આપ આદ્યાત્મિક છો કે ધાર્મિક ?

ધર્મ

ધર્મ એટ્લે કોઈ એક અથવા વધુ ઈશ્વર કે દેવતાઓ ઉપરની શ્રદ્ધા તથા તેઓની પુજા ઉપાસના કરવાની પદ્ધતિ, કર્મકાંડ તથા જીવનમાં શું કરવું અને શું ન કરવું બાબતના નિયમો વાળી પ્રણાલી.

ધર્મના નિયમો વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સંપ્રદાય કે અનુયાયીઓ ના સમૂહને લાગુ પડે છે.

ધર્મના નિયમો, વિધિ વિધાન જે તે ધર્મની સ્થાપના સમયથી ચાલ્યા આવેલ હોય છે.

ધર્મના નિયમો નહીં પાળવાથી અનેક ગંભીર પરિણામો આવવા વિષે ભય બતાવવામાં આવે છે.

દરેક ધર્મના સિદ્ધાંતો, કર્મકાંડ અને નિયમો જે તે ધર્મ શાસ્ત્રમાં પ્રમાણિત કરેલ હોય છે.

ધર્મનો મૂળ હેતુ ધર્મ પાળનારાઓને જે તે ધર્મમાં માની લીધેલ ઈશ્વર સાથે સંબંધ કરાવવાનો હોય છે.

ધર્મ પાળનાર ધાર્મિક કર્મકાંડ કરે કરાવે એટ્લે ધાર્મિક દેખાય છે.

ધર્મનું સંસ્થાકીય માળખું અને તેના પદાધિકારીઓ હોય છે. અને તેઓ અનુયાયીઓ નું કલ્યાણ કરાવી આપનાર એજન્ટની માફક વર્તતા જોવા મળે છે.

વધુ ચુસ્ત રીતે ધર્મનું પાલન કરનારા ધર્મ ઝનૂની બની અન્યોની આસ્થાને બરદાસ્ત કરવાનું ઔચિત્ય ભૂલી જતાં જોવા મળે છે જેના કારણે અનેક હિંસક અથડામણો થઈ ચૂકી છે. આજ કારણે કેટલાક લોકો મને છે કે ધર્મ ને નામે જગતમાં જેટલી હિંસા થઈ છે તેટલી હિંસા કોઈ યુદ્ધ ને કારણે થઈ નથી.

વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે તે કુટુંબનો ધર્મ સ્વાભાવિક રીતે સ્વીકારવા લાગે છે - ધર્મ બદલવાની કાનૂની સ્વતંત્રતા હોવા છતાં વ્યવહારમાં આવી છૂટ લેનારા ખૂબ જૂજ હોય છે.

મોટા ભાગના માણસો, જ્યારે તેમની ધાર્મિક આસ્થા બાબત પૂછવામાં આવે તો પોતે અમુક ધર્મ પાળે છે એવો ઉત્તર તુરંત આપે છે. પણ તેઓ તેમની માન્યતાઓ કેટલે અંશે જે તે ધર્મના સિદ્ધાંતો સાથે સુમેળ ધરાવે છે તે બાબત સભાન હોતા નથી.

તમને કદાચ આ બાબત સાચી ન હોય તેવું લાગે. પણ તમે તમારી ધાર્મિક માન્યતાઓ નીચે આપેલ લિન્ક ઉપર ચકાસી શકો છો. મને પૂરી ખાતરી છે કે તમને આંચકો લાગે તેવી હકીકતો નો તમારે સામનો કરવાનો આવશે ...!

તમારી ધાર્મિક માન્યતાઓ ચકાસો

આદ્યાત્મ

જે જ્ઞાન આપણી ઇન્દ્રિયો અને મન-બુદ્ધિની ક્ષમતા નો વિસ્તાર કરી અવ્યક્ત ને થોડું વધુ વ્યક્ત થયેલ અનુભવવામાં અને એ રીતે આપણી ચેતના ના મોજૂદા સ્વરૂપ ને અપૂર્ણતા થી પૂર્ણતા તરફ અગ્રેસર થવામાં મદદ કરે તે જ્ઞાન ને આપણે આદ્યાત્મ કહીશું.

આ જ્ઞાન આપણાં મોજૂદા અસ્તિત્વને અર્થસભર કરે તેવું હોવું જોઈએ - માત્ર કૌતુક કે વિસ્મયનો અનુભવ કરાવે તેવું નહીં.

આધ્યાત્મ જુદા જુદા પ્રયોગ કરવાની સ્વતંત્રતા આપી વ્યક્તિગત સંશોધન ઉપર ભાર મુકે છે.

સાચી આધ્યાત્મિકતામાં ડર કે ભયને સ્થાન નથી. તેના નિયમો નહિ પાળવાથી સૂચિત આધ્યાત્મિક ફાયદો ન થાય તેવું બને - પરંતુ નુકસાન થવાની બીક હોતી નથી.

  • જો કે, આધ્યાત્મિક પ્રણાલી ના પ્રચાર રૂપે જીવનમાં આધ્યાત્મિક અભિગમ નહિ રાખવાથી કેવા ગેરલાભ થાય છે તેવું બતાવવાનો પ્રયાસ થતો જોવા મળે છે - જેમ કે :
    • સંચિત કર્મોના અતિભયંકર અંબાર પડેલ છે
    • જીવન દુઃખોથી ભરપુર છે
    • જન્મ-મૃત્યુ એક વિષચક્ર છે
    • સંસાર મિથ્યા છે
    • સંબંધો આસક્તિ (attachment) છે
    • આત્મા અજ્ઞાન છે કે હીન છે કે પાપોથી લિપ્ત છે વગરે
  • એવું બની શકે કે જે તે આદ્યાત્મિક પ્રણાલી અન્ય પ્રણાલી કરતા શ્રેષ્ઠ છે તેવું બતાવવા અટપટી સાધના પ્રક્રિયાઓ બનાવવામાં આવી હોય તેના અતિક્રમણ થી નુકસાન થાય.
  • આધ્યાત્મિક અનુયાયી માટે પોતાનો અનુભવ જ મહત્વનો હોય છે - કોઈ અન્ય તેના બદલે કાઈ મેળવી આપે તેવું હોતું નથી. કાઈ વગર પરિશ્રમે મળી જશે તેવું પ્રલોભન હોતું નથી.
  • જોકે આધ્યાત્મિક સંસ્થાના વડા - ગુરુ પણ મોટે ભાગે જેઓ તેમના અનુયાયી બને તેમને મુક્તિ કે પરમાર્થ મેળવી આપશે તેવી ગર્ભિત બાંહેધરી આપતા જોવા મળે છે.

જેમ ધર્મમાં ધાર્મિક ચિન્હો (symbols) હોય છે તેવી જ રીતે સંસ્થાગત આધ્યાત્મિક પ્રણાલીઓમાં પણ વિશિષ્ઠ સાધનો કે ચિન્હો જોવા મળે છે.

આધ્યાત્મિકતા વ્યક્તિગત પસંદગીનો વિષય છે. ધર્મની માફક જન્મ ને આધારે આધ્યાત્મિકતા પાળી શકાય નહિ.

  • જો કે, દેખા-દેખી અને કૌટુંબિક વડીલો નું અનુસરણ કરવાની વૃત્તિ આધ્યાત્મિકતાને પણ કૌટુંબિક બાબત બનાવી મુકે તેવું બને - જેમકે બ્રહ્મા કુમારી કે રાધા-સ્વામિ ના અનુયાયીઓ કુટુંબગત ધોરણે બનતા જોવા મળે છે.

ધર્મ અને આદ્યાત્મ બંને એક બાબતમાં સમાન હોઇ શકે - બંને ના રસ્તા ગેરમારગે દોરે તેવા હોઇ શકે. જે સાબિત ન કરી શકાય તેવા ધ્યેય (ઈશ્વર પ્રાપ્તિ) માટેની તેમની પ્રક્રિયાઓ કે વિધિઓ અર્થહીન બની જાય તેવી શકત્યતા છે. જીવન ની બીજી જરૂરતોના ભોગે ધાર્મિક કર્મકાંડ જે રીતે અયોગ્ય છે તેવી જ રીતે ભૌતિક જીવન તરફ દુર્લક્ષ્ય રાખી આદ્યાત્મ જગતમાં રચ્યાપચ્યા રહેવું પણ અયોગ્ય જ બની રહે છે.

ધર્મના જે ગુણધર્મ ની આપણે ટીકા કરીએ છીએ તે ગુણધર્મ કોઈ બીજા નામ-સ્વરૂપમાં આધ્યાત્મનો અંચળો ઓઢી આપણે અપનાવી લીધા હોય તેવું તો નથી ને? આ બાબત કાયમ ચોકસાઈ રહેવી જરૂરી છે. આધ્યાત્મ પણ જ્યારે આધ્યાત્મિક સંઘ કે પ્રણાલી ના બંધારણમાં ગોઠવાઈ જાય ત્યારે તેમાં ધાર્મિક સંપ્રદાયના અવગુણો ઘુસી જવાની પૂરી શક્યતા હોય છે.

માન્યતાઓ અને શ્રદ્ધા ખોટી હોય તો પણ મનુષ્યને મુશ્કેલ સમયમાં ટકી રહેવાનું માનસિક બળ આપવાની તેની ખૂબી ધર્મ ને ટકાવી રાખનાર મોટા માં મોટું કારણ છે. આદ્યાત્મ પણ મનુષ્ય ને સામાન્ય રીતે સમજાય નહીં તેવા ક્લેષ ના કારણો સુધી લઈ જઇ ને જીવન જીવવાની દ્રષ્ટિ ને દીર્ઘ કરે છે.