વારતા રે વારતા..
વારતા રે વારતા.. ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા,
એક છોકરો રિસાયો, કોઠી પાછ્ળ ભીંસાયો,
કોઠી પડી આડી, છોકરે ચીસ પાડી,
અરર માડી!
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ:
”મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.
હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!”
રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.
“ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ.”
ખાવા જાતા રાણાજીએ પાડી બૂમેબૂમ!
મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
-રમણલાલ સોની
અડી કડી સોનાની કડી
બામણ બેઠો ડેલી પડી
ડેલીમાં તો ડોલાડોલ
માંહી વાગે જાંગી ઢોલ
જાંગી ઢોલના આંકડા
સો ઘોડા વાંકડા
એક ઘોડો ઓછો
પાઘડિયો પોચો
પાઘડી ગઈ ઊડી
ઘોડો ગયો બૂડી
નાની મારી આંખ
એ જોતી કાંક કાંક
એ તે કેવી અજબ જેવી વાત છે
નાના મારા કાન
એ સાંભળે મીઠા ગાન
એ તે કેવી અજબ જેવી વાત છે
નાક મારું નાનું
એ સુંઘે ફૂલ મજાનું
એ તે કેવી અજબ જેવી વાત છે
નાની મારી જીભ
એ માણે પીપરમીન્ટ
એ તે કેવી અજબ જેવી વાત છે
નાના મારા હાથ
એ તાળી પાડે સાથ
એ તે કેવી અજબ જેવી વાત છે
નાના મારા પગ
એ જલદી ભરે ડગ
એ તે કેવી અજબ જેવી વાત છે
મામાનું ઘર કેટલે
દીવો બળે એટલે
દીવો મેં તો દીઠો
મામો લાગે મીઠો
તાળી વગાડે છોકરાં
મામા લાવે ટોપરાં
ટોપરાં તો ભાવે નહિ
મામા ખારેક લાવે નહિ
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
મામે સામું જોયું
મારું મનડું મોહ્યું
મામાનું ઘર કેટલે
દીવો બળે
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ
બેસવાને પાટલો
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા
આપીશ તને હું આપીશ તને
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ
પહેરવાને સાડી
મોરપીંછાવાળી
ઘમ્મરિયો ઘાઘરો
આપીશ તને હું આપીશ તને
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ
ચક ચક કરજો
ચીં ચીં કરજો
ખાવાને દાણા
આપીશ તને હું આપીશ તને
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ
બા નહિ બોલશે
બાપુ નહિ વઢશે
નાનો બાબો તો
ઊંઘી ગયો ઊંઘી ગયો
નાનો બાબો તો
ઊંઘી ગયો ઊંઘી ગયો