Gujarati Ghazals by Uday Shah
છંદમાં ઉપર ટપકું મુખ્ય પદ્યભાર અને નીચે ટપકું ગૌણ પદ્યભાર
-------------------------------------------------------------------------------------------------------
પામવાને કંઈક મેં હપ્તા ભર્યા છે;
જિંદગીના કટકે-કટકા મેં કર્યા છે.
સાવ નાની વાતમાં અટવાય છે એ;
ને કહે છે એમણે સાગર તર્યા છે.
સાચ પર કંઈ આંચ પણ આવી શકે ના;
એ ઝનૂન ઉતરી ગયું દોષી ઠર્યા છે.
છે જીવનમાં સુખ ક્ષણિક બાકી તો દુઃખ છે;
એ જ કારણ છે અમે સુખથી ડર્યા છે.
તોય તરછોડી ગયા તેઓ કે જેનાં;
કાંઠલો વેચી-વેચી દામન ભર્યા છે.
અંત આખર દુશ્મનીનો થઈ ગયો ને;
પ્રેમથી પેશ આવી સૌનાં મન હર્યા છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : અકાર+ર્યા
------------------------------------------------------------
જીવવા કોઈ બહાનું જોઈએ;
સુખ નહીં પણ દર્દ છાનું જોઈએ.
દાસ્તાં હો આપની લાંબી ભલે;
મારા નામે એક પાનું જોઈએ.
કોણ જાણે કેમ આ આદત પડી;
યાદમાં બસ જાગવાનું જોઈએ.
પાછો વાળ્યો ને કર્યું અપમાન પણ;
દિલ કે પાછું ત્યાં જવાનું જોઈએ.
કોઈ છંછેડી ગયું એને હવે;
શું થશે એ છાનુંમાનું જોઈએ.
દુઃખ મળે તો એકલો જીરવી જઈશ;
સુખ મળે તો એ બધાનું જોઈએ.
ઠોકરો ખાધી ઘણી રસ્તામાં તોય;
એ જ રસ્તે ચાલવાનું જોઈએ.
અંતે જ્યાં અટકી જશું મંઝિલ છે એ જ;
ત્યાં સુધી બસ ચાલવાનું જોઈએ.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+નું
-------------------------------------------------------
વર્ષો વીતી ગયા એની ચાહત નથી ગઈ;
જખ્મો કુરેદવાની એ આદત નથી ગઈ.
મળતા રહ્યા છે એકબીજાને ગળે મળી;
અંતર મહી એ જૂની અદાવત નથી ગઈ.
આપ્યા કરે સલાહ પરંતુ મદદ નહીં;
મારા હિતેચ્છુઓની એ આદત નથી ગઈ.
મુજ પર જુલમ કરે છે કોઈ તો સહી લઉં;
ઈશ્વર કરે છે ન્યાય એ રાહત નથી ગઈ.
ખામોશ થઈ ગયો છું હું સંજોગવશ જરૂર;
એનાં જુલમની મનથી બગાવત નથી ગઈ.
છંદ : ગાગાં લગ઼ાલગાં લલ઼ગાગાં લગ઼ાલગાં
કાફિયા-વ્યવસ્થા : અકાર+ત
--------------------------------------------------------------
કર્યું મસ્ત ઝારણ ખરાં છો તમે તો;
પછી દીધું મારણ ખરાં છો તમે તો.
નજર મેળવીને નજર ફેરવો છો;
નથી કોઈ કારણ ખરાં છો તમે તો.
નજરને હૃદયને બરાબર ચકાસી;
કર્યું ખોટું તારણ ખરાં છો તમે તો.
રિસાઈ રડો છો પછીથી હસો છો;
રહે દિલને ભારણ ખરાં છો તમે તો.
પ્રણયના જખમની પીડા કંઈ અલગ છે;
કર્યું કેમ ઝારણ ખરાં છો તમે તો.
છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+રણ
----------------------------------------------------
કોણે દીઠી આવતી કાલ;
ચાલને થોડું સાથે ચાલ.
સદાચારીઓ છે કંગાલ;
ભ્રષ્ટાચારી માલામાલ.
એકલવાયું જીવન છે;
બંનેના છે સરખા હાલ.
ફૂલો રંગે ફિક્કા છે;
ચમકીલા છે તારા ગાલ.
ફૂલગુલાબી મોસમ છે;
એકબીજાને કરીએ વ્હાલ.
પ્રેમના પંથે ચાલી જો;
થઈ જાશે તું માલામાલ.
પ્રેમમાં અવ્વલ રહેતો ‘તો;
થઈ ગ્યા મારા કેવા હાલ.
તારી સાથે રહીને થઈ;
મારા માથે પૂરી ટાલ.
જુઠ્ઠાઓને જલસા છે;
સાચાઓના બૂરા હાલ.
નેતા રાજરમતમાં મસ્ત;
જનતા થઈ ગઈ છે બેહાલ.
નાની અમસ્તી વાત હતી;
થઈ ગઈ એમાં મોટી વબાલ.
ધર્મ અલગ પણ તેથી શું;
સૌનું લોહી રંગે લાલ.
ધર્મ અલગ પણ તેથી શું;
મંઝિલ એક જ જૂદી ચાલ.
દુશ્મન નહીં એ દોસ્ત હશે;
કોણે ચાલી આવી ચાલ.
તોયે દુશ્મન ફાવી ગ્યા;
મિત્રો મારા જાણે ઢાલ.
ધરતી ઉપર સ્વર્ગનું સુખ;
જેણે પામ્યું માનું વ્હાલ.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+લ
--------------------------------------------
તારી કિંમત કોણે પિછાણી;
પાણી તારી કિંમત પાણી.
નાની અમસ્તી દિલની દુનિયા;
એમાં હું-તું રાજા-રાણી.
માયાનગરીની માયા છોડ;
ત્યાંની કમાણી ત્યાં જ સમાણી.
દુનિયાદારી રાસ ન આવી;
મારી-એની એક કહાણી.
વર્ષો બાદ એ આજ મળ્યા છે;
જાણે કોઈ વ્યક્તિ અજાણી.
એવી અદાથી જોયું એણે;
જીવન આખું થાશે ઉજાણી.
ખર્ચી નાખ્યું જીવન આખું;
હાથ આવી બસ પાઈ કમાણી.
એનાથી ચેતીને રહેવું;
વાતો કરે જે શાણી-શાણી.
પ્રેમના પ્રશ્ને એની હાલત;
ભર ઉનાળે પાણી-પાણી.
જીવન કેરું અમૃત પીવા;
ઝેર પીધાં છે જાણી-જાણી.
મારી ગઝલો એ શું સમજે;
જેણે મોઘમ વાત ન જાણી.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : આકાર+ણી
--------------------------------------------
નથી કોઈ બીજી તમન્ના મને;
રહે ખુશ તું એવી તમન્ના મને.
વિખૂટા થયા, આજ વર્ષો થયાં;
ફરી થઈ મિલનની તમન્ના મને.
જુદાઈની તડપન મિલનમાં નથી;
જુદાઈની જાગી તમન્ના મને.
જે વાતે મનાવ્યું મેં મનને સદા;
ફરી આજ એની તમન્ના મને.
લઈ પ્રેમ પ્રસ્તાવ પહોંચી ગયો;
કહ્યું “બોલ છેલ્લી તમન્ના” મને.
જીવનભર પ્રયત્નો કર્યા પામવા;
નથી આજ એની તમન્ના મને.
નથી મારે કહેવું વધુ કંઈ હવે;
હતી કેવી-કેવી તમન્ના મને.
છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાં
કાફિયા-વ્યવસ્થા : ઈકારાંત
-------------------------------------------------
તારા-મારા સાથની રાત;
સપનું હતું એ ચાંદની રાત.
તારા રૂપનું અજવાળું;
દિવસ કહું કે ચાંદની રાત.
કિટ્ટા કરીને સાથ રહ્યા;
વિરહ બની ગઈ વસ્લની રાત.
હસતાં-રમતાં ટાળીશું;
આવે ભલેને કત્લની રાત.
સૂર્ય તણું અજવાળું છે;
તોયે ભાસે રાતની રાત.
યાદ આવે છે દાદીમા;
કહેતી વાર્તા રાતની રાત.
જીવન આખું બળતા રહ્યા;
તોયે રહી ગઈ રાતની રાત.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : અકાર+ની
--------------------------------------------
અમાસની અંધારી રાત;
આપ ચાંદ અજવાળી રાત.
કાળમુખી થઈ આવી રાત;
હસતાં-રમતાં ટાળી રાત.
અશ્રુ વહ્યા છે આખી રાત;
વર્ષા બિન વરસાદી રાત.
તારો સાથ ને આ વરસાદ;
થઈ ગઈ ફૂલગુલાબી રાત.
એકબીજાને જોતાં રહ્યાં;
નજર મળી ને બહેકી રાત.
ફૂલની ફોરમ પ્રસરી ગઈ;
એની યાદથી મહેકી રાત.
ચાંદનું શીતળ અજવાળું;
અંતર ભીતર બળતી રાત.
આવી ગયા એ મુજને યાદ;
છટપટ છટપટ તડપી રાત.
રોકી રાખ્યા આખો દિ’;
વહી રહ્યા એ આખી રાત.
આંખ નશાથી લાલ નથી;
આંસુ સાર્યા આખી રાત.
દિવસે ખુશમાં જોનારા;
રોઈ લઉં છું આખી રાત.
મારા દુઃખથી હતાશ થઈ;
તારા સાથે જાગી રાત.
સવાર થઈને આવે છે;
જાનારી અંધારી રાત.
સાથે હરતાં-ફરતાં હતાં;
છોડ્યો સાથ જો આવી રાત.
સૂર્ય હજી તો ઊગતો હતો;
ત્યાં તો થઈ ગઈ હાવી રાત.
આંખોંની લાલાશ કહે;
જામમાં નાખી પીધી રાત.
માર્ગ ન ભટકે પંથી કો’;
દીપ બની અજવાળી રાત.
એક દીપક પણ સૂર્ય સમાન;
અંધારે જ્યાં ભટકી રાત.
દુનિયાની તું માયા છોડ;
મીઠી નીંદર સારી રાત.
સુખદુઃખની ક્યાં અસર હવે;
કેવા દિવસો કેવી રાત.
કેમે કરીને આવી જા;
છે જીવનની છેલ્લી રાત.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : ઈકારાંત
------------------------------------------------
પ્રેમના પ્રશ્ને તારી ના;
જુઠ્ઠું બોલે, જા રે જા.
ગયા નજીક જો અન્યની તો;
પ્રેમના પ્રશ્ને થઈ ગઈ હા.
પ્રેમગીત હું ગાઉં છું;
મારી સાથે તું પણ ગા.
મારું ક્યાં કંઈ ચાલે છે;
તારી હા તો મારી હા.
પ્રેમની પાછી ભૂલ કરું;
માફ કરી દો, ના રે ના.
આંખે આવી અટક્યો જીવ;
આવી શકે તો આવી જા.
સૂર્યના દોષને જોનારા;
પહેલાં તું એક દીપક થા.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકારાંત
----------------------------------------------
એકબીજાના દુઃખો સહીએ;
ચાલને બંને સાથે રહીએ.
શબ્દો થકીયે વ્યક્ત નથી જે;
આંખોંથી એ વાતો કહીએ.
એકલતાના રણની વચ્ચે;
પ્રેમ-સરિતા થઈને વહીએ.
મનનું કરતાં અટવાયા ત્યાં;
લોકોનું સાંભળતા રહીએ.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : અકાર+હીએ
------------------------------------------------------
એક જ રસ્તે ચાલ્યા ‘તાં;
હું છું ક્યાં ને તું છે ક્યાં.
સ્વભાવ ન્હોતો નડવાનો;
તેથી રહી ગ્યા જ્યાંના ત્યાં.
સાચું બોલી પસ્તાયો;
જુઠ્ઠા પહોંચ્યા ક્યાંના ક્યાં.
યાદ આવે છે તુજને કંઈ;
એકબીજાને ગમતા ‘તાં.
નજર ઝુકાવી ચાલી જાય;
સામે મળે જો રસ્તામાં.
ખુશ્બૂ વિનાના રંગો છે;
બનાવટી ગુલદસ્તામાં.
હાથ ન આવું કાલે હું;
આજે મળું છું સસ્તામાં.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આંકારાંત
-------------------------------------------------
હું ને તું બસ મળતાં રહીએ;
દિલની વાતો કરતાં રહીએ.
ફેસબૂક પર મળતાં રહીએ;
વોટ્સએપ પણ કરતાં રહીએ.
ખુશ છે, બંને કહેતાં રહીએ;
એકબીજાને છળતાં રહીએ.
નદી-પહાડો જંગલ-જંગલ;
ચાલને સાથે ફરતાં રહીએ.
નદી સરોવર દરિયો સાગર;
નાવલડીમાં તરતાં રહીએ.
અજવાળાની સાથે રહીને;
અંધારું ત્યાં ઢળતાં રહીએ.
જાત અલગ હો તેથી શું છે;
જ્યાં ને ત્યાં બાખડતાં રહીએ.
પ્રેમ વધી જાશે જીવનમાં;
મીઠું-મીઠું લડતાં રહીએ.
મિલન આપણું શક્ય નથી તોય;
સપનામાં તો મળતાં રહીએ.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : હલન્તોચ્ચાર+તાં
(આ પ્રકારના હલન્તોચ્ચાર ધરાવતા કાફિયા અયોગ્ય ગણાતા હોવાથી આ ગઝલમાં કાફિયાદોષ છે.)
---------------------------------------------
નહીં થવાનું થઈ ગયું છે;
પ્રેમ જેવું થઈ ગયું છે.
તારી ખ્વાહિશ પૂરી થઈને;
મારે દેવું થઈ ગયું છે.
છે ઘણીયે ચીજ જેને;
ત્યાગવાનું થઈ ગયું છે.
છે ઘણાં કે જેનું જીવન;
જેવું-તેવું થઈ ગયું છે.
પ્રેમમાં મુજ દિલ ઉપર તો;
કેવું-કેવું થઈ ગયું છે.
આ જીવન પણ શું જીવન છે;
મૃત્યુ જેવું થઈ ગયું છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : ઉંકારાંત
-----------------------------------------------
જેવા મતલબ એવા રંગ;
દુનિયા તારા જોયા ઢંગ.
દંભીઓની દુનિયા છે;
મકાન મોટાં, હૈયાં તંગ.
કરી જો ચર્ચા મિત્રોની;
થઈ ગ્યા મારા દુશ્મન દંગ.
ત્યારથી દુનિયા દુશ્મન થઈ;
જ્યારથી થઈ ગ્યા હું-તું સંગ.
ખુદને પાવન કરવા મેં;
અંતર માંહી ખેલ્યો જંગ.
યાદમાં એની લીન રહું;
ધડકન પાડે રંગમાં ભંગ.
આમ તો જીવન છે મુશ્કેલ;
માણી શકો તો રંગબિરંગ.
સમજી શકો તો મારા શેર;
હીરા-મોતી જેવા નંગ.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : અંકાર+ગ
-------------------------------------------
માની શકે તો માની જા;
આવી શકે તો આવી જા.
દુનિયા જૂઠી માયા છે;
છોડી શકે તો છોડી જા.
તોડી દુનિયાનાં બંધન;
પામી શકે તો પામી જા.
પ્રેમમાં બાજી હારીને;
જીતી શકે તો જીતી જા.
તારો-મારો પ્રેમ હતો;
ભૂલી શકે તો ભૂલી જા.
સત્યની થાય છે જીત સદા;
બોલી શકે તો બોલી જા.
ડગલે-પગલે મુશ્કેલી;
જીવી શકે તો જીવી જા.
પ્રેમ મધુરી રાગિણી;
ડોલી શકે તો ડોલી જા.
મન-ભીતરના ઉપવનમાં;
મ્હાલી શકે તો મ્હાલી જા.
રોકવું મુજને નામુમકિન;
ફાવી શકે તો ફાવી જા.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : ઈકારાંત
---------------------------------------------------
મારા-તારા સૌનાં ચાલે;
કેવા ગોરખ ધંધા ચાલે.
પૈસા પૈસા પૈસા પૈસા;
એના વિના તો કંઈ ના ચાલે.
પૈસા વિનાનો પ્રેમ નકામો;
પ્રેમ વિનાના પૈસા ચાલે.
જૂઠું બોલી ટોચે પહોંચો;
સાચું બોલો કંઈ ના ચાલે.
જીવનના સંજોગો શું છે;
કિસ્મત બાજી, પાનાં ચાલે.
સજ્જનતાનું મૂલ્ય નથી કંઈ;
જો એનાથી ઘર ના ચાલે.
હાથમાં હાથ પરોવી આવ્યાં;
મનથી બંને આઘા ચાલે.
જીવનમાં જો સફળ થયા તો;
આપના રસ્તે દુનિયા ચાલે.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : આકારાંત
(આ પ્રકારના કાફિયામાં અનુનાસિક અનુસ્વારની છૂટ લઈ શકાય છે.)
-------------------------------------------------
પૃથ્વી પર મેં જોયા ઈશ્વર;
ઈશ્વરથીયે મોટાં ઈશ્વર.
ઈશ્વર ઈશ્વર ઈશ્વર ઈશ્વર;
એક છે તોયે કેટલાં ઈશ્વર.
સાચો ઈશ્વર ખોવાયો છે;
થઈ ગ્યા કેવા-કેવા ઈશ્વર.
માનવધર્મનું પાલન કરતાં;
થઈ જશો ખુદ સાચા ઈશ્વર.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : આકારાંત
(આ પ્રકારના કાફિયામાં અનુનાસિક અનુસ્વારની છૂટ લઈ શકાય છે.)
--------------------------------------------------
ધર્મના અધિકારીઓ રાખે ભરમમાં;
વાત બસ ઇન્સાનિયતની સૌ ધરમમાં.
વાત આગળ ના વધી, કારણ ફકત એ જ;
હું અહમમાં રહી ગયો ને એ શરમમાં.
એની પાસે મેં કશું માંગ્યું જ છે ક્યાં;
કેવી રીતે મૂકી દઉં એને શરમમાં.
દ્રષ્ટિ હો તો હૂબહૂ એક જ જણાશે;
એ જ મળશે મંદિરોમાં ને હરમમાં.
છંદ : છંદ : ગાંલગાગ઼ા ગાંલગાગ઼ા ગાંલગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : અકાર+રમમાં
-------------------------------------------------
જીવનના અનુભવ નિતરતી ગઝલ;
ને અશ્રુ લહૂના ટપકતી ગઝલ.
બહુ રંગે રંગાઈ ખીલતી રહે;
છે ફૂલોથી નાજુક નિખરતી ગઝલ.
સદી એક વીતી,અડીખમ છતાં;
નવા રંગ રૂપો બદલતી ગઝલ.
છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાં
કાફિયા-વ્યવસ્થા : હલન્તોચ્ચાર+તી
(આ પ્રકારના હલન્તોચ્ચાર ધરાવતા કાફિયા અયોગ્ય ગણાતા હોવાથી આ ગઝલમાં કાફિયાદોષ છે.)
-------------------------------------------------
સત્કર્મો તું કરતો જા;
ભાથું તારું ભરતો જા.
મીઠી વાણી બોલીને;
સૌનાં મન તું હરતો જા.
સંસારી સાધુ થઈને;
ધ્યાન તું એનું ધરતો જા.
લાયક ના હો વાંધો નહીં;
જાતના નામે ચરતો જા.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : અકાર+રતો
----------------------------------------------
સૌને હસતાં-હસતાં મળીએ;
એકલતામાં રડતાં રહીએ.
પ્રેમ જ્યોત સળગી છે હૈયે;
ચાલને એમાં હું-તું બળીએ.
હુંયે અધૂરો તુંયે અધૂરી;
એકબીજાને તોયે ગમીએ.
માયાના બંધનમાં રહીને;
જૂઠી માયા કહેતાં રહીએ.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : ઈકાર+એ
--------------------------------------------
મોટાં કરે તો ચાલી જાય;
નાનાં કરે એ તો દંડાય.
દુનિયા તારાં બમણાં રૂપ;
નાને ધૂપ ને મોટે છાંય.
મોટાં થઈને ભાન ભૂલ્યાં;
નાનાં સામે ચઢાવે બાંય.
જીવનની છે ફિલસૂફી;
એક ને એક બે ના પણ થાય.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+ય
(આ પ્રકારના કાફિયામાં અનુનાસિક અનુસ્વારની છૂટ લઈ શકાય છે.)
---------------------------------------------
સમજી ગયો હું તારી વાત;
વાતની વાત ને લાતની લાત.
હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ;
તોયે સૌની માણસ જાત.
તારી નજરમાં આવી ગયો;
એનાં માથે બેઠી ઘાત.
ફૂલગુલાબી મોસમ છે;
એ જો હોત તો સારું થાત.
એનાં રૂપનું શું કહેવું;
મેઘધનુષી રંગો સાત.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+ત
-----------------------------------------------
મારી આખી જિંદગી બદનામ છે;
છું રતન ને કોડીઓના દામ છે.
મારી બરબાદીનું કારણ હું જ છું;
પણ હવે લાગે છે તારું કામ છે.
છો ઝવેરી આપ તો સાબિત કરો;
આપની દ્રષ્ટિ અમારા દામ છે.
મારી ગઝલોમાં નથી ઉલ્લેખ પણ;
લોક સમજી જાય, તારું નામ છે.
દ્રષ્ટિ હો તો એનાં દર્શન થાય છે;
મારે મન ગઝલો જ તીરથ ધામ છે.
એ કહે ગઝલો હૃદયસ્પર્શી છતાં;
ના-ગઝલ-ગોમાં ‘ઉદય’નું નામ છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+મ
----------------------------------------------------
એ તો અમથું કંઈક બોલી જાય છે;
ને પછી અર્થો-અનર્થો થાય છે.
એનો ચહેરો ખુશનુમા દેખાય છે;
આંખમાં કિંતુ વ્યથા વંચાય છે.
હું મુસીબતમાં ફસાયો ત્યારથી;
દોસ્ત ને દુશ્મન મને પરખાય છે.
સામસામે થઈ ગયાં વર્ષો પછી;
કંઈ કહ્યું ના, આંખ બસ છલકાય છે.
દુઃખ હવે દિલને નથી પહેલાં સમું;
આંખમાં ભીનાશ ક્યાં દેખાય છે.
પુસ્તકો વાંચ્યા હશે આપે ઘણાં;
માનવીના મનને ક્યાં વંચાય છે.
સાવ સીધી ને સરળ છે તે છતાં;
એમને ક્યાં એ ગઝલ સમજાય છે.
દાદ મહેફિલમાં ન આપી એમણે;
ઘર ગયા બાદ એમને સમજાય છે.
તું ને તું નજરો સમક્ષ આવે અને;
જે વિચારું એ ગઝલ થઈ જાય છે.
મોટી હસ્તી થઈ ગયાનાં બંધનો;
મન મુજબનું ક્યાં પછી જીવાય છે.
રૂપ તારું ચાંદ ને સૂરજ સમું;
દિલમાં ઠંડક ને નયન અંજાય છે.
યાદ એને રહી ગયો હું છેવટે;
નામ મારું લ્યો ને છંછેડાય છે.
એને કહી દો કે ‘ઉદય’ને જઈ મળે;
જો ગઝલમાં છંદ તૂટી જાય છે.
બહુ થયું બસ કર ‘ઉદય’, બસ કર હવે;
ગઝલો નહીં, જોડકણાં એ કહેવાય છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+ય
-------------------------------------------------------
હતા બા-વફા, બે-વફા થઈ ગયા;
નથી કોઈ કારણ, જુદા થઈ ગયા.
અમારા જીવનની હકીકત હતી;
એ કિસ્સા ઘણાં વારતા થઈ ગયા.
અમે રક્ત સીંચી સજાવ્યું હતું;
એ ઉપવનનાં ફૂલો જુદા થઈ ગયા.
કર્યા લાખ યત્નો, બિચારી નજર;
બધા રાઝ દિલના છતા થઈ ગયા.
મનાવ્યા, અમે ખૂબ મહેનત કરી;
વળી ત્યાં જ પાછા ખફા થઈ ગયા.
જીવનમાં થઈ એક સ્વજનની વિદાય;
બધાં સુખ જીવનના સજા થઈ ગયા.
સફળતા મળી ‘તી અમારા થકી;
ટીકાકાર અમારા બધા થઈ ગયા.
અજ્ઞાનીની વચ્ચે અમે ચુપ રહ્યાં;
કે મૂરખ સલાહ આપતા થઈ ગયા.
અમારા વિચારોની થઈ એ અસર;
નિરંતર સુગંધિત હવા થઈ ગયા.
‘ઉદય’ની ગઝલનો છે એવો પ્રભાવ;
જુઓ, સૌ ગઝલ માણતા થઈ ગયા.
છંદ : લગાંગા઼ લગાંગા઼ લગાંગા઼ લગાં
કાફિયા-વ્યવસ્થા : આકારાંત
----------------------------------------------------
જોઈએ તો જુદા નથી હોતાં;
તે છતાં બા-વફા નથી હોતાં.
બાદ વર્ષો મળ્યાં છે એ રીતે;
જાણે કે જાણતાં નથી હોતાં.
રાખી અંતર મળી રહ્યાં છે અમે;
તે છતાં પારકાં નથી હોતાં.
એ ખુદા થઈ ફરે છે દુનિયામાં;
પાપ જેનાં છતા નથી હોતાં.
આપણાં છે અને સદા રહેશે;
તે છતાં આપણાં નથી હોતાં.
આપણાં ક્યાં હતાં ને ક્યાં રહેશે;
તોય ક્યાં આપણાં નથી હોતાં.
સમજી લ્યો એ હૃદય વિનાનાં છે;
જે ગઝલ માણતાં નથી હોતાં.
છે ‘ઉદય’ની ગઝલ હૃદયસ્પર્શી;
કોણ વાંચી ભીનાં નથી હોતાં.
છંદ : ગાલ઼ગાગાં લગા઼લગાં લલ઼ગા
કાફિયા-વ્યવસ્થા : આકારાંત
(આ પ્રકારના કાફિયામાં અનુનાસિક અનુસ્વારની છૂટ લઈ શકાય છે.)
-------------------------------------------------
ખુલ્લી આંખેં ચોતરફ બસ એ જ દેખાયા કરે;
બંધ આંખેં મનની ભીતર એ જ વર્તાયા કરે.
જિંદગી સાથેનો મારો નાતો ચર્ચાયા કરે;
આપતી રહે દુઃખ છતાં આ દિલ કે મલકાયા કરે.
દર્દ સરખું તે છતાં હાલત છે બંનેની અલગ;
છે હૃદય વેરાન રણ ને આંખ છલકાયા કરે.
મિત્રો મારા મારી સાથે જાણે પડછાયા જ હો;
ને મને બરબાદ કરવા યત્નો પડછાયા કરે.
સાથ છોડ્યાને થયાં વર્ષો, પછી આજે મળ્યાં;
આંખ ઊંચી થઈ શકી ના, ખુદથી શરમાયા કરે.
પ્રશ્ન એને બેવફાઈનો કર્યો મેં ત્યારથી;
ભીની આંખોંનું જવાબી મૌન પડઘાયા કરે.
પાપ-પુણ્યોનો તફાવત આ હૃદય જાણે તો છે;
પાપથી હરદમ છતાં આ મન કે લલચાયા કરે.
દાદ મહેફિલમાં ન આપી એમણે શા કારણે;
છે ઘણાં એવાંય કે મોડેથી સમજાયા કરે.
સ્તર વિનાની ગઝલો મહેફિલમાં ‘ઉદય’ કહેતો ફરે;
એ ગઝલ-ગો કોણ જાણે કેમ કહેવાયા કરે.
થઈ ગયાં વર્ષો ‘ઉદય’ના મૃત્યુને પણ તે છતાં;
થઈ ગયો છે એ અમર, ગઝલોમાં જીવાયા કરે.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼
કાફિયા-વ્યવસ્થા : આકાર+યા
----------------------------------------------------------------
‘ઉદય’ની ગઝલોમાં સમજાયું;
નામ કોઈનું છે ચર્ચાયું.
વ્યર્થ ગયું જે કંઈ કહેવાયું;
ગઝલો કહી પણ શું સમજાયું.
જીવન જીવતાં શીખો પુસ્તક;
વાંચીને પણ ક્યાં જીવાયું.
નકાબની શી જરૂર તમને;
સૂરજથી પણ તેજ સવાયું.
ચુપ રહ્યા ને આંખોં બોલી;
બધું જ બંનેને સમજાયું.
જીવન પૂરું થવાને આરે;
તોયે જીવન ક્યાં સમજાયું.
રાઝ હૃદયનું પ્રગટ થઈ ગ્યું;
જ્યાં બૂંદ એક અશ્રુ છલકાયું.
ભણતર જ્યાં હરીફાઈ બન્યું છે;
ફૂલ સમું બચપણ કચડાયું.
નથી ગણિત આ જીવન છે ભઈ;
જેવા સંજોગ એવું જીવાયું.
વાતોમાં તો છુપાવી ગ્યા ‘તા;
બધું જ આંખોંથી છલકાયું.
દુનિયાની માયા ઝૂઠી છે;
જાણે છે મન, પણ ભરમાયું.
અંતે આશ અધૂરી રહી ગઈ;
જીવન જેવું ક્યાં જીવાયું.
મસ્ત બની ગઈ મહેફિલ આખી;
નામ ‘ઉદય’નું જ્યાં ચર્ચાયું.
ગઝલોનો ઇતિહાસ રચાયો;
નામ ‘ઉદય’નું પણ લેખાયું.
છંદ : ગાંગાગા઼ગા ગાંગાગા઼ગા
કાફિયા-વ્યવસ્થા : આકાર+યું
----------------------------------------------------------
વ્યથાનું છે કારણ, અમારા વિચાર;
વ્યથિત છે અમે પણ, તમારા વિચાર.
જુદાઈ મિલનથીયે કમ તો નથી;
મળ્યા છે તમારા-અમારા વિચાર.
છતાં આખું જીવન નિભાવી લીધું;
મળ્યા ક્યાં અમારા-તમારા વિચાર.
બન્યા એ અજાણ્યા ને દિલમાં હતાં;
અમે ને અમે, બસ અમારા વિચાર.
કહી ના શક્યા એ નજર બોલી ગઈ;
તમે ને તમે, બસ તમારા વિચાર.
હતા ચાહતા નેમળ્યા એ રીતે;
અમે કોણ, કેવા અમારા વિચાર.
હતા એવા મજબૂર, કહેવું પડ્યું;
તમે કોણ, કેવા તમારા વિચાર.
બની ધ્રુવ તારા ચમકશે સદા;
અમારા પછી પણ અમારા વિચાર.
હૃદયમાં હમેશાં મહેક્યા કરે;
તમારા પછી પણ તમારા વિચાર.
પછી રાત આખી એ સૂવા ન દે;
કર્યા છે જો પળભર અમારા વિચાર.
હસીને મળો છો, શું અમને છળો છો;
કહી દે છે આંખો તમારા વિચાર.
ભલે છોડી જાઓ રહે કિન્તુ યાદ;
કરી દેશે ગમગીં અમારા વિચાર.
જુદા થઈ ગયા આજ વર્ષો થયા;
રહ્યા છે સતત, બસ તમારા વિચાર.
કરે છે ઉપેક્ષા જમાનો ભલે;
નવી રાહ દેશે અમારા વિચાર.
હું કહેતો નથી તોયે સમજે છે લોક;
ગઝલમાં છે પ્રસ્તુત તમારા વિચાર.
‘ઉદય’ આ જુદાઈનું કારણ છો આપ;
કે સમજી શક્યા ના અમારા વિચાર.
ગઝલમાં લખ્યું છે તખલ્લુસ ‘ઉદય’;
શું સાચે જ છે આ તમારા વિચાર.
છંદ : લગાંગા઼ લગાંગા઼ લગાંગા઼ લગાં
કાફિયા-વ્યવસ્થા : અકાર+મારા
-------------------------------------------------------------