મસ્ત થઈને જીવો, મીઠું ઝરણ છે જિંદગી,
ને નિસાસો નાખશો, તો રણ છે જિંદગી.
આપને કોણે કહ્યું કે જિંદગી સંગ્રામ છે,
જીવતાં જો આવડે તો મોજ છે આરામ છે.
કહું છું જુવાનીને તું પાછી વળી જા, મારું ઘડપણનું સગપણ આવી ગયું છે,
મનને મુંઝવતું ને ટાળ્યું ન ટળતું, એક અણગમતું વળગણ આવી ગયું છે !
*******************************************************************************
હવે તો ‘સૈફ’, ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે:
ઘડીભર તો મને લાગે કોઇના આગમન જેવું !
*******************************************************************************
શોક્નો માર્યો તો મરશે નહી તમારો આ "ઘાયલ"
ખુશી નો માર્યો મરી જાય તો કહેવાય નહી.
*******************************************************************************
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.
જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.
તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો.
જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો.
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ,
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.
*******************************************************************************
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.
આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા
*******************************************************************************
પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?
કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?
આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
*******************************************************************************
સ્પર્શવાના ખ્યાલથી પણ લોહ સોનું થાય છે
પણ, પછીથી હાથ પોતે, પગનું મોજું થાય છે.
જાણકારી એટલી કે એક નકશાની નદી,
રોજ ચિંતામાં રહે કે પાણી ઓછું થાય છે.
વાયકા, અફવા પગરખાં પહેરવાં પણ ક્યાં રહે?
મારી એકલતાની ફરતું મોટું ટોળું થાય છે.
પાણી આપોઆપ આપે માર્ગ, એ કીમિયો કહે,
આંસુ તરવા જાઉં છું તો મોટું મોટું થાય છે.
મન તને ‘ઈર્શાદ’ કહેવાની જરૂરત ક્યાં હતી?
શબ્દની સંગત પછી પણ પાણીપોચું થાય છે.
*******************************************************************************
પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે,
પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
સૂમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત,
તો કોણ અહીં આવ્યું? આ કોની આહટ છે ?
એ આવશે અચાનક, ને આવશે ઘડીપલ,
પલકોંની મજા ખાતર, સદીઓની સજાવટ છે.
નફરતની નજર માટે મેં માગી આ દુવાઈ,
નાપાક છે ન દુનિયા, ના કોઈ નપાવટ છે.
મારો પુકાર એક જ, સોગાદ તારી સો સો,
હે રામ, કેવી હાજર, પ્રેમીની રખાવટ છે !
મારી તમારી વચ્ચે બસ એક છે તફાવત,
નાદાન હું રહ્યો ને તમને બધી ફાવટ છે.
યારો, હવે જવા દો, દાટી દો દુશ્મનીને
બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.
*******************************************************************************
આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી
એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી !
*******************************************************************************
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ના આવે કોઇ જ્યાં મળવાને, ત્યાં આખી સભા આવે..
*******************************************************************************
વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે !!!
*******************************************************************************
મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?
હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?
મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?
તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?
-રઈશ મનીઆર.
*******************************************************************************
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.
તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.
*******************************************************************************
તલવારની અણીયાળી ધારને કટારની પડી નથી
દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી
શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવન
ભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી
ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનું
બાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી
ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાં
ભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી
જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં એ કાયર
ભલે હોય ઝુકેલું, આકાશને આધારની પડી નથી
ફૂંક મારીને હંકારે છે પોતાના જહાજોને તોફાનમાં
ગણ્યા ગાંઠ્યા જોય છે જેમને પતવારની પડી નથી
*******************************************************************************
દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?
*******************************************************************************
પીપળ પાન ખરંતા, હસતી કુંપળિયા,
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા..
*******************************************************************************
મોહતાજ કશાનો નહતો... કોણ માનશે ?
મારોય એક જમાનો હતો... કોણ માનશે ?
*******************************************************************************
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે 'જલન',
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
*******************************************************************************
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
-મનોજ ખંડેરિયા
*******************************************************************************
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
-શેખાદમ આબુવાલા
*******************************************************************************
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો 'મરીઝ',
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
*******************************************************************************
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.
ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
*******************************************************************************
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
*******************************************************************************
દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !
- મનહર મોદી
*******************************************************************************
સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા'તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
'બેફામ' તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
*******************************************************************************
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
- કરસનદાસ માણેક
*******************************************************************************
તોયે 'બેફામ' કેટલું થાકી જવું પડ્યું,
જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી...
આ બધા 'બેફામ' જે આજે રડે છે મોત પર,
એ બધાએ આખી જિંદગી રડાવ્યો છે મને...
રડ્યા 'બેફામ' સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ અવસર ને મારી જ હાજરી નહતી...
બેફામની કબર પર આવું કંઇક લખી શકાય...
એ માનવીઓ માટે
ખુદા શું કરી શકે
જેઓને સ્થળનું ભાન
નથી સહેજ આજકાલ
જીવનપર્યંત જેમણે
કબરો વિશે લખ્યું
અહીં આવીને લખે છે
હવે ઘર વિશે ગઝલ!
*******************************************************************************
એક ઉખાણું -
અંત નથી આદિ નથી, વચ્ચે યમનો હાર,
તેજ અધિક શશી-સુરથી, ચતુર કરો વિચાર.
*******************************************************************************
હે પ્રભુ, મને એ જોઇને હસવું આવે છે,
કે તારા બનાવેલાં આજ તને જ બનાવે છે
ના હોય નહિતર આકાશમાં આટલા તારા,
જરૂર કોઇના સપના ચકનાચૂર થયા હશે...
સ્પર્શીને જ્યારે પાણી જાતુ હશે,
ત્યારે આ પથ્થરોને કઈંક, કઈંક તો થાતુ હશે
શ્રધ્ધા જ મારી લઇ ગઈ, મંઝિલ પર મને,
રસ્તો ભુલી ગયો, તો દિશાઓ ફરી ગઇ.
ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટ-માળ,
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
(જુવાળ - ભરતી)
કુદરત કરે પળવારમાં, માનવી બિચારો શું કરે ?
બુધ્ધિ બિચારી બાપડી, ભાન ભુલાવે ભગવાન.
સુખ રે અતિથિ ભાઇ, દુખ રે અતિથિ, એન કાયમના હોય ના મુકામ
અવધિ વીતે પછી રાખ્યા રોકાય નહિ, ફરવાના હોય ગામેગામ.
મૃગજળ જેવું સુખ તથાપિ માયા નથી મૂકાતી, મારી તૃષ્ણા નથી છિપાતી
*******************************************************************************
હિંદી શેર-શાયરીમાં પણ શ્લેષ અલંકાર !!!
ભેજા નહી સચમે લેકિન
ઉસને ખત તો લીખા હોગા !!
"ભેજા" શબ્દ પર શ્લેષ છે..
૧. તેની પાસે ભેજુ નહતું તો પણ તેણે પત્ર લખ્યો તો હશે જ!!!
૨. ભલે પત્ર મોકલ્યો નહિ તો પણ તેણે પત્ર લખ્યો તો હશે જ...
*******************************************************************************
કોઈ સાચી પ્યાસ લઈ આવ્યું ન અમને ઢૂંઢતું,
જામની માફક અમે તો નિત્ય છલકાતાં રહ્યાં !
આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું.
મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી
જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી
મારી ઓળખાણ મને પુછશો નહીં
તમને ખબર નથી તો મને પણ ખબર નથી ..