આદ્યાત્મ સમજવાની અને તેને વ્યવહારમાં ઉતારવાની જરૂર શું છે?

આદ્યાત્મ જાંણવાની જરૂર શું છે? આ પાયાનો પ્રશ્ન છે અને જે કોઈ એમ સમજતા હોય કે પોતે આદ્યત્મિક વ્યક્તિ છે તેમણે તો ખાસ આ પ્રશ્નનો ઉત્તર શોધવો જોઈએ.

આ બાબતની સ્પષ્ટતા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી એવું બનવાની પૂરી શક્યતા છે કે જેમ કેટલાક લોકો 24 કલાક ચાલતી ન્યુઝ ચેનલ જોવાની આદત પડી ગઈ હોય અને પોતાને કાંઇ લાગે વળગે નહીં તેવી બાબતો ના સમાચાર જોઈ જોઈ ને પોતાનું મગજ બગાડતાં હોય છે ને કેટલાક બીજું બધુ છોડીને શેર-બજાર ના ઉતાર ચડાવની આંટી-ઘૂંટી માં ફસાયેલા રહે છે તેવી જ રીતે એક આદત પડી ગઈ હોય તેમ સમજ્યા વિના પોતાનો સમય અને શક્તિ આદ્યત્મિક બાબતોમાં વાપર્યા કરે..

આપણી ચેતનામાં હર ક્ષણ, ઉપર ચિત્રમાં બતાવેલ છે તેમ જુદા જુદા વિષયોના વિચારરૂપ તરંગોની લહેરો ઉઠે છે. અને જે લહેરો આપણી જાગરૂકતા (Awareness) ની સૌથી ઉપરના સ્તર ઉપર ફેલાયેલ હોય તેવી વાસ્તવિકતા આપણી ચેતના અનુભવે છે. આ તરંગો જુદા જુદા સમય અને જીવન આયામો (Dimensions)વિષેની લાગણીઓના બનેલા હોય છે. જેમ કે ..

  • જે તે સમયે વર્તમાન બાહ્ય સૃષ્ટી બાબત ઇન્દ્રિયો દ્વારા ઝીલાયેલ માહિતી
  • પહેલા અનુભવ કરેલ બાબતોની સ્મૃતિ
  • સ્મૃતિ ઉપર થતું પીંજણ
  • ભવિષ્ય વિષે સંભવિત કલ્પનાઓ

દરેક વ્યક્તિ એવો પ્રયાસ કરે છે કે એવા તરંગોની લહેરો ઉપરની સપાટીએ સક્રિય રહે જે તેની ઈચ્છિત બાબતો પર કામ કરવામાં સહભાગી બને. પણ વાસ્તવમાં એવું જોવા મળે છે કે આ લહેરોને પ્રભાવિત કરવાની ક્ષમતા વ્યક્તિગત રીતે ભિન્ન હોય છે. આ લહેરો પેદા થવાના કારણો પણ જુદા જુદા હોય છે - કેટલાક જોઈ જાણી શકાય તેવા હોય છે તો કેટલાક આપણી જાણવાની ક્ષમતાની બહારના હોય છે.

થાય છે એવું કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આપણા સંસર્ગ માં આવે તે આપણી જાણમાં કે આપણી જાણ બહાર એવી કોશિશ કરતા હોય છે કે આપણી ચેતના ઉપર તેઓની તરફેણમાં હોય તેવા તરંગો સક્રિય થાય.

આમ આપણી પોતાની ઈચ્છિત બાબતો વિશેના તરંગો અને બીજાઓ એ પ્રભાવિત કરેલ તરંગોની લહેરો વચ્ચે કાયમ ગજગ્રાહ જેવું ચાલ્યા કરે છે. આ પ્રક્રિયામાં લહેરો ના સંચાલન બાબત વ્યક્તિગત પ્રવીણતા અને જાગૃતિ, સંસ્થાગત પ્રવીણતા સામે કાચી પડે છે. આ કારણે જ આપણે વ્યાપારીક, ધાર્મિક, રાજકીય પ્રચારના આસાનીથી શિકાર બનીએ છીએ. આવા પ્રચારમાં મનોવિજ્ઞાન, NLP, Subliminal વગેરે તરકીબોનો ઉપયોગ પણ થતો હોયછે.

આપણી વાસ્તવિકતા ને બાહ્ય પરિબળો પ્રભાવિત કરે છે તેની સાથે સાથે કેટલીક આંતરિક બાબતોનો પણ પ્રભાવ હોય છે. આપણી ઈચ્છા અને નિર્ણયોની સફળતા આવી કેટલીક આંતરિક બાબતો ઉપર નિર્ભર હોય છે જેની ઉપર આપણો સભાન કાબુ હોતો નથી. આવી બાબતોને આપણે અદ્રષ્ઠ કે અવ્યક્ત કહીએ છીએ - જ્યાં સુધી આ બાબતો વિષે જ્ઞાન થાય નહિ ત્યાં સુધી આપણી સફળતા પરાધીન કે અનિશ્ચિત રહેવાની તે બાબત સમજી શકાય તેવી છે.

આ અવ્યક્ત બાબતોમાં પ્રારબ્ધ, શુદ્ધ આત્મા નો આ જન્મ વિષે નો હેતુ, પૂર્વજ, ભૂત-પ્રેત, માનવ સિવાયની ચેતનાઓની હરકતો, આત્મિક સાથીઓનો હસ્તક્ષેપ વગેરે હોય છે. આવા બધા અવ્યક્ત પરિબળો વિષે જાણકારી આદ્યાત્મિક જ્ઞાન થી મેળવી શકાય છે.

.

મનુષ્ય જીવનના જુદા જુદા આયામ છે અને આ બધા આયમો પર સંતુલિત વિકાસ થાય કે દરેક આયામમાં વ્યક્તિ કાર્યરત રહે તે સ્વસ્થ અને અર્થસભર જીવન માટે ખૂબ મહત્વનુ છે.

આ બધા પરિમાણો પર સફળતા માટે પોતાનું મૂળ આત્મિક સ્વરૂપ શું છે? અને જીવન નું લક્ષ્ય શું છે? તે બાબત ની જાગૃતિ હોવી તે પ્રારંભિક પૂર્વ શરત બની જાય છે. સ્વાભાવિક છે કે લક્ષ્ય ના અનુસંધાનમાં જ જુદા જુદા ક્ષેત્રમાં શું શું કરવું જરૂરી બને છે તે નક્કી થઈ શકે. અને જીવન નું લક્ષ્ય શું છે તે આદ્યાત્મિક જ્ઞાન દ્વારા જાણી શકાય છે.

કરુણતા એ વાતની છે કે આપણે સહુ પહેલા અન્ય પરિમાણો પર વિકાસ કરવા દોડ્યા કરીએ છીએ અને આદ્યાત્મ ને સાવ નીચી પ્રાથમિક્તા આપીએ છીએ. મોટા ભાગના માણસોને તો આખી જિંદગી આદ્યાત્મ વિષે જિજ્ઞાસા સુદ્ધાં થતી નથી. આ જ કારણ છે કે લખલૂટ સમૃદ્ધિ ની ટોચ પર બેસેલ માણસો પણ સાચા અર્થમાં સુખનો અનુભવ કરવામાંથી વંચિત રહી જાય છે.

આદ્યાત્મના જ્ઞાન સિવાય જીવન ને સંપૂર્ણ રીતે જીવી શકાય તેમ જ નથી. જેમ કોઈ મોટર કાર ના બધા ભાગ બહુ સરસ હોય પણ માત્ર સ્ટિયરિંગ હોય નહીં તો તે મોટર કોઈ નિર્ધારિત દિશામાં ગતિ કરી શકે નહિઁ તેવીજ રીતે આદ્યત્મિક જ્ઞાન વિના જીવન ને દિશા આપી શકાતી નથી.

આદ્યાત્મિક જ્ઞાન વડે આપણે પોતાના સાચા આત્મ-સ્વરૂપ નો સાક્ષાત્કાર કરી શકીએ ત્યારે આપણને જ્ઞાત થાય છે કે જે કાંઇ અનુભવો થાય છે તે તો જગતના જે ગુણ નો અભ્યાસ કરવાના પોતાના એજેંડા મુજબ જ થાય છે. આ સકારાત્મક જ્ઞાન થાય ત્યારે જગત તરફ આપણે ઉદાસીન વૃત્તિ કેળવવામાંથી બચી શકીએ છીએ. સાચી સમજ આવે ત્યારે જગત મિથ્યા હોવાની ગેર સમજમાંથી બહાર આવી જીવન ને સાર્થક રીતે જીવવાની શરૂઆત કરી શકીએ છીએ. આપણી રૂઢિગત આદ્યાત્મિકતા નો ઢાંચો નકારાત્મક છે તેથી આ બાબત આપણાં માટે સમજવી ખાસ જરૂરી બને છે

હવે આ વાત આટલી સરળ હોય તો પછી એવું કેમ છે કે આપણાં વિદ્યાભ્યાસ વગેરેમાં આ બાબત વિષે જાગૃતિ કેળવાય તેવા કોઈ પ્રયાસ થતાં નથી? આદ્યાત્મિક જાગૃતિ માટે હંમેશ દુર્લક્ષ્ય સેવવામાં આવે છે તેની પાછળ બે મોટા પરિબળો કામ કરે છે.

(1) મૂડીવાદ અને (2) સંસ્થાવાદ.

મૂડીવાદીઓ પાસે અખૂટ સાધનો છે જેની વૃદ્ધિ કરવા માટે તેમને ઘણા કામદારો જોઈએ છે. જો માણસો આદ્યાત્મિક રીતે જાગૃત થઈ જાય તો તેઓ પોતાના લક્ષ્ય માટે કામે લાગી જાય, બીજાના લક્ષ્યની પુર્તિ માટે તેઓ તૈયાર થાય નહીં. આ જ પ્રમાણે કોઈ એક હેતુ માટે જ્યારે સંસ્થા બને છે ત્યારે જોડાયેલ વ્યક્તિઓમાં બીજા હેતુ વિષે જાગૃતિ રેહે નહીંં તેવી તરકીબો અજમાવવામાં આવે છે.

આ બંને શક્તિઓ જગતમાં જનસમુદાય સાચી રીતે પોતાના જીવનના હેતુ પરત્વે જાગૃત થાય નહીં તે માટે પ્રયત્નશીલ રહે છે. જેઓ પોતાના ધ્યેયની પૂર્તિ માં કાર્યરત ન હોય તેઓ અન્યના ધ્યેય ની પૂર્તિ ની કામગિરિમાં જોતરાઈ જાય છે તે એક સનાતન સિદ્ધાંત છે.

આપણી શિક્ષા પ્રણાલી હોય, ધર્મ હોય કે રાજકારણ; આ બધા ક્ષેત્ર મૂડીવાદીઓના સહકાર અને પ્રભાવમાં ચાલે છે તેથી એવી વ્યવસ્થા જાણતા અજાણતા કરાય છે કે જેનાથી લોકોમાં ખોટી માન્યતાઓ પેદા થાય. તેની વિવેક શક્તિ ભ્રમિત કરવા માટે બધી જાતના પ્રચાર સાધનોનો ઉપયોગ નિરંતર થતો રહે છે. સરવાળે એવું વાતાવરણ બની ગયું છે કે લોકો પાસે પોતાના શ્રેય માટે વિચાર કરવાનો નથી સમય કે નથી જાગૃતિ.

એક સમાધાન એવું બની શકે છે કે આપણે આદ્યાત્મ એક જુદું પરિમાણ હોય તેમ વર્તીએ છીએ તેના બદલે આદ્યાત્મને એક મીડીયમની જેમ કામમાં લઈએ - બીજા પરિમાણોને આ મીડીયમમાં રાખીને કામ કરીએ. એટલે કે આદ્યાત્મિક અભિગમ વાળી ભૌતિકતા..આદ્યાત્મિક માનસિકતા, આદ્યાત્મિક જાગૃતિ સાથેનું સામાજિક જીવન અને આદ્યાત્મ પ્રેરિત ધર્મ. ટૂંકમાં જીવનના તમામ ક્ષેત્ર વિષે આપણો અભિગમ આદ્યાત્મિક રહે (approach)