કમળો મટી ગયો ને મરડો થઇ ગયો ...
માણસ અહીં એ રીતે ઘરડો થઇ ગયો .
પાણીપૂરી ,પકોડી ,રગડો,ગરમ સમોસા ....
અરે..! પેટમાં જુઓ તો ઉકરડો થઇ ગયો....પ્રવીણ ટાંક
જીવવાની કોશિષ શા માટે ? મૃત્યુ ની મથામણ શા માટે..?
અંધારું હો,અજવાળું હો ..દુખ -સુખના નિવારણ શા માટે...?
આ સમય વહે છે ...ને સાથે, સૌ વહી જવાની ઘટનાઓ ....
પકડી લે સરકતી પળપળને ...ભવભવના ભારણ શા માટે ...? ....પ્રવીણ ટાંક
તારીખ તો બરાબર યાદ નથી પણ ...
એક ઘનઘોર મધરાતે .....ઘેઘુર જંગલના..અડાબીડ અંધકારમાં ...
પવનના સુસવાટા અને સુમસામ સન્નાટા ને ...ચીરતાં..
ચામાંચીડીયાઓના રહસ્યમય અવાજો વચ્ચે...
અરે ભાઈ ...કંઈ નહીં ....
...બે ભૂતો વાતો કરી રહ્યા હતા.
એક ભૂતે બીજાને પૂછ્યું : તમે માણસમાં માનો છો ......??? ........પ્રવીણ ટાંક
દુનિયાની નઝરમાં જે ,દિગંબર બની ગયો.
બેશક છે આખરે એ... , તવંગર બની ગયો.
સૌનું છે ખાલી હાથ લઈને જન્મવું અહીં .....,
બેહદ ઝઝૂમ્યો તે... , સિકંદર બની ગયો ........પ્રવીણ ટાંક
કોઈ શત્રુ જો સામે હોય તો ,લડવું કબૂલ છે.
અરે ! ઓ કમનસીબી જાત સામે ક્યાં સુધી લડવું..? - પ્રવીણ ટાંક
નેપાળ ,કે બંગાળ કે પાતાળમાં રહે ...,
માણસ તો જીવે ત્યાં સુધી જંજાળમાં રહે .
કહે છે વાદળોમાં ઈશ્વર વસે છે પણ ....,
ત્યાં ના રહે તો ક્યાં પછી કપાળમાં રહે..? -........પ્રવીણ ટાંક
----
વ્રુક્ષો સૌ અચરજ લઇ ઊભાં ,
પવન એવું શું કહી ગ્યો ?
કે એક પંખીનો ટહૂકો ,
ઉડતા ઉડતા પંખી થઇ ગ્યો. ........પ્રવીણ ટાંક
-----
..હરિવર / એક ગીત .....પ્રવીણ ટાંક.
મારા શિર પર સતત હરિવર તારો હાથ રહે
મુજમાં અનરાધાર વરસતો દીનાનાથ રહે.
તૂં કહે તો હુંયે મીરાં થઈને રુમઝુમ નાચું .......
જબલગ શ્યામલ શ્વાસ બને ના, સઘળું સગપણ કાચું........
હે હરિવર તૂ હરપળ હૈયે ,મુજ સંગાથ રહે.
મારા શિર પર સતત........
ભીતર કોરીકટ હજુયે , આ ઝીણી ઝરમરમાં ...
મન મરજીવા જેવું ઝંખે ..,મોતી ભવસાગરમાં ..,
જીવ ઝાંઝવા પીવા ભટકે, તો જીવ અનાથ રહે........
મારા શિર પર સતત..હરિવર તારો હાથ રહે. ..
-------
વતનની ધૂળમાં બચપણ, ધીનાધીન હોય છે મિત્રો
વતનની ધૂળમાં, સઘળાં વિટામીન હોય છે મિત્રો. - પ્રવીણ ટાંક