Achhandas

Achhandas by Uday Shah

લય વગરના અછાંદસને હું કવિતા ગણતો નથી. પ્રસ્તુત અછાંદસમાં લય જાળવવા માટે કટાવ (૪/૮ માત્રિક આવર્તનો) અથવા વનવેલી (૪/૮ અક્ષરીય આવર્તનો) લયનો પ્રયોગ કર્યો છે.

-----------------------------------------------------------------

અછાંદસ : ભિખારી બાળક

(લય : કટાવ)

રાહ ટ્રેનની જોતો હતો ત્યાં

સ્ટેશન પરનો એક ભિખારી

બાળક નાનું,

ભીખ માંગવા આવ્યું મારી પાસે.

મેં ના પાડી તો

ચાલી ગ્યું ત્યાંથી.

ટ્રેન આવી ગઈ

ને ઉપડી ગઈ.

બારીમાંથીદ્રશ્ય એ જોયું,

પેટનો ખાડો પૂરવા બાળક

શોધે કંઈ

કચરાપેટીમાં.

------------------------------------------------

અછાંદસ : હેલમેટ

(લય : વનવેલી)

(૧)

અકસ્માતે થતી ઈજા માટે સૌને

હેલમેટ

ફરજીયાત સ્વખર્ચે.

અકસ્માતોના કારણો એ પણ છે,

રખડતાં ઢોર અને

રસ્તાના બિસ્માર હાલ.

એ સમસ્યા

યથાવત.

(૨)

હું મારી પત્ની ને મારાં બે બાળકો,

માસિક આવક એટલી જ છે કે

ગમે તેમ ગુજરાન ચાલી જાય.

આ મહિને અણધાર્યો ખર્ચો કર્યો,

હેલમેટ.

હેલમેટ આજે

ચોરી થઈ ગઈ.

પાછો કરવો પડશે

એ જ અણધાર્યો ખર્ચો.

----------------------------------------------------

અછાંદસ : સાહિત્ય-સેવક

(લય : વનવેલી)

સાહિત્ય રસિકજન,

એકવાર મળ્યા હતા.

મેં કહ્યું ‘તું “હું કવિ છું,

સાહિત્યનો સેવક છું.”

મેં કવિતા સંભળાવી,

સાંભળી એમણે કહ્યું,

“સાહિત્ય-સેવક હુંયે,

કવિતા લખતો નથી.”

-----------------------------------------------

અછાંદસ : સૌથી સહેલું

(લય : કટાવ)

વકીલ, ડૉક્ટર કે એન્જિનિઅર,

શિક્ષક હો કે હો પ્રોફેસર,

લાયકાત કેળવવા માટે,

અગત્યનું છે પહેલાં ભણતર.

કવિ થવાનું સૌથી સહેલું,

મનમાં આવે એ લખવાનું.

ફેસબૂક ને વોટ્સએપ છે,

પોસ્ટ એમાં કરતાં રહેવાનું.

----------------------------------------------



અછાંદસ : ટ્રાફિકનો કાયદો

(લય : વનવેલી)

અતિશય દંડવાળો

ટ્રાફિકનો આ કાયદો

હું ગરીબ છતાં પણ

જનહિત માટે એને

આવકારું.

ભ્રષ્ટાચારની સાંકળ

કેવી લાંબી

આપ પણ એ જાણો છો.

વિનમ્રતા સાથે હું એ પૂછું છું કે

જો કોઈ હવાલદાર

ભ્રષ્ટાચાર આચરતાં પકડાય

તો એ હવાલદારથી

ભ્રષ્ટાચારી નેતા સુધીના દોષીનું

શું કરશો?

કે પછી

સૌ ભ્રષ્ટાચારીને

પગાર ને ભથ્થાં ઉપરની આવક પણ

ઓછી પડી?

------------------------------------------------------



અછાંદસ : વર્ષો પહેલાં

(લય : કટાવ)

વર્ષો પહેલાં

જુદા થયાની પળનાં સ્મરણો.

હોઠ ચૂપ ને ભીની આંખો

કહેતાં હતાં કે

મુલાકાતનો છેલ્લો અવસર.

આજ દ્રશ્ય એ જ્યાં લહેરાયું,

બૂંદ એક અશ્રુ છલકાયું.

------------------------------------------