ષણ વિદ્યાશાખામાં પ્રવેશવાના પ્રસંગે એ અનિવાર્ય પણ હોય છે. તેમાં પાઠોની સંખ્યામાં ફેરફાર કર્યા વિના ૬%નો ઘટાડો કરવામાં આવ્યો છે તે માઇક્રોટીચિંગનું મહત્ત્વ ઓછું કરે છે. બીજી બાજુ ઇન્ટર્નશીપમાં ગુણાંકનમાં અઢી ગણો વધારો કરીને તેનું મહત્ત્વ વધારવામાં આવ્યું છે. ઇન્ટર્નશીપ સંપૂર્ણ સ્વયંશિક્ષણ છે. તેથી અહીં કહી શકાય કે સેમેસ્ટર પધ્ધતિને અનુરૂપ આ ફેરફારો થયા છે.
વિભાગ૨ ૨(બ) કે જે વાર્ષિક પાઠોનો છે તેમાં કોઇ ફેરફાર થયા નથી
આમ કહી શકાય કે,જૂની પધ્ધતિની સરખામણીએ નવી પધ્ધતિમાં સ્વઅધ્યયનને વધારે મહત્ત્વ આપીને સેમેસ્ટર પધ્ધતિને અનુકૂળ એકંદરે ફેરફારો થયા છે. આમ છતાં સુધારના સમગ્ર પેકેજને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. ઉદાહરણ તરીકે શિક્ષણ સુધારણાના પેકેજમાંનો ચોઇઝ બેઇઝડ ક્રેડિટ સિસ્ટમ હેઠળ પધ્ધતિઓની પસંદગી કરવામાં તાલીમાર્થીઓને કોઇ સ્વતંત્રતા આપવામાં આવી નથી.
હવે આપણે વિભાગ -૩ માંના ફેરફારોનો અભ્યાસ કરીશું.
વિભાગ – ૩ હેઠળ થયેલ ફેરફારો દર્શાવતી સારણી આ પ્રમાણે છે.
સારણી - ૨
વિભાગ -૩ સેમેસ્ટર પૂર્વે અને સેમેસ્ટર દરમિયાન પ્રત્યક્ષ અધ્યાપન સિવાયની શૈક્ષણિક પ્રવૃત્તિઓની તુલના
શિક્ષણ વિદ્યાશાખામાં વૈધિક શિક્ષણ અને પરીક્ષણ ઉપરાંત વિભાગ-૩ના પ્રત્યક્ષ અધ્યાપન સિવાયની શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સેમેસ્ટર પૂર્વે અને સેમેસ્ટર દાખલ થયા પછી વિભાગ-૩નો ભારાંક બદલવામાં આવ્યો નથી,પરંતુ વિભાગ-૩માં સમાવિષ્ટ પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પ્રવૃત્તિઓના ભારાંક બદલવામાં આવ્યાં છે જે સારણી-૨ દર્શાવે છે. સેમેસ્ટર પૂર્વેની તેર પ્રવૃત્તિઓ પૈકી બે પ્રવૃત્તિઓ રદ કરવામાં આવી છે. આ બે પ્રવૃત્તિઓ પૈકી ક્રમાંક -૭ મથકેતર પ્રવૃત્તિ રદ થઇ છે. તે પ્રવૃત્તિ પાછળ જે એક અઠવાડિયું ઉપયોગમાં લેવાનું હતું તેની બચત કરવામાં આવી છે. પ્રવૃત્તિ નં-૩ પ્રોજેક્ટ કાર્ય તાલીમાર્થીની પોતીકી પ્રવૃત્તિ હતી તે પણ રદ કરવામાં આવી છે પરિણામે આ કામમાંથી તાલીમાર્થીને મુક્તિ મળી છે.નોંધવા જેવું છે કે સેમેસ્ટર પધ્ધતિ જે શૈક્ષણિક સુધારાનું પેકેજ છે તેમાંની સ્વઅધ્યયનની ભાવના વિરુધ્ધના આ બન્ને નિર્ણયો છે!
સારણી (૨) માં ચોથો સ્તંભ તેર પ્રવૃત્તિઓના ગુણના ભારાંકમાં સેમેસ્ટર પૂર્વે અને સેમેસ્ટર દરમિયાનની ટકાવારીમાં તફાવત દર્શાવે છે. એમાંની બે પ્રવૃત્તિઓ સેમેસ્ટર દરમિયાન સમાવવામાં આવી નથી તે આપણે જોયું. બાકીની અગિયાર પ્રવૃતિઓ પૈકી આઠ પ્રવૃત્તિઓમાં ૨.૦૦ ટકાથી ઓછો તફાવત છે તેથી તેને નગણ્ય ગણી એવા તારણ પર આવી શકાય કે સેમેસ્ટરને કારણે આ પ્રવૃત્તિઓમાં કોઇ ફેરફાર કરવાનું જરૂરી લાગ્યું નથી. બાકીની ત્રણ પ્રવૃત્તિઓઃ (૧) શૈક્ષણિક ઉપકરણ (૨) કમ્પ્યુટર (૩) પ્રાયોગિક કાર્ય (૪) ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં ગણનાપાત્ર ફેરફાર થયો છે. શૈક્ષણિક ઉપકરણોનો ભારાંક સેમેસ્ટર પૂર્વેના ભારાંકના ૫૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ઉપકરણ તાલીમાર્થીએ જાતે જ બનાવવાના છે તેથી આ વધારો સ્વઅધ્યયનને પોષે છે એમ કહી શકાય. અલબત્ત આ વધારાને કારણે કોલેજના કામકાજના દિવસો પર કોઇ વિપરિત અસર પડતી નથી. બીજી બાજુ કમ્પ્યુટરને લગતી પ્રવૃત્તિઓ કે જે આધુનિક સમયની માંગ છે અને જે સ્વઅધ્યયન માટે ખૂબ ઉપયોગી છે તેમાં જૂની પરિસ્થિતિ કરતાં ૨.૦૮ ટકા જેટલો ભારાંક ઘટાડવામાં આવ્યો છે જે જૂની પધ્ધતિના ૨૫ ટકા જેટલો થાય. આ ઘટાડો તાકીદે દૂર થવો જોઇએ કારણ કે તે આધુનિકતા અને સ્વઅધ્યયનની વિરુધ્ધ છે. પ્રાયોગિક કાર્યના ૬.૬૭ ટકા વધારીને ૧૫ ટકા એટલેકે સવા બે ઘણો વધારો થયો છે.આ વધારો સ્વઅધ્યયનને પોષક છે.આમ છતાં આ વધારા થકી પણ કામકાજના દિવસો વધતા નથી. ઇન્ટર્નશીપના સપ્તાહ દરમિયાન તાલીમાર્થીઓ જે કાર્યક્રમ આપે તેમાં જૂની પધ્ધતિ કરતાં ૪.૫૮ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે જૂની પધ્ધતિને પાયે ૨.૭૫ ગણો વધારો કરવામાં આવ્યો છે. થયેલા વધારાઓમાં આ વધારો મહત્તમ છે. ઇન્ટર્નશીપના સપ્તાહ દરમિયાન તાલીમાર્થીઓ તરફથી થતા કાર્યક્રમો ભાવિમાં એક આદર્શ શિક્ષક થવા માટેના કાર્યક્રમો છે.ઉપરાંત એમણે સ્વતંત્ર પણે આ કાર્યક્ર્મો કરવાના છે આથી આ વધારો સ્વઅધ્યયન અને સ્વવિકાસની ભાવનાઓને પોષક છે. આમ કરતાં કામકાજના દિવસો પર કોઇ વિપરિત અસર પડતી નથી તેની નોંધ લેવી રહી.
(બ) અભ્યાસક્રમો અને કામકાજના દિવસો
સેમેસ્ટર પહેલાના અને સેમેસ્ટર દાખલ થયા પછીના અભ્યાસક્રમોની તુલના કરતાં માલૂમ પડે છે કે કામકાજના દિવસો ઘટી જશે એવા ભયને કારણે કે અન્ય કોઇ કારણે લગભગ બધા જ અભ્યાસક્રમો કદમાં નાના કરવામાં આવ્યા છે. જૂના અભ્યાસક્રમોના સેમેસ્ટર અનુસાર બે ભાગ પાડવામાં આવ્યા છે. આ ફેરફાર કરતી વખતે અભ્યાસક્રમોને તાર્કીક ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ પણ થયો છે. દરેક અભ્યાસક્રમની અલગ અભ્યાસ સમિતિ હોવા છતાં પ્રત્યેક અભ્યાસક્રમનું માળખું સમાન રાખવામાં આવ્યું છે. દરેક અભ્યાસક્રમના વિષયાંગના પેટા વિભાગો ત્રણ ત્રણ સમાન સ્વરૂપે રાખવામાં આવ્યા છે. કદાચ આમ કરીને એકરૂપતા સાધવાનો પ્રયત્ન હશે. અગત્યની વાત એ છે કે મોટા ભાગના અભ્યાસક્રમોનું કદ નાનુ કરવામાં આવ્યું છે. એક વખત દલીલ ખાતર સ્વીકારી લઇએ કે કામકાજના દિવસો ઘટયા છે તો તેને અનુરૂપ અભ્યાસક્રમો પણ ઓછા કરવામાં આવ્યા છે.આ સંદર્ભે અભ્યાસક્રમોને પૂરા ન્યાય સાથે તાલીમ આપી શકાય નહીં એ દલીલ અસ્થાને રહે છે.
હવે એ તપાસવું પણ જરૂરી થઇ પડે છે કે શિક્ષણ વિદ્યાશાખામાં ખરેખર કામકાજના દિવસો ઘટયા છે કે નહીં. યદચ્છ નમૂનાની જેમ સેમેસ્ટર પૂર્વેના ૨૦૦૭-૦૮ શૈ.વર્ષના કુલ કામકાજના દિવસો ૨૧૩(આંતરિક કસોટીના દિવસો બાદ) હતા એ જ પ્રમાણે સેમેસ્ટર દરમિયાનના ૨૦૧૨-૧૩ શૈક્ષણિક વર્ષના કામકાજના ૨૦૯ દિવસો(આંતરિક કસોટીના દિવસો બાદ કરતાં) હતા. આમ દેખીતા ચાર દિવસો ઓછા થયા છે. જે ઘટ નગણ્ય કહી શકાય. આમ છતાં કામકાજના દિવસોની બાબત વધારે પૃથક્કરણ માંગે છે જે આ પ્રમાણે છે;
(૧) ચાર દિવસથી પણ વધારે બચત થઇ શકે તેટલા અભ્યાસક્રમો ઓછા થયા છે.
(૨) ઉપર સારણી-૨માં જણાવ્યા પ્રમાણે વિગત નં ૯માં જણાવ્યાનુસાર મથકેતર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ પાછળ છ દિવસો વાપરવામાં આવતા હતા. આ છ દિવસો દરમિયાન તાલીમાર્થીએ પાંચ પાઠો આપવાના હતા. જૂના અભ્યાસક્રમ પ્રમાણે તાલીમાર્થીએ એકંદરે ૨૦ પાઠો આપવાના હતા. જે નવા અભ્યાસક્રમમાં ઘટાડીને સોળ કરવામાં આવ્યા છે. આમ મથકેતર કાર્યક્રમના દિવસો રદ કરવાની સાથે સાથે લેશનનું કામકાજ પણ ઓછું કરવામાં આવ્યું છે. આથી મથકેતર કાર્યક્રમની બચત દિવસો અને કામકાજ બંનેમાં કરવામાં આવી છે. આમ સેમેસ્ટરને કારણે આખા વર્ષમાં એક પરીક્ષા વધી જવાથી કામકાજના દિવસો ઘટતા નથી ઉપરાંત કરવાના કામને શિક્ષકો અને તાલીમાર્થીઓ પૂરેપૂરો ન્યાય આપી શકે તેવી પ્રવર્તમાન વ્યવસ્થા છે.
વિભાગ – ૨
નમૂનામાં સમાવિષ્ટ આચાર્યોના અભિપ્રાયો
શિક્ષણ વિદ્યાશાખાના સહેતુક પસંદ થયેલા તેર આચાર્યો/કાર્યકારી આચાર્યોના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. અભિપ્રાયાવલિ બે વિભાગો હતા. વિભાગ અ માં ચોવીસ વિધાનોને ત્રિબિંદુ પર વહેંચવામાં આવ્યા હતા. આ ચોવીસ વિધાનો ત્રણ ભાગમાં હતા. વિધાન ૧ થી ૮ સેમેસ્ટર પધ્ધતિને લગતા, વિધાન ૯ થી ૧૪ અને ૧૮ તેમજ ૨૦ શિક્ષણ કાર્યને લગતા અને બાકીના વિધાન તાલીમાર્થીઓના સંદર્ભે હતા. જ્યારે વિભાગ-૨માં ત્રણ મુક્ત જવાબી પ્રશ્નો હતા.
સેમેસ્ટર પધ્ધતિને કારણે શિક્ષણ પ્રક્રિયાને અને વહીવટી કામને વિપરીત અસર થાય છે તેવો અભિપ્રાય આપનારા ૭૭ ટકા આચાર્યો છે. પધ્ધતિનું વાજબીપણું અને ઇચ્છનીયતા તેમજ રાષ્ટ્રીય પ્રવાહ અને માધ્યમિક શિક્ષણમાં સેમેસ્ટર પધ્ધતિ સાથે તાલમેલ મેળવવા આ પધ્ધતિ ચાલુ રાખવાનો અભિપ્રાય ૨૩ ટકા આચાર્યોએ આપ્યો હતો. અભ્યાસક્રમોને નાના એકમોમાં વહેંચવામાં આવ્યાનો અભિપ્રાય ૫૪ ટકા અને જૂના અભ્યાસક્રમને બે દિવસમાં વહેંચી નાંખવાનો અભિપ્રાય ૩૮ ટકા આચાર્યોએ આપ્યો હતો. દરેક સેમેસ્ટરમાં ૯૦ દિવસનું શિક્ષણકાર્ય થવા સાથે ૪૬ ટકા આચાર્યો સંમત હતા. જ્યારે સેમેસ્ટર પધ્ધતિ હવે પછી ચાલુ રાખવાની તરફેણમાં ૨૩ ટકા આચાર્યોએ અભિપ્રાય આપ્યો હતો.
શિક્ષણકાર્ય અંગેના વિધાનોમાં આચાર્યોએ એકંદરે નિરાશાનો સૂર વ્યક્ત કર્યો છે. શિક્ષણકાર્ય અસરકારક બન્યું છે તેમાં ૨૩ ટકાએ સંમત્તિ આપી છે. જ્યારે શિક્ષણનું સ્તર ઉન્નત થવામાં ૩૧ ટકાએ સંમત્તિ આપી છે. પરંતુ શિક્ષણની પ્રક્રિયા આદાન પ્રદાન બનવાની બાબતમાં માત્ર ૧૫ ટકાએ સંમત્તિ આપી છે. કોલેજોમાં ચાલતા વિષયોના સંયોજનો બદલાયા હોવાનો અભિપ્રાય ૪૬ ટકા આચાર્યોએ આપ્યો હતો. શિક્ષણ પૂરક અને સાંસ્કૃતિક વગેરે પ્રવૃત્તિઓ માટે પૂરતો સમય મળી રહે છે તેની સંમત્તિ ૨૩ ટકા આચાર્યોએ આપી હતી. જ્યારે શિક્ષણ કાર્યના દિવસો ઘટયા હોવાનો અભિપ્રાય ૭૭ ટકા આચાર્યોએ આપ્યો હતો. માત્ર એક આચાર્ય બાકીના બધા આચાર્યો એટલે કે ૯૨ ટકા આચાર્યો માને છે કે આંતરિક મૂલ્યાંકન અને પરીક્ષાઓ પાછળ વધારે દિવસો જાય છે.
છેલ્લા વિભાગમાં તાલીમાર્થીઓને લગતાં પૂછાયેલા વિધાનોમાં ચોઇઝ બેઇઝડ ક્રેડિટ સિસ્ટમનો અમલ થયો નથી તેથી તાલીમાર્થીને મનપસંદ વિષયની પસંદગી મળતી નથી એવું બધા જ આચાર્યોએ જણાવ્યું હતું. જ્યારે ઇન્ટર ડિસિપલિનરી ઓપ્શન તાલીનાર્થીને મળે છે તેવું ૨૩ ટકા આચાર્યોએ જણાવ્યું હતું. આટલી જ ટકાવારીની સંમત્તિ તાલીમાર્થીઓની વિષય પસંદગીની સ્વતંત્રતા માટે મળી છે. આજ સંદર્ભે ફાઉન્ડેશન કોર્સમાં બે થી વધુ વિષયોની પસંદગી તાલીમાર્થીઓને મળતી હોવાનો અભિપ્રાય ૬૨ ટકા આચાર્યોએ આપ્યો છે. તાલીમાર્થીઓને થીયરી અને પ્રાયોગિક કાર્ય માટે પૂરતો સમય નહીં મળવાનો અભિપ્રાય ૭૭ ટકા આચાર્યોએ આપ્યો છે.જ્યારે બીજી બાજુ તાલીમાર્થીઓના માનસિક ભારણમાં ઘટાડો થયાનું ૪૬ ટકા આચાર્યો માને છે. તાલીમાર્થીઓનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન થતું હોવાનું ૨૩ ટકા આચાર્યો માને છે જ્યારે તાલીમાર્થીની સ્મરણ શક્તિ ઉપરાંતની અન્ય આંતરશક્તિઓ ખીલવાનું શરૂ થયાનું માત્ર એક જ આચાર્ય એટલે કે ૮ ટકા માને છે.
મુક્ત જવાબી પ્રશ્નોમાં આચાર્યોએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે તેમની દ્રષ્ટિએ સેમેસ્ટર પધ્ધતિમાં જે મર્યાદા અને ખામી છે તે તો એમણે વિધાનો અંગે અભિપ્રાય આપતી વખતે જણાવી દીધુ છે બીજી બાજુ મુક્ત જવાબી પ્રશ્નોમાં એમણે મૂલ્યાંકન પધ્ધતિને અનાત્મલક્ષી બનાવવા,પ્રવેશકાર્યને જૂનમાં પૂર્ણ કરવાના અને ખાસ તો શિક્ષણ સુધારાના પેકેજના એક ભાગ સ્વરૂપ સેમેસ્ટરને સ્વીકારીને તેના ખ્યાલને વ્યાપક બનાવવા સૂચન કર્યા છે.
વિભાગ - ૩
મૂલ્યાંકનઃ
આ અભ્યાસનો પહેલો ભાગ સેમેસ્ટર પધ્ધતિ આવતા થયેલા પરિવર્તનોનો અનાત્મલક્ષી પૃથક્કરણ છે એ પૃથકકરણ હકીકત આધારિત છે છતાં મોટા ભાગના આચાર્યોએ એ હકીકતને ધ્યાનમાં લીધી નથી એવું માલૂમ પડે છે. દા.ત. કામકાજના દિવસો ઘટયા નથી પરંતુ સામે વધારે પ્રમાણમાં અભ્યાસક્રમ ઘટયો છે.
Ø સેમેસ્ટરની વિરુધ્ધ સૌથી મોટો હોબાળો પરીક્ષા પાછળ વપરાતા દિવસોનો છે. વાસ્તવમાં આખા વર્ષમાં સાત દિવસનો વધારો થાય છે. જેના બદલામાં તાલીમાર્થીને છ મહિના દરમિયાનના અભ્યાસક્રમનો બોજો ઓછો થઇ જાય છે. તેના પર તે વધારે ધ્યાન કેન્દ્રીત કરીને અભ્યાસક્રમનો એ ભાગ પર વધુ ધ્યાન આપી શકે છે.
Ø ક્રેડિટની ફાળવણીમાં વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કરવાની અને સ્વઅધ્યયનની જોગવાઇ થઇ છે. પ્રત્યેક વિષયની ૩ ક્રેડિટમાંથી એક આખી ક્રેડિટ આ કામકાજ માટે ફાળવવામાં આવી છે આથી આ ફાળવણીને કાગળ પર બતાવવાને બદલે પ્રત્યેક કોલેજ નિષ્ઠાથી અમલમાં મૂકે તો આપોઆપ જ આદાનપ્રદાન વધી જાય.
Ø જે અંગે સૌથી વધુ ઉહાપો કરવામાં આવે છે કે સેમેસ્ટરને કારણે કામકાજ ખૂબ વધી જાય છે એ દલીલ સેમેસ્ટર પધ્ધતિની વિરુધ્ધની સૌથી વધારે નબળી દલીલ છે. સ્વઅધ્યયનની ઉપકારી દિશામાં શિક્ષણ જતું હોય અને તે પણ શૈક્ષણિક વર્તુળનાં બહારના લોકો તેનો આગ્રહ રાખતા હોય તો પછી વધારે કામ પડતું હોવાથી ફરિયાદ થઇ શકે જ નહીં. વાસ્તવમાં કામનો બોજો વધુ પડતો વધ્યો જ નથી પરંતુ કંઇ પણ નવા સુધારા આવે તેને નહીં આવવા દેવા માટેના આશયથી આવો ઉહાપો કરવામાં આવે છે.
Ø વિદ્યાર્થીના હિતમાં અને શિક્ષણને અસરકારક બનાવવા માટે જો કંઈ વધારાનું કામ કરવું પડે તો કરી જ લેવું જોઇએ અલબત્ત ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી નથી તેને એક અલગ મુદ્દો બનાવી અધ્યાપકો આચાર્યોના સંગઠનો અને યુનિ.ઓએ આ બાબતમાં સરકાર પર દબાણ લાવવું જોઇએ. ખાસ રીને જ્યારે યુ.જી.સી. અને એન.સી.ટી.ઇ. એ આ જગ્યા ભરી દેવાનો ખૂબ આગ્રહ કર્યો છે ત્યારે આ રજૂઆતો સફળ થશે જ એવું હું માનું છું.
Ø આ સમગ્ર અભ્યાસ હકીકત આધારિત છે. આથી સેમેસ્ટર પહેલાના કેટલીક કોલેજોના વાર્ષિક મુખપત્રો અને તે જ પ્રમાણે સેમેસ્ટર દાખલ થયા પછીના મુખપત્રોમાં થયેલ પ્રવૃત્તિઓની યાદી તપાસવામાં આવી તો સહર્ષ જણાવવાનું થાય છે કે તેમાં એકંદરે વધારો થયો છે પણ ઘટાડો તો થયો જ નથી.
સમાપનઃ
આમ જે અભિપ્રાયો મોટા પ્રમાણમાં જાહેર થાય છે તેનાથી ઊલટા જ જે તારણો આવે છે તે અંગત અભિપ્રાય નથી પરંતુ હકીકત દર્શાવે છે. જ્યારે કોઇ પણ બાબત કે સમસ્યા અંગે નિર્ણય લેવાના થાય ત્યારે તેનો આધાર હકીકત જ હોવો જોઇએ. અહીં જે હકીકતો દેખાઇ છે તે મોટા ભાગનાના જાહેર થયેલ અભિપ્રાયો કરતાં ઊલટું દર્શન કરાવે છે. દમણમાં આ પ્રકારનો સેમિનાર ગોઠવવામાં આવ્યો ત્યારે સંબંધકર્તાઓનું હકીકત પ્રત્યે ધ્યાન દોરવાનું કાર્ય આ અભ્યાસ કરે છે.
સંદર્ભસૂચિ
૧. ઉચાટ,ડી.એ(૨૦૧૧,માર્ચ).અસરકારક CBCA (Choice Based Credit System)માટેની આવશ્યકતાઓ Edutrends.Patan;LNK College of Education.પૃ ૪૨.
૨. ભાવે,એસ.એચ(૨૦૧૪,જાન્યુઆરી).સેમેસ્ટર સિસ્ટમઃનિષ્ફળ અને નિરર્થક.અમદાવાદ; અભિદ્રષ્ટિ,દષ્ટિ ફાઉન્ડેશન.અંક ૭૪.પૃ ૧.
૩. શાહ,એસ(૨૦૧૪,જાન્યુઆરી).સેમેસ્ટર પ્રથા ઇચ્છનીય છે.અમદાવાદ;અભિદ્રષ્ટિ,દષ્ટિ ફાઉન્ડેશન.અંક ૭૪.પૃ ૧૧.
૪. બી.એડ્ પાઠયક્રમ(અમલ ૨૦૦૯,જૂનથી).સુરત;વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.
૫.બી.એડ્ પાઠયક્રમ(અમલ ૨૦૧૧,જૂનથી).સુરત;વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.