“સ્ટ્રોક” કે જેને “ લકવો” અથવા ``બ્રેઈન એટેક`` પણ કહેવાય છે, તે ભારતમાં ગંભીર, લાંબા ગાળાના અપંગતા અને મૃત્યુનું પ્રમુખ કારણ છે.
સ્ટ્રોકના મુખ્ય લક્ષણો:
■ ચહેરા, હાથ અથવા પગની અચાનક નિષ્ક્રિયતા અથવા નબળાઇ (ખાસ કરીને શરીરના એક બાજુ પર)
■ અચાનક મૂંઝવણ, બોલવામાં અથવા સમજવામાં મુશ્કેલી
■ એક અથવા બંને આંખોમાં જોવામાં અચાનક મુશ્કેલી
■ અચાનક ચક્કર અથવા સંતુલન ગુમાવવું
■ અચાનક ગંભીર માથાનો દુખાવો
ઉપરોક્ત કોઈપણ લક્ષણો દર્શાવે , તે સમયે ઈમરજન્સી સેવાનો સંપર્ક કરો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભારતમાં અંદાજે દર ૧૦૦ વ્યક્તિએ, એક વ્યક્તિને આ બિમારી છે, કે જેમાં દર્દી બેભાન થઇ જાય છે, શરીર જકડાઈ જાય છે, ઝટકા આવે છે અથવા અચાનક થોડી સેકન્ડો માટે સ્તબ્ધ થઇ જાય છે. યોગ્ય તબીબી સારવાર અને પરીસ્થિતિની જાગરૂકતાથી, એપિલેપ્સીના દર્દી માટે સફળ અને સ્વસ્થ જીવન જીવવું શક્ય બનાવી શકાય છે.
માથાના દુખાવા માટેના નીચે જણાવેલ રેડ ફ્લેગ્સ (RED FLAGS), ગભીર બીમારીનું સુચન કરે છે
• જો માથાના દુખાવા સાથે તાવ આવે, ઉલટી, ઉબકા થાય, વજનમાં ઘટાડા જેવા લક્ષણો હોય.
• જીવનમાં પહેલા ક્યારેય ના થયો હોય તેવો સખત માથાનો દુખાવો, એકદમ ચાલુ થાય અને અચાનક વધી જાય.
• ૫૦ વર્ષની વય પછી શરૂ થતો સતત અને અસહ્ય માથાનો દુખાવો.
• જો માથાનો દુખાવો તમને ઊંઘમાંથી સફાળા જગાડે, અને દુખાવો ઉલટી, છીંક, આગળ નમવાથી બહુજ વધતો હોય.
• કેન્સર અથવા એચ.આય.વી ના દર્દીઓં માં થતો માથાનો દુખાવો.
• માથાના દુખાવા સાથે બોલવામાં, જોવામાં તકલીફ થવી, હાથ – પગ નો લકવો,ખેંચ આવવી, યાદદાસ્ત અને સ્વભાવમાં પરિવર્તન આવવું, ચાલવામાં લથડીયા આવવા.
તમે તમારા માથાનાં દુખાવા માટે ચિંતિત હો, તો ન્યુરોલોજીસ્ટની સલાહ લઇ શકો છો. જે ન્યુરોલોજીકલ પરીક્ષણ કરી, તમારા માથાના દુખાવાનું નિદાન અને ઈલાજ કરી શકે છે.
સાલ ૨૦૧૫ ની માહિતી મુજબ , દુનિયાભરમાં ૬૨ લાખ લોકો કંપવાની બીમારીથી પીડિત છે. રોજિન્દી ક્રિયાઓમાં ધીમા પડવું, ધ્રુજારી થવી , શરીર કડક ( rigid) થવું અને ઉભા રહેવામાં અને ચાલવામાં અસ્થિરતા અનુભવવવી એ કંપવાની બીમારી ના મુખ્ય લક્ષણો છે. યોગ્ય દવાઓ અને ફીઝ્યોથેરાપી દ્વારા , કંપવાની બીમારીનું દર્દી સક્રિય અને સ્વસ્થ જીવન જીવી શકે છે.
“ ડિમેન્શિયા” શબ્દ યાદશક્તિ ખોવી, સમસ્યાઓ ઉકેલતી વખતે મુશ્કેલીઓ અનુભવવી અને મનોભાવ, દ્રષ્ટિ અથવા વર્તનમાં ફેરફાર જેવા લક્ષણોના સમુહનું વર્ણન કરે છે. ૬૫ વર્ષથી વધુ ઉમર ધરાવતા લોકોમાં ૧૪માંથી એકને, જયારે ૮૦ થી વધુ ઉમરના લોકોમાં છમાંથી એકને ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર રોગ એ ડિમેન્શિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે, કે જે ડિમેન્શિયાના ૬૦ થી ૮૦ ટકા કિસ્સા માટે કારણભૂત હોય છે.
સમયસર નિદાન અને યોગ્ય સારવારથી યાદદાસ્તના રોગોને ખણાખરા અંશે નિયંત્રિત રાખી શકાય છે.
જી. બી. એસ. ( ગિયાન બારે સિન્ડ્રોમ) ઝડપથી આગળ વધતો નસો/સ્નાયુનો રોગ છે કે જેમાં હાથ, પગ, ખોરાક ગળવાના સ્નાયુઓં અને અમુક કિસ્સામાં શ્વાસ લેવાના સ્નાયુઓ નબળા પડતા જાય છે. અમુક જી.બી. એસ. ના દર્દીઓને આ બીમારીને કારણે વેન્ટીલેટર ( કૃત્રિમ શ્વાસોશ્વાસનું મશીન) ની પણ જરૂર પડી શકે છે. આ બીમારીમાં દર્દીઓને ધબકારા અને બ્લડ પ્રેશર માં પણ અનિયમિતતા આવી શકે છે કે જે અમુકવાર જીવલેણ પણ સાબિત થઇ શકે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી મોટાભાગના દર્દી સ્વસ્થ થઇ શકે છે.
માયેસ્થેનીયા ગ્રેવીસએ નસો – સ્નાયુઓનો રોગ છે કે જેના મુખ્ય લક્ષણો આંખની પાંપણ ઢળી જવી, વસ્તુઓ બેવડી દેખાવી ( double vision), ચાવવામાં કે ખોરાક ગળવામાં તકલીફ થવી, ઝડપથી થાક લાગવો – જેવા હોય છે. અમુક કિસ્સામાં શ્વાસ લેવાના સ્નાયુઓ નબળા પડે છે કે જેમાં દર્દીને વેન્ટીલેટર ( કૃત્રિમ શ્વાસોશ્વાસનું મશીન) ની પણ જરૂર પડી શકે છે. માયેસ્થેનીયા ગ્રેવીસના દર્દીને ન્યુરોલોજીસ્ટ પાસે નિયમિત તપાસ અને દવા લેવી અત્યંત અનિવાર્ય છે.
મલ્ટિપલ સ્કલેરોસિસ એ મગજ , કરોડરજ્જુ અને આંખની નસને ખરાબ કરતો રોગ છે, કે જેમાં દર્દીને જોવામાં તકલીફ , હાથ – પગમાં નબળાઈ, અસ્થિરતા અને પેશાબ કરવામાં તકલીફ થવા જેવા લક્ષણો જોવા મળે છે.
આ રોગના યોગ્ય નિદાન અને સારવાર માટે નિયમિત તપાસ અને દવા લેવી જરૂરી બને છે.