મગન : બધા હવે મને ભગવાન માને છે.
છગન : તને કેવી રીતે ખબર પડી ?
મગન : કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી ઊઠ્યા : ‘ઓ ભગવાન, તું પાછો આવ્યો !
બધા પુરુષો મૂર્ખ નથી હોતા, કેટલાક કુંવારા પણ હોય છે !!
બસ ચાલુ થઈ ને તરત જ બ્રેક વાગી. ચીમન એક છોકરી પર પડ્યો. છોકરી ગુસ્સે થઈને તાડૂકી : ‘નાલાયક, શું કરે છે ?’
ચીમન : ‘જી બેન, હું બી.એ. ના બીજા વર્ષમાં છું.’ !!!
ગ્રાહક સ્ત્રી (પુસ્તક વિક્રેતાને) : 50 વર્ષ સુધી દાંપત્ય ભોગવેલા દંપતીને ભેટ આપવા લાયક કોઈ પુસ્તક હોય તો આપો.
પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું. પુસ્તકનું નામ હતું : ‘અર્ધી સદીનો સંઘર્ષ’
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી હોય છે – જે એને કહેતી રહેતી હોય છે કે, ‘તમારામાં શેક્યો પાપડ ભાંગવાની પણ ત્રેવડ નથી !’
છગન : ત્રણ અઠવાડિયાથી મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.
મગન : અરે ! પણ એવું કેમ ?’
છગન : મને વચમાં બોલવું પસંદ નથી.
અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાંક હમદર્દો બોલી ઊઠ્યા : ‘પ્રેમાનંદો અને ન્હાનાલાલો ભૂલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.’
‘હા’ છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું : ‘ – પણ ત્યાં સુધી નહિ.’
વક્તા (પ્રવચનની વચ્ચેથી) : ‘છેલ્લી હરોળમાં બેઠેલા મારા દોસ્તો ! આપના સુધી મારો અવાજ પહોંચે તો છે ને ?’
‘ના, જી !’ છેલ્લી હરોળમાંથી કોઈ બોલ્યું.
ત્યાં આગલી હરોળમાંથી એક ભાઈ ઊભા થઈને બોલ્યા : ‘તમારી સાથે અબઘડી બેઠક બદલાવવા તૈયાર છું !’
પિતા (ગુસ્સે થઈને) : ‘કાલે રાત્રે તુ ક્યાં હતો ?’
પુત્ર : ‘થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.’
પિતા : ‘ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !’
ગરજવાળાએ ભગવાનને પ્રાર્થના કરી : ‘હે ભગવાન, તુ અનંત છે, સર્વવ્યાપી છે, સર્વસમર્થ છે. તારા માટે એક યુગ તો એક ઘડી છે, અને હજાર વર્ષ તો એક જ મિનિટ છે. તો મને એક હજાર સોનામહોર આપ !
ભગવાને જવાબ આપ્યો : ‘એક મિનિટ ઊભો રહે !’
ડૉકટર : “તમારા પતિને આરામ ની જરૂર છે. હું ઊંઘની ગોળીઓ લખી દઉં છું.”
પત્ની : “એમને આ દવાઓ દિવસમાં ક્યારે આપવાની છે ?”
ડૉકટર : “આ દવા તમારા પતિએ નથી લેવાની, તમારે લેવાની છે !!”
એક શાનદાર હોટલમાં જમી લીધા પછી બિલ જોઈને ઘરાકે મૅનેજરને કહ્યું, ‘સાતસો રૂપિયા ! અહીં એક ધંધાને લગતા જાતિભાઈને તો કાંઈ રાહત આપશો ને ?’
મૅનેજરે પૂછયું : ‘શું આપ કોઈ હોટલમાં કામ કરો છો ?’
‘જી, ના, હું ખિસ્સાકાતરું છું !’ ઘરાકે ખૂલાસો કર્યો.
મગન : આ શું છે, આ પેકેટ અને તેની સાથેની ચિઠ્ઠીમાં ?
છગન : આ તો કોઈ ઘરાકે એક કિલો ખાંડ પાછી મોકલી છે અને તેની સાથેની ચિઠ્ઠીમાં લખ્યું છે કે તેમાંની રેતી ચાપાણી માટે વધુ પડતી હતી, અને મકાન-બાંધકામ માટે પૂરતી નહોતી.
નટુ : મારી પત્ની તો એટલી જાડી છે કે વજન કાંટા પર ઊભી રહે તો અંદરથી અવાજ આવે કે…. બે નહિ, એક જ વ્યક્તિ ઊભા રહો.
ગટુ : બસ એટલું જ. મારી પત્ની તો એટલી જાડી છે કે જ્યારે હું એના કપડા લોન્ડ્રીમાં ધોવા આપું તો લોન્ડ્રીવાળો એમ કહે છે કે પાછા લઈ જાઓ…. અમે કપડાં ધોઈએ છીએ, તંબુ નહિ. !!!
નટુ : ‘ગઈકાલે મેં તમને છત્રી આપી હતી એ મને પાછી આપો.’
ગટુ : ‘માફ કરજો. પણ એ તો મેં મારા પાડોશીને આપી છે ! તમને અત્યારે ઉતાવળ તો નથી ને ?’
નટુ : ‘ના, મારે ઉતાવળ નથી પણ હું તો જેની પાસેથી ઉછીની લાવ્યો હતો તે કહે છે કે છત્રી એના મૂળ માલિકને પાછી જોઈએ છે.’
પત્ની (પતિને)- ગઇકાલે રાત્રે તમે મને નિંદરમાં ગાળો કેમ આપતા હતા ?
પતિ - અહીં જ તારી ભૂલ થાય છે.
પત્ની - કેવી ભૂલ?
પતિ - એ જ કે હું નિંદરમાં હતો ! ! !
છોટુ સાઈડ પર કાર પાર્ક કરીને જલ્દીથી મેડિકલ સ્ટોરની દુકાને પહોંચ્યો અને દુકાનદારને કહ્યું : ‘જલ્દી, હેડકી બંધ થાય એની કોઈ દવા આપોને.’
દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યો અને છોટુને એક જોરદાર લાફો ઝીંકી દેતાં કહ્યું : ‘મને લાગે છે હવે આપની હેડકી બંધ થઈ ગઈ હશે.’
છોટુ એ ગાલ પંપાળતા કહ્યું : ‘યાર, જોયા વગર જ ઝીંક્યા કરો છો. હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી પત્નીને આવે છે.’
શિક્ષકે બન્ટીની પરીક્ષા લેવા પ્રશ્ન પૂછયો : બન્ટી, જો હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
બન્ટી : સાત !
શિક્ષક : નહીં, ધ્યાન દઈને સાંભળ. જો હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
બન્ટી : સાત !
શિક્ષક : તને બીજી રીતે કહું. જો હું તને બે લખોટી આપું, બીજી બે લખોટી આપું અને વળી પાછી બે લખોટી આપું તો તારી પાસે કુલ કેટલી લખોટીઓ થશે ?
બન્ટી : છ !
શિક્ષક : સારું ! હવે હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
બન્ટી : સાત !
શિક્ષક : ત્રણ વખત બે ગાયોનો સરવાળો તું સાત કરે છે ?
બન્ટી : મારી પાસે એક ગાય તો છે જ !
મુરખ : ‘મેં એક એવી શોધ કરી છે કે લોકો દીવાલની આરપાર જોઈ શકશે.’
ડાહ્યો માણસ : ‘અરે વાહ ! જોઉં તો ખરો તારી શોધ !’
મુરખ : ‘આ બારી જો !!’
વ્યાખ્યાતા : ‘મારું ભાષણ જો બહુ લાંબુ થઈ ગયું હોય તો તેનું કારણ એ છે કે મારું કાંડા-ઘડિયાળ ઘરે રહી ગયું છે, અને આ સભાખંડમાં ઘડિયાળ દેખાતું નથી.’
શ્રોતાઓમાંથી અવાજ : ‘અલ્યા ભાઈ, પણ તને આ દિવાલ પર લટકતું તારીખિયું યે ના દેખાયું?'
ન્યાયાધીશ : હવે જો કોર્ટમાં કોઈપણ અવાજ કરશે તો બહાર કાઢી મૂકવામાં આવશે.
રીઢો ગુનેગાર : હીપ..હીપ…હુરેરેરેરે….
રાજેશ : ‘પપ્પા ! આજે તો સાહેબની આજ્ઞાથી સ્કૂલમાં એક કામ પૂરું કરવામાં રોકાયો હતો એટલે મોડું થયું.
પપ્પા : ‘વાહ, વાહ. શાબાશ ! સાહેબે તેને કયું કામ સોંપ્યું હતું ? તું ઘણો આજ્ઞાંકિત કહેવાય !’
રાજેશ : ‘સાહેબે મને સ્કૂલ છૂટયા પછી એક કલાક સુધી અંગુઠા પકડવાનું કહ્યું હતું.’
બંટી સાંજે નિશાળેથી ઘરે પાછો આવ્યો એટલે એની મમ્મીએ પૂછ્યું, ‘બેટા ! આજે નિશાળે ગયા પછી ત્યાં તોફાન કર્યું હતું ?’
બંટીએ દફતર ટેબલ ઉપર મૂકતા કહ્યું : ‘ના મમ્મી ! આજે તો એવી તક નથી મળી. કારણકે હું આખો દિવસ ઊંઘતો રહ્યો હતો.
પિતાએ પોતાની દીકરીનું ચિત્ર મિત્રને બતાવતા કહ્યું : ‘આ સૂર્યાસ્તનું ચિત્ર કેટલું મોહક છે. મારી દીકરી વિદેશમાં ચિત્રકામ શીખી છે, ખબર છે ?’
મિત્રએ ચિત્રને ધ્યાનથી જોતાં કહ્યું, ‘જરૂર શીખી હશે, કારણકે આપણા દેશમાં તો આ જ દિવસ સુધી આવો સૂર્યાસ્ત ક્યારેય નથી થયો !
પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે. !!!
ગટ્ટુ : ‘મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !’
ચિંટુ : ‘એક દિવસનો આરામ કરે છે ?’
ગટ્ટુ : ‘ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.’
છગન : ‘પ્રિયે ! હું તારી નાનામાં નાની ઈચ્છા પૂરી કરીશ’
શોભના : ‘સાચ્ચે જ !’
છગન : ‘હા, પણ તું તારી નાનામાં નાની ઈચ્છા જ કહેજે !’
વકીલ : ‘તલ્લાક કરવાના રૂ. 10,000 થશે.’
પતિ : ‘પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 જ થયેલા અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : ‘જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?’
છગન : ‘મારી કંપની એક એકાઉન્ટન્ટને શોધી રહી છે.’
મગન : ‘પણ હજુ ગયે અઠવાડિયે જ તમારી કંપનીએ એકાઉન્ટન્ટની નિમણૂક કરી હતી ને ?’
છગન : ‘એ એકાઉન્ટન્ટની જ શોધખોળ ચાલે છે !’
ઑફિસનો મેનેજર : ‘આ ટેબલ પરની ધૂળ તો જુઓ ! જાણે પંદર દિવસથી એને સાફ જ કર્યું નથી.’
કામવાળી : ‘સાહેબ, એમાં મારો વાંક કાઢશો નહિ. હું તો હજી આઠ દિવસથી જ અહીં આવી છું.’
લતા : વાસણ ઊટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો ?
ગીતા : અલી, આમ તો મેં ઘણા અખતરા કરી જોયાં, પણ એમાં ઉત્તમ મારા વર નીકળ્યા છે.
લાંબા વખતનું કરજ ન ચૂકવનાર એક માણસ પાસેથી નાણાં વસૂલ કરવાની નવતર કરામત એક લેણદારે અજમાવી. એણે ઉઘરાણી કરી અને પેલાએ હંમેશ મુજબ કહ્યું : ‘અત્યારે હું એ પૈસા આપી શકું તેમ નથી.’
‘અત્યારે જ આપી દે.’ ચાલાક લેણદાર બોલ્યો, ‘નહીંતર તારા બીજા બધા લેણદારોને હું જણાવીશ કે મારું કરજ તેં ચૂકવી દીધું છે.’
‘તું નકામી લમણાઝીંક કરે છે. આ કૂતરાને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી !’ પતિ એ કહ્યું.
‘તમે વચ્ચે ન બોલો.’ પત્ની બોલી અને ઊમેર્યું : ‘એમાં ધીરજની જરૂર છે. મારે તમારી સાથે કેટલો સમય બગાડવો પડ્યો હતો.’
રાકેશ : ‘મિતેશ, યાર તારી પત્ની તો બહુ જ ઠીંગણી છે.’
મિતેશ : ‘હા, પણ મારા પિતાજી કહેતા કે મુસીબત જેટલી નાની હોય તેટલું સારું !
અક્કલમઠો છોકરી જોવા ગયો. મા-બાપે બેઉને એકલાં છોડ્યાં એટલે પેલાએ પૂછ્યું : ‘બહેન, આપ કેટલાં ભાઈબહેન છો ?’
છોકરી : ‘પહેલાં બે બહેન એક ભાઈ હતાં, પણ હવે બે ભાઈ થઈ ગયા !’
કંજૂસની પત્ની બીમાર હતી. લાઈટ જતી રહેલી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉક્ટરને બોલાવવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો : ‘હું ડૉકટરને લેવા જાઉં છું. જો તને એવું લાગે કે તું નહીં બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જજે.
એક ટેક્સીવાળાને મહિલાએ કહ્યું : ‘હિંદુજા હોસ્પિટલ લે ચલો.’
ડ્રાઈવરે પૂરપાટ ગાડી દોડાવી મૂકી. તરત મહિલાએ કહ્યું : ‘હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહિ.’
ટપુ : ‘તમારા વખાણ કરું એટલા ઓછાં.’
નટુ : ‘આખરે તમને મારી કિંમત સમજાઈ.’
ટપુ : ‘ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.’!!
મુંબઈના સહારા એરપોર્ટના ગેટ પર એરપોર્ટ અધિકારીએ ચમનને પૂછ્યું : ‘તમારી જાણ બહાર કોઈએ તમારી બેગમાં કાંઈ મૂક્યું તો નથી ને ?’
ચમન : ‘મારી જાણ બહાર મૂક્યું હોય તો તેની મને શી રીતે ખબર પડે ?’
અધિકારી : ‘તમને ખબર ન હોય એટલે જ તો અમે પૂછીએ છીએ !’