Gujarati Geet by Uday Shah
-----------------------------------------------------------------
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
સવારે સ્કૂલે જાઉં ને હું લગભગ સાંજે આવું;
ત્રણ-ત્રણ કલાક ટ્યૂશન જઈને રાતે હું પણ થાકું;
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
સ્કૂલ ને ટ્યૂશન પૂરા થયા ત્યાં અંધારું થઈ જાવું;
અંધારે થાકીને રમવા કેવી રીતે જાઉં;
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
લેસન જો નહીં કરી ગયો તો ટીચરનું ખીજાવું;
ટેસ્ટમાં ઓછા માર્ક્સ મળે તો પપ્પાનું ચીઢાવું;
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
રવિવારની રજા મળી ત્યાં ટ્યૂશન મારું ચાલુ;
સોમવારની ટેસ્ટનું બાકી અડધો દિ’ હું વાંચું;
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
આખો દિ’ બસ શિખવાનું હો એવું જીવન જીવું;
રોજની આ દોડાદોડીથી હું બાળક કંટાળું;
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
બાળક છું તેથી હું મારાં મનની મનમાં રાખું;
ભણવા માટે બચપણ મારું અંતે હું સ્વીકારું;
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
મારાં મનનું કરી શકું ના ખૂબ જ હું મૂંઝાઉં;
મારું બચપણ આવું હો તો શું જીવન ટુંકાવું;
મમ્મી મુજને લેસન ખૂબ જ મારે કશે ન જાવું.
(છંદ : ગાંગાગા઼ગા ગાંગાગા઼ગા ગાંગાગા઼ગા ગાંગા)
-------------------------------------------------------------------------
યાદ કરીને બળતાં રહીએ;
એનાં કરતાં મળતાં રહીએ.
એકબીજાથી આઘાં રહીએ;
મનથી પાછા ઢળતાં રહીએ;
એનાં કરતાં મળતાં રહીએ.
એકબીજાથી આઘાં રહીને;
એકબીજાને કળતાં રહીએ;
એનાં કરતાં મળતાં રહીએ.
તું પણ ખુશ છે, હું પણ ખુશ છું;
એકબીજાને છળતાં રહીએ;
એનાં કરતાં મળતાં રહીએ.
કોરી ખાશે આ એકલતા;
આમ ને આમ જો બળતાં રહીએ;
એનાં કરતાં મળતાં રહીએ.
(છંદ : ગાંગાગા઼ગા ગાંગાગા઼ગા)
------------------------------------------------------
યાદ આવી જાય છે;
આંખ ભીની થાય છે.
યાદ આવે હર વખત;
ને સતાવે છે સતત;
કેમે ના ભૂલાય છે;
આંખ ભીની થાય છે.
વાંક તો મારો હતો;
પણ હું સમજી ના શક્યો;
મન હવે પસ્તાય છે;
આંખ ભીની થાય છે.
તું મને છોડી ગઈ;
ને સજા દેતી ગઈ;
તું જ તું પડઘાય છે;
આંખ ભીની થાય છે.
જે છબી હૈયે વસી;
એ છબી ભીંતે જડી;
ત્યાં નજર થઈ જાય છે;
આંખ ભીની થાય છે.
તું જ અંતરમાં વસી;
તારા વિણ હું કંઈ નથી;
એ હવે સમજાય છે;
આંખ ભીની થાય છે.
(છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼)
---------------------------------------------------------