આદ્યાત્મ કે આદ્યાત્મિક વ્યક્તિ વિષે વાત કરીએ ત્યારે કહેનાર અને સાંભળનાર બંને ના મનમાં કોઈ સમાન અર્થ હશે તેવું માનવું એ સૌથી મોટો અનર્થ સાબિત થાય તેમ છે.

અંગ્રેજીમાં જ્યારે આદ્યાત્મ માટે 'spiritual' શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે મોટાભાગના વિદેશીઓ તેને પ્રેત-વિદ્યા સાથે (spirit channeling) સાથે જોડે છે. ઘણાખરાને તો આધ્યાત્મિકતા ને ધાર્મિકતા વચ્ચે કોઈ ભેદ જાણતો જ નથી અને બંને શબ્દો એક બીજા ના પર્યાયવાચક હોય તેમ વાપરતા હોય છે. વ્યક્તિ ધાર્મિક હોય અને આધ્યાત્મિક હોય નહીં; ધાર્મિક હોય અને આદ્યાત્મિક પણ હોય તેવું બિલકુલ બની શકે છે..પરંતુ આદ્યાત્મિક વ્યક્તિ માટે ધાર્મિક હોવું જરૂરી નથી. ખરા અર્થમાં આદ્યાત્મિક બન્યા પછી ધાર્મિક રહી શકવું લગભગ અશક્ય બની જાય. એ વાત જુદી છે કે આખી જીન્દગી જેને વગર પ્રશ્ન કર્યે સ્વીકારી ને અપનાવ્યું હોય તેની આદત પડી ગઈ હોય તે જલ્દી છૂટે નહિ..! (આદ્યત્મિક - ધાર્મિક ના ભેદ વિષે અહીં વાંચો)

  • 'હું કોણ છુ ?'

  • આ જગતમાં મારો જન્મ કેમ થયો છે?'

  • જીવન નો ઉદ્દેશ્ય શું છે ?

  • સારું શું છે ને ખોટું શું છે તે જાણ્યા પછી પણ સારું કેમ અપનાવી શકાતું નથી અને ખોટું કેમ છોડી દઈ શકાતું નથી?'

  • એક સુખ સગવડ માં જન્મે છે ને બીજો કેમ અભાવમાં જન્મે છે ?

  • એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તોય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે?

  • કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે ?

  • મૃત્યુ પછી શું થાય છે ?

  • સ્વર્ગ અને નરક જેવું કાંઈ હશે કે કેમ ?

  • દેખીતિ રીતે કાંઈ કર્યું હોય નહીં અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી ?

આવા બધા પ્રશ્નો ના જવાબ શોધવામાં જ્યારે આપણો પનો ટૂંકો પડે, શાળા કોલેજ માં ભણેલ વિષયોનું કોઈ ચેપ્ટર કામમાં આવે નહિ - ત્યારે જે જ્ઞાન નો આશરો લેવો પડે તેનું નામ છે 'આદ્યાત્મ'

જે જ્ઞાન આપણી ઇન્દ્રિયો અને મન-બુદ્ધિની ક્ષમતા નો વિસ્તાર કરી અવ્યક્ત ને થોડું વધુ વ્યક્ત થયેલ અનુભવવામાં અને એ રીતે આપણી ચેતના ના મોજૂદા સ્વરૂપ ને અપૂર્ણતા થી પૂર્ણતા તરફ અગ્રેસર થવામાં મદદ કરે તે જ્ઞાન ને આપણે આદ્યાત્મ કહીશું.

આ જ્ઞાન આપણાં મોજૂદા અસ્તિત્વને અર્થસભર કરે તેવું હોવું જોઈએ - માત્ર કૌતુક કે વિસ્મયનો અનુભવ કરાવે તેવું નહીં.

ભૌતિક સીમાડાઓ ને ઓળંગીશું ત્યારે ભૂત-પ્રેત જેવા ન સમજી શકાય તેવા અસ્તિત્વો પણ પ્રગટ થઈ શકે. આવા અસ્તિત્વો કે અવસ્થા સમજવામાં આદ્યાત્મ આપણને મદદ કરશે તે સાચું - પરંતુ આદ્યાત્મ આવા અસ્તિત્વોની જાણકારી પૂરતું જ સીમિત હોય તેવું હરગીજ હોવું જોઈએ નહિઁ.

આધ્યાત્મિક પરિપેક્ષ થી જ્યારે આપણે માનવ જીવનના પ્રશ્નો અને પડકારો ને ચકાસીએ ત્યારે જણાય છે કે મોટા ભાગની ઘટનાઓના મૂળ કારણ તો આવા અદ્રષ્ઠ સ્વભાવના હોય છે. (અદ્રષ્ઠ પરિબળો વિષે)