દ્રષ્ટિની ખામીની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્વિ પર થતી અસર

Tandel Parul B.

(Asst.Prof.), College of Education, Khrod , Ta. Ankleswar, Di. Bhruch

સંશોધન સાંરાશ

આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ સમાજનો એક ભાગ છે.’વ્યક્તિ સ્વસ્થ તો જ સમાજ સ્વસ્થ’ અને વિશ્વ આરોગ્ય સંસ્થ(WHO) એ આપેલ સ્વાસ્થ્યની વ્યાખ્યા પ્રમાણે ‘ સ્વાસ્થ્ય એટલે રોગમુકત કે સશક્ત શરીર નહીં પરંતુ વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક એમ બધી જ રીતે તંદુરસ્ત હોવાની સ્થિતિ.’ શરીરનાં સંવેદનશીલ અંગો પૈકી “આંખ” સૌથી વધુ કિંમતી છે.પ્રાથમિક શાળા, ખરોડ અને ધી અંજુમન સાર્વજનિક હાઇસ્કૂલ, ખરોડ.તા.અંક્લેશ્વર, જી. ભરૂચ એમ બે શાળામાં ગુણાત્મક સંશોધન હાથ ધરતાં મને આ બંને શાળામાં લગભગ 17% બાળકો દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકોના જૂથ સાથે અને તેમનાં માતા-પિતાનાં જૂથ એમ બે જૂથ સાથે મુક્ત મુલાકાત પધ્દ્વતિ અને સહભાગી અવલોક્નની પધ્દ્વતિથી વિશેષ માહિતી મેળવી.આ ઉપરાંત સ્વરચિત પ્રશ્નાવલિ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ખરોડમાંથી મેળવાયેલ દ્રષ્ટિની ખામી ઓળખવા ઉપયોગી ચિત્રો દ્વારા સમસ્યાના ઉંડાણમાં જવાની આહારની સમજ , સ્થાનિક વાતાવરણ,માહિતી અને જાગ્રતતા , અભ્યાસની યોગ્ય ટેવો , અસગ્રસ્ત બાળકોના માતા પિતાની ભૂમિકા તથા શાળાની ભૂમિકા દ્વારા તેમને આંખોની સારવાર વિશે સમજ આપી.આ ગુણાત્મક સંશોધનને અંતે દ્રષ્ટિની ખામી ધરાવતાં બાળકો પોતાની શારીરિક ખામી દૂર કરવા, સમતોલ આહાર લેવા ક્ટીબધ્ધ થયેલા જણાયા.તથા તેમનાં માતા- પિતા પણ પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા અપાતી બાળ આરોગ્ય માટેની સુવિધાઓ વિશે જાગ્રત બન્યા. વિશષમાં શાળાની બાળકો પ્રત્યેની માવજત જાણી લાગણીશીલ બન્યા.

પ્રસ્તાવના

સર્વ શિક્ષા અભિયાન તથા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પ્ધ્દ્વતિ દ્વારા ગુણાત્મક શિક્ષણ આપવાના સરકારનાં અગાથ પ્રયત્નો છતાં ઘણીવાર આપણે શૈક્ષણિક બાબતોમાં સફળતા મેળવવમાં પાછળ પડીએ છીએ.શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા તમામ લોકો પોતાના તરફથી 100% યોગદાન આપે છતાં કેટલીક સમસ્યાઓ શાળા કક્ષાએ એવી મળી આવે છે કે જેમાં બાળકો ખુદ પોતે આવી સમસ્યાઓ ‘મને નડે છે ‘ એવી જાણ ધરાવતાં હોતા નથી.વળી તેમનાં માતા- પિતા (ઘણા કિસ્સાઓમાં) પોતાનાં બાળક અંગેની આવી સમસ્યાઓથી અજાણ હોય છે. સમયસર નિદાન ન થવાથી તેની ગંભીર અસર બાળકના અભ્યાસ ઉપર થાય છે.અને બાળક અભ્યાસ ક્ષેત્રે પાછળ પડતો જાય છે.આપણા શરીરનાં સંવેદનશીલ અંગ પૈકી આંખો સૌથી વધુ કિંમતી છે.બાળકની ભણવાની શક્તિઓમાં આંખોનો ફાળો ખુબ મોટો છે.શાળામાં ભણવાના વર્ષો બાળકનાં શારીરિક , બૌદ્વિક અને વર્તનને ઘડનારા વર્ષો છે.શાળા કાળ દરમિયાન દ્રષ્ટિની ખામી બાળકનાં બૌદ્વિક વિકાસ, સર્વાઁગી વિકાસ તથા ભાવિ જીંદગીની કાર્યક્ષતામાં અવરોધક બને છે.

તેથી પ્રસ્તુત ગુણાત્મક સંશોધન દ્વારા મેં સંશોધક તરીકે શૈક્ષણિક વર્ષ 2014- 2015 માં અભ્યાસ કરતાં (1)પ્રાથમિક શાળા, ખરોડ(2)ધી અંજુમન સાર્વજનિક હાઇસ્કૂલ, ખરોડ.તા- અંકલેશ્વર, જી. ભરૂચમાં દ્રષ્ટિની ખામી ધરાવતાં બાળકોને ઓળખી, તેમની સમસ્યા માટે જવાબદાર પરિબળોને ઓળખી, સમસ્યા ઉકેલવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

સંશોધનનું શિર્ષક

‘દ્રષ્ટિની ખામીની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્વિ પર થતી અસર’

સંશોધનનાં ચલ

પ્રસ્તુત ગુણાત્મક સંશોધનમાં મેં નીચેનાં ચલો નક્કી કર્યા હતા.

(1)સ્વતંત્ર ચલ- દ્રષ્ટિની ખામી.

(a) ટુંકી દ્રષ્ટિ: આવાં બાળકો નજીનું સ્પષ્ટ જોઇ શકે છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઇ શક્તા નથી.

(b) લાંબી દ્રષ્ટિ: આવાં દૂરની કે નજીકની કોઇ પણ વસ્તુ જોવામાં અસુવિધા અનુભવે છે.

(c) અસ્પષ્ટ દ્રષ્ટિ: આવાં બાળકો વસ્તુ સ્પષ્ટ જોઇ શકે છે, પરંતુ વાંચતા વાંચતા માથાનો દુ:ખાવો થઇ જવાની વારંવાર ફરીયાદ કરે છે.

(2) પરતંત્ર ચલ – શૈક્ષણિક સિદ્વિ

અંહી પ્રસ્તુત સંશોધનમાં વિદ્યાર્થીઓએ (બાળકોએ) પ્રથમ સત્રાંત પરીક્ષા, વર્ષ 2014, સ્પ્ટેમ્બરમાં મેળવેલ પ્રાપ્તાંકોનાં આધારે શૈક્ષણિક સિદ્વિને દર્શાવી હતી.(તથા સહઅભ્યાસિક પ્રવૃતિઓ અને રમતમાં તે વિદ્યાર્થીઓનું યોગદાનને આંતરિક મૂલ્યાંકનનાં ભાગરૂપે જોયું હતું)

સંશોધનનાં પ્રશ્નો

પ્રસ્તુત સંશોધન હાથ ધરતી વખતે નીચેનાં પ્રશ્નોનેં મેં ધ્યાનમાં રાખ્યા હતા.તથા તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે.

૧. દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકોની સંખ્યા શાળામાં કેટલી ?

૨. દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકોને ઓળખવા કઇ રીતે ?

૩. દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકોની શૈક્ષણિક સિધ્ધિ કેવી હશે ?

૪. દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકો માટે હું શું કરી શકું ?

૫. દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકો માતા પિતા માટે હું શું કરી શકું ?

૬. દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકો માટે શાળા શું કરી શકે ?

સંશોધનનો નમૂનો

સંશોધનના વિકાસ સાથે ક્રમશ: નમૂના પંસદગી તથા સહેતુક નમૂના પંસદગી પદ્ધતિ દ્વારા નમૂનો મેં પસંદ કર્યો હતો.જેની વિગત નીચે સારણી દ્વારા દર્શાવી છે.

સારણી – ૧

સંશોધનની મર્યાદા

પ્રસ્તુત સંશોધન શૈક્ષણિક વર્ષ 2014-2015 માં 1.પ્રાથમિક શાળા, ખરોડ 2.ધી અંજુમન સાર્વજનિક હાઇસ્કૂલ, ખરોડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૂરતું જ સીમિત છે.

સંશોધન પદ્ધતિ

પ્રસ્તુત ગુણાત્મક સંશોધન જેમ જેમ આગળ વધતું ગયુ, તેમ તેમ બહુપદ્ધતિય પદ્ધતિઓનાં ઉપયોગથી સમસ્યાને અનુરૂપ હું માહિતી મેળવતી ગઇ.વિશેષમાં મેં સહભાગી અવલોકન પદ્ધતિ , મુલાકાત પદ્ધતિનો સ્વાભાવિક પરિસ્થિતિમાં ઉપયોગ કર્યો હતો.

સંશોધન ઉપકરણ

પ્રસ્તુત સંશોધનમાં સંશોધક તરીકે મેં સ્વરચિત પ્રશ્નાવલિ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ખરોડમાંથી મેળવેલ ચિત્રો ઉપયોગમાં લીધા હતા.

માહિતી એકત્રીકરણ

પ્રસ્તુત સંશોધન માટે જરૂરી માહિતી મેળવવા હું સૌ પ્રથમ પ્રાથમિક શાળા , ખરોડનાં આચાર્ય શ્રીમાન આઝિમભાઇ તથા ધી અંજુમન સાર્વજનિક હાઇસ્કૂલ, ખરોડનાં આચાર્ય શ્રીમાન મહંમદભાઇ જાંગડાને મળી.તેમની મંજૂરી લીધા બાદ જે-તે વર્ગનાં વર્ગશિક્ષકની સાથે મુક્ત મુલાકાત પદ્ધતિ વડે એટલું જાણ્યુ કે દ્રષ્ટિ ખામી ધરાવતાં વિદ્યાર્થીઓ નીચે –મુજબની પ્રવૃતિઓ કરે છે.

૧. વર્ગમાં કાળા પાટિયાની નજીક બેસે છે.

૨. વાંચતી વખતે ચોપડી આંખોની ખુબ જ નજીક રાખે છે.

૩. આંખો ચોળે છે.

૪. નજરની એકાગ્રતાથી જરૂર પડે તેવી પ્રવૃતિ ટાળે છે.

૫.વાંચતા વાંચતા અવાર નવાર માથાનો દુઃખાવો થઇ જવાની તકલીફ પણ તેમને

થાય છે.

આ માહિતી મળ્યા બાદ ફરીથી બધા વિદ્યાર્થીઓને આશરે 20 થી 22 ફુટ લાંબા રૂમમાં લઇ જઇ , પ્રકાશની પૂરતી વ્યવસ્થા કરી ચિત્રો બતાવ્યા. (જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખરોડથી મેં મેળવ્યા હતા.)

ચિત્ર કેવી રીતે જોવું તે મેં તેમને સહભાગી અવલોકન પદ્ધતિ વડે શીખવ્યું. વળી , આ ઉપરાંત ‘ ચિત્રના ટુકડાઓ જોડી આખું ચિત્ર બનાવો’ સુડોકુ , શબ્દ, ગુંફન , પાટિયાં પર લખેલ જોડણી કે અંગ્રેજીમાં લખેલ સ્પેલિંગ વંચાવી તથા ખુટતાં અક્ષર પૂરવા જેવી પ્રવૃતિઓ કરાવી .

આ પ્રવૃતિઓથી મને બંને શાળામાંથી કુલ 17% વિદ્યાર્થીઓ એવા મળી આવ્યા જે દ્રષ્ટિ ખામીની સમસ્યાથી પીડાતા હતા. આ બાળકોની 2014 , સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલ પ્રથમ આંતરિક કસોટીઓમાં મેળવેલ પ્રાપ્તાંકો પણ આઘાત લાગે એટલા ઓછા જણાયા.વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે વર્ગશિક્ષક પાટિયા પર શું લખે છે, વિષય વસ્તુને અનુરૂપ કેવા હાવ-ભાવ દર્શાવે છે.તે પણ તેમનાંથી ઉકેલી શકાતા નહોતા. વળી , ચેસ , રંગપૂર્ણી કાર્યક્રમ વગેરેમાં તેઓ ધ્યાન એકાગ્ર કરવા જાય તો માથાનો દુઃખાવો તેમને થતો હોવાનું જાણવા મળ્યું.

મેં સ્વરચિત પ્રશ્નાવલિ દ્વારા તેમની આ દ્રષ્ટિ ખામી માટે જવાબદાર પરિબળો જાણ મેળવવાનો વિશેષ પ્રયાસ કર્યો. (પ્રશ્નાવલિ પાછળ જોડી છે.) તથા આ બાળકો સાથે મુક્ત મુલાકાત પદ્ધતિ દ્વારા વિશેષ પ્રવૃતિઓ યોજી જેમ કે,

(૧) સમતોલ આહારની સમજ

સમતોલ આહાર વિશે સમજ આપતાં પહેલા પ્રશ્નાવલિનાં આધારે નક્કી થયુ હતું કે બાળકોને ચોક્લેટ , વેફર ,પિત્ઝા ખાવાનું વધુ ગમતું હતું.ફળો ખાવામાં તેમને કોઇ રસ ન હતો. તેથી સમતોલ આહાર લેવાનું મહત્વ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો.તેમને સમજાવ્યું કે, દરેક વ્યક્તિ સમાજનો એક ભાગ છે. ‘વ્યક્તિ સ્વસ્થ તો જ સમાજ સ્વસ્થ.’ સ્વાસ્થ્ય એટલે ‘રોગમુક્ત કે સશક્ત શરીર નહી.પરંતુ ,વ્યક્તિ ની શારીરિક, માનસિક અને સામાજિક એમ બધી જ રીતે તંદુરસ્ત હોવાની સ્થિતિ.’ અને આ માટે , આપણે એવો ખોરાક લેવો જોઇએ જે બધી જ રીતે સમતોલ હોય, પોષણયુક્ત હોય.

૧. સમતોલ આહાર એટલે,

- આહરમાં બધા જ પોષક દ્રવ્યો યોગ્ય અને પૂરતી માત્રામાં હોય છે.

- આહારમાં પોષક દ્રવ્યોની માત્રા વ્યકતિની ઉંમર , જાતિ અને તેમની કાર્યશૈલી પર આધારિત હોય છે.

- સમતોલ આહાર માટે ખોરાકને જુદા જુદા જૂથમાં વહેંચવામાં આવે છે.આ માટે દરેક પ્રકારનાં ખોરકનો જ્થ્થો પ્રમાણિત કરીને કાર્બોદત ,પ્રોટીન , ચરબી અને વિટામીન તેમાંથી મળતી શક્તિ વગેરેમાં પ્રમાણિત કરવામાં આવે છે.

૨. સ્થાનિક વાતાવરણ

સહભાગી અવલોક્ન પદ્ધતિ દ્વારા મેં જાણ્યુ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ બજારમાં મળતા તૈયાર નાસ્તાનાં પડિકાં ખાવા ટેવાયેલાં હતા.અને ઘણા વિદ્યાર્થી તળેલો નાસ્તો જેમ કે, સમોસા , ભજીયા . પૂરી વગેરે ખાવા ટેવાયેલા હતા.સ્થાનિક વાતાવરણ એવું હતું કે ત્યાં મોટા ભાગે મુસ્લિમ જાતિના લોકો વસતા હોવાથી તેમના રોજીંદા આહારમાં લીલા શાકભાજીનો ઉપયોગ સાવ ઓછો હતો.દૂધ પણ ભાગ્યે જ તેઓ આહારમાં લેતા હતા.

૩. માહિતિ અને જાગ્રતતા

સહભાગી અવલોકન પદ્ધતિ તથા મુક્ત મુલાકાત પદ્ધતિ દ્વારા સંશોધક તરીકે મેં અનુભવ્યું કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને બધા જ પ્રકારના ખોરાકનો ઉપયોગ કરવાનું સૂચન થતું હોવા છતા તે પ્રત્યેની વિદ્યાર્થીઓની તથા દ્રષ્ટિ ખામી ધરાવતાં વિદ્યાર્થીનાં માતા-પિતાની જાગ્રતતા ઓછી હતી.કંઇક અંશે એવું જણાયું કે ‘ શાળામાં તો જાત જાતનું શિખવાડાય. પણ ઘરમાં તો આપણે સમાજમાં પ્રચલિત માન્યતાઓને પાળવાની.’

મુક્ત મુલાકાત પધ્ધતિ દ્વારા, ઉદાહરણો દ્વારા તેમને શાકભાજી ખાવા માટે તથા તેની ઉપયોગિતા વિશે સમજાવી શકી.

૪. અભ્યાસની યોગ્ય ટેવો

સહભાગી અવલોકન પદ્ધતિ દ્વારા તથા મુક્ત મુલાકાત પદ્ધતિ દ્વારા જાણી શકાયું કે જે વિદ્યાર્થીઓ દ્રષ્ટિ ખામીથી પીડાઇ છે તેઓ નીચે પ્રમાણેની અભ્યાસની ટેવો ધરાવતાં હતા.

· શાળા છુટ્યા બાદ ઘરની ઓશરીમાં (કે જયાં પ્રકાશ સાવ ઓછો આવતો હોય) ગ્રુહકાર્ય કરતાં હતા.

· ધૂળમાં રમ્યા બાદ (આંખોમાં ખંજવાળ આવે તો) ગંદા હાથથી જ આંખો ચોળતા હતા.

· રાત્રે મોડે સુધી ટી.વી નાં કાર્યક્રમો જોતાં હતા.અને વહેલી સવારે ઉઠી મદ્રેસામાં અભ્યાસ કરતા હતા.

· વાંચતી વખતે પુસ્તક પર પ્રકાશ પડે તેવી સ્થિતિમાં બેસતા ન હોતા.

· ટેબલ- ખુરશી પર કે પલાંથી વાળી બેસવાને બદલે સૂઇને કે જમીન પર ઉંધા પડી વાંચવાની ટેવ ધરાવતા હતા.

· ચોપડી કે નોટોને આંખથી ખુબ નજીક રાખી વાંચતા / લખતાં હતા.

૫. અસરગ્રસ્ત માતા-પિતાની ભૂમિકા

દ્રષ્ટિ ખામીની અસર ધરાવતા વિદ્યાર્થીઓનાં માતા-પિતા ને મેં મુકત મુલાકાત પદ્ધતિ દ્વારા તેમના બાળકોને કેવો ખોરાક આપવો તથા તેમની અભ્યાસની નુકશાન કારક ટેવો સુધારવા અંગે સમજ આપવાનો પ્રયત્ન કર્યો .(પ્રશ્નાવલિનાં આધારે)

વળી , તેમને સમજાવ્યું કે તેમનાં બાળકોને તેઓ માંસ, ઇંડા , દૂધ, દૂધની બનાવટોની સાથે વધુ પ્રમાણમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ઘાટા પીળા ફળો (દા.ત. ગાજર) ખાવા માટે આપે.પોતાનું બાળક આંખની કોઇ પણ પ્રકારની ફરિયાદ કરે તો તેને તુરંત નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં લઇ જાય.અને તેની શક્ય હોય એટલી સારવાર કરાવો.પોતાનાં બાળકને વિટામિન “એ” નું દ્રાવણ પિવડાવે.

૬. શાળાની ભૂમિકા

સંશોધક તરીકે મેં મુક્ત મુલાકાત પદ્ધતિ દ્વારા શાળાનાં શિક્ષકોને સમજાવ્યું કે તેઓ દ્રષ્ટિ ખામી ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમનાં માતા પિતાને (વાલી મિટીંગ દરમ્યાન)લીલા શાકભાજીનો આહારમાં ઉપયોગ કરવાનું કહે.તથા ઘેરા પીળા રંગના ફળો પોતાનાં બાળકને ખાવા માટે આપે.આંખોની સ્વચ્છતા જાળવવા માટે આંખો સ્વચ્છ અને ઠંડા પાણીથી છાલક મારી ધુએ તથા સ્વચ્છ કપડાંથી તેને લૂછે. માટી વાળા કે ગંદા હાથથી આંખો ન ચોળે. તથા વ્યવસ્થિત બેસીને વાંચે.પુસ્તક પર યોગ્ય પ્રકાશ પડે બાળકો અંધારામાં બેસી ગૃહકાર્ય ન કરે તેની કાળજી લે.

· શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન તમામ બાળકોની દ્રષ્ટિ ખામી માટે તપાસણી કરવી જોઇએ.

· બાળકને દ્રષ્ટિની ખામી છે એવું સૂચવતા ચિન્હોનો તમામ શિક્ષકોને ખ્યાલ હોવો જોઇએ.

· શાળા તપાસણી પૂર્ણ થયા બાદ દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકોની આંખોની તપાસણી આરોગ્ય કેન્દ્રમાં જઇ કરાવવી.

· દ્રષ્ટિની ખામીની તપાસણીની સાથોસાથ આંખોની લાલાશ, બળતરા ,આંખોમાંથી પાણી કે રસીનું વહેવું જેવા અન્ય લક્ષણો પણ ચકાસવા.

· પેરામેડીકલ ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ સંદર્ભે સેવા માટે શાળા માંથી આવેલ બાળકોની પ્રત્યાવર્તન (દ્રષ્ટિની ખામી) ની તપાસણી અગ્રતાક્રમે કરે તેની કાળજી લેવી.

· ગરીબ બાળકોનાં માતા-પિતાઓને મફત ચશ્મા મેળવવા માટે મદદ કરવી.

પૃથક્કરણ અને અર્થઘટન

ઉપરોક્ત તમામ પ્રવૃતિઓ વખતે મેં જરૂરી ક્ષેત્રનોંધ કરી હતી.

પ્રસ્તુત ગુણાત્મક સંશોધનમાં દ્રષ્ટિ ખામી ધરાવતાં વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા પાસેથી મેં મેળવેલ માહિતી એકત્ર કરી ત્યારબાદ ,તેનું ઘટનાશાસ્ત્રીય વિશ્ર્લેષણ કર્યુ હતું. અહીં મને જે પણ જીંવત અનુભવો મળ્યા તેનું વિશ્ર્લેષણ કરવાનો મેં પ્રયત્ન કર્યો હતો.

માહિતીનું પૃથક્કરણ કરતા નીચે મુજબનું અર્થઘટન મેળવાયું હતું

- દ્રષ્ટિ ખામી ધરાવતાં વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવો અયોગ્ય હતી.

- દ્રષ્ટિ ખામી ધરાવતાં વિદ્યાર્થીઓને સમતોલ આહાર લેવા માટેની તથા તેની સ્વાસ્થ્ય પર થતી અસરની ગંભીરતા નહોતી.

- દ્રષ્ટિ ખામી ધરાવતા વિદ્યાર્થીઓ વિટામિન - A કઇ કઇ શાકભાજીમાંથી મળે છે અને કયા ફળો માંથી મળે છે તે વિશે જાણતા નહોતા.

- દ્રષ્ટિ ખામી ધરાવતાં વિદ્યાર્થીઓએ પોતાની આંખની તકલીફ વિશે પોતાનાં વર્ગશિક્ષકને જણાવવનું ટાળ્યુ હતું.

- દ્રષ્ટિ ખામી ધરાવતા વિદ્યાર્થીઓનાં માતા- પિતા પોતાનાં બાળકની અભ્યાસ ટેવ વિશે પરિચિત નહોતા.

- દ્રષ્ટિ ખામી ધરાવતા વિદ્યાર્થીઓનાં માતા-પિતા પોતાનાં બાળકને સમતોલ આહાર આપવાના આગ્રહી નહોતા.

- દ્રષ્ટિ ખામી ધરાવતાં વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપાતી દ્રષ્ટિ ખામીની તકલીફથી અજાણ હતા.

સંશોધનના તારણો

પ્રસ્તુત ગુણાત્મક સંશોધનને અંતે મેં અનાત્મલક્ષી રીતે નીચેનાં તારણો તારવવાનો પ્રયત્ન કર્યો હતો.

I. જો દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકોની અભ્યાસ ટેવો અંગે માતા-પિતા જાગ્રત બને તો તેમની આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

II. જો દ્રષ્ટિ ખામી ધરાવતાં બાળકોને સમતોલ આહાર લેવા અંગે જાગ્રત કરી શકાય તથા વિટામિન – A જેમાંથી મળે છે તેવાં શાકભાજી અને ફળો ખાવા માટે સમજ આપવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

III. જો બાળક આગળ જણાવેલી હરકતો વર્ગખંડમાં કરે તો તે જે- તે શિક્ષકે તે બાળકની આંખો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસાવડવવાથી કે તેમનાં માતા- પિતાને તેની જાણ કરવાથી સમસ્યા ઉકેલી શકાય છે.

IV. પોતાનાં બાળકે અભ્યાસમાં રસ દર્શાવવાનું ઓછું કેમ કરી નાંખ્યુ,તે મૂંઝાયેલું કે સાવ એકલવાયું કેમ છે તે જાણવાનો પ્રયત્ન વર્ગશિક્ષક કે માતા-પિતા કરે છે તો પણ દ્રષ્ટિ ખામીની સમસ્યા ઓળખી શકાય છે.

V. બાળકની શૈક્ષણિક સિધ્ધિમાં તેનાં શરીરનાં સંવેદનશીલ અંગ પૈકી આંખો ખુબ અગત્યની છે તે માતા-પિતા તથા બાળકો જાણે તો દ્રષ્ટિખામી ની સમસ્યાનાં ઉકેલ માટે ગંભીર બનશે.

VI. દર વર્ષે એક વાર શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓને બોલાવી બાળક્ની આંખો તપાસાવડવવાથી દ્રષ્ટિ ખામી ધરાવતાં બાળકોને ઓળખી શકાય છે.

સંદર્ભસૂચિ

Uchat D. A (2012) Research Methodology in Education And Social Science. Rajkot: Paras Prakashan (Page No.455-513)

પ્રશ્નાવલી

વિદ્યાર્થીઓ માટે :

૧.તમે રોજ સવારે નાસ્તો લો છો ?

૨.નાસ્તામાં શું લો છો ?

૩.નાસ્તો તમને ગમે છે ?

૪.નાસ્તામાં તમને શું ગમે છે ?

૫.તમે બપોરે જમવામાં શું લો છો ?

૬.તમને બપોરના જમવામાં શું મળે તો ગમે ?

૭.રાત્રી ભોજનમાં શું લો છો ?

૮.તમને દુધ પીવું ગમે છે ? કયારે અને કેટલું ?

૯.તમને કયા ફળો ભાવે છે ?

૧૦.આખા દિવસમાં તમે ક્યારે અને કેટલા ફળો ખાવો છો ?

૧૧.તમને કયા ક્યા શાકભાજી ભાવે છે ?

૧૨.લીલા પાંદડાવાળા કયા શાકભાજી તમને રોજ ખાવા ગમે છે ?

માતા-પિતા માટેના પ્રશ્નો

૧.તમારું બાળક આખા દિવસમાં કેટલી વાર જમે છે ?

૨.તમારા બાળક ને શું ભાવે છે ?

૩.રોજ કયા પ્રકારનો નાસ્તો કે જમવાનું (બપોરે /રાત્રે) તમે એને આપો છો ?

૪.તમે જે ખાવનું આપો તેના માટે તમારું બાળક કેવું વલણ દર્શાવે છે ?

૫.તમારા બાળક ને ક્યા શાકભાજી વધારે ભાવે છે ?

૬.તમારું બાળક રોજ દુધ પીવે છે ? કયારે અને કેટલું ?

૭.તમારા બાળકને કયા ફળો ભાવે છે ?

૮.તમારા બાળકને તમે કયા ફળો ખાવા આપો છો?

૯.તમારા બાળકને નિયમિત રીતે તમે નાસ્તાનો ડબ્બો આપો છો ?

૧૦. જો, ના તો તેના વિકલ્પ સ્વરૂપે તમે શું કરો છો ?

૧૧.તમારું બાળક બહારની કઇ ચીજ ખાવા પસંદ કરે છે ?

૧૨.એ ચીજ હાનિકારક હોય તો એની જાણકારી તમે તમારા બાળકને આપો છો ?

૧૩.તમારું બાળક સામાન્ય બિમારીથી પીડાતું હોય તો તેની ફરિયાદ તમને કરે છે ?

૧૪.તમે તેની સારવાર કેવી રીતે કરો છો?

૧૫.તમારું બાળક ક્યાં બેસી ઘરકામ કરે છે ?

૧૬.તેની અભ્યાસ ટેવો કેવી છે ?

૧૭.તમારું બાળક અભ્યાસમાં સતત પાછળ પડે છે તેની તમને જાણ છે ?

૧૮.આના માટે તમે તમારા બાળક સાથે ચર્ચા કરો છો ?