એક સંપન્ન વ્યક્તિ નું અવસાન થાય અને કમનસીબે જો તેણે વ્યવસ્થિત વસિયતનામું બનાવ્યું ન હોય તો કુદરતી રીતે જે વારસ ને તે સંપત્તિ મળે તેમ હોય તેઓ માટે જેવી મુશ્કેલીઓ ઊભી થાય તેનાથી પણ અનેક ઘણી વિકટ મુશ્કેલીઓનો સામનો ભારતના ઋષિ સંતાનોને આદ્યાત્મિક વારસો મેળવવામાં કરવો પડે છે તેવું કહી શકાય.

વેદ સાહિત્ય વિષે ટીકા કરવાનો મારો બિલકુલ ઉદ્દેશ્ય નથી. મારી પોતાની સમજવાની ક્ષમતા ઓછી હોઈ શકે તે બાબત મેં શરૂઆતમાં નિવેદન કરેલું જ છે. વળી વેદમાં જે મંત્ર અને શબ્દો છે તેને યથાર્થ રીતે સમજવા માટે શબ્દોના મૂળ ઉદગમ સુધી જવું પડે છે તથા વેદિક વ્યાકરણ નું જ્ઞાન હોવું એક આવશ્યક પૂર્વ-શરત છે. વળી કેટલાક વિદ્વાનોએ તો વધુ કડક શરત રાખી છે - "વેદાંત સમજવા માટે યોગી હોવું જરૂરી છે..!" આ વિશેષ લાયકાત ના અભાવમાં આપણે ભાષાંતર કરનાર વિદ્વાન ની આવડત ઉપર આધાર રાખવો પડે છે.

મને એવું લાગે છે કે મારા જેવી મર્યાદા બીજા અનેક લોકોને મહેસુસ થઇ હશે જ. તેથી અહી કોઈ શાબ્દિક અર્થઘટન ઉપર વિવાદ કરવાનો હેતુ નથી. હું તો તેમાથી મૂળભૂત સરળ આદ્યાત્મ ને સમજવા પ્રયાસ કરી રહ્યો છું.

અત્રતત્ર વિખરાયેલ જવેરાતની જેમ આપણાં આદ્યાત્મિક રહસ્યો ઈતિહાસમાં દટાયેલાં પડ્યા છે. અનેક ગ્રંથો માં જિજ્ઞાસુની આંખો અંજાઈ જાય તેવા દૈદીપ્યમાન રત્ન કણિકાઓ રૂપી આદ્યાત્મિક સૂત્રો નજરે ચઢે છે પરંતુ આ છૂટા છવાયા રત્નોને એકઠા કરી એક માળામાં પરોવવાનું કામ ઘણું દોહ્યલું છે.

કોઈ પણ જિજ્ઞાસુ શુદ્ધ બુદ્ધિથી આદ્યાત્મ સમજવા પ્રયાસ કરવા માંગતો હોય તો તેને ક્રમિક ધોરણે આગળ વધવા માટે મદદરૂપ થાય તેવી એક સુવ્યવસ્થિત માર્ગ-દર્શક પદ્ધતિ નો સર્વથા અભાવ છે. મારો અંગત અનુભવ એવો રહ્યો છે કે કોઈ પણ સંહિતા કે પુરાણ નો અભ્યાસ કરીએ તો તેમાં અમુક બાબતો નો સર્વથા અભાવ જોવા મળે છે. જેમ કે :-

  • આદ્યાત્મ શું છે?
  • જે જ્ઞાન અપાયું છે તેનું લક્ષ્ય શું છે?
  • તે લક્ષ્ય સુધી પહોંચવા નો સૂચિત માર્ગ કયો?
  • કઈ પદ્ધતિ કે પ્રક્રિયા ની ભલામણ છે?
  • સૂચિત માર્ગે ચાલતા ચાલતા કયા સીમાંચિન્હ આવશે?

દુનિયામાં જે કાંઇ વૈજ્ઞાનિક કે પરાવૈજ્ઞાનિક શોધ થાય તે બાબતો નો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં બહુ અગાઉથી જ છે તે મતલબની વાતો આપણે સાંભળીએ ત્યારે ખરેખર તો આપણને આત્મગ્લાનિ થવી જોઈએ. આત્મગ્લાનિ એટલા માટે કે જો હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજો એટલા મેધાવી હોય તો તેમણે આપેલ જ્ઞાન આજની પેઢી ઉપયોગ કરી શકે તેવા સ્વરૂપમાં આપણે કેમ રૂપાંતરિત કરી શક્યા નથી ? વાસ્તવિકતા તો એ છે કે આવી દરેક ઘટનાઓ માંથી આપણે માત્ર આપણી પુરાતન સભ્યતાની ભવ્યતા અંગેના દંભ ને વધુ મજબૂત બનાવીએ છીએ - આનાથી વધુ દયનીય પરિસ્થિતી બીજી કઈ હોઇ શકે ?

વેદાંતમાં જે જ્ઞાન મળેછે તેમાં સાધારણ માણસને ઉપયોગી થાય તેવું આદ્યાત્મ નથી. ઘણે ભાગે બ્રહ્મ વિષે વાતો છે જે ઋષિ કક્ષા એ પહોંચેલ મહાપુરુષો માટે ઉપયોગી હોઈ શકે.

આપણાં શાસ્ત્રોમાં વ્યક્તિને અનુલક્ષીને આદ્યાત્મ નો જે પ્રાયોગિક વિભાગ છે તે યોગ છે. અને યોગ વિષેનું જ્ઞાન ભાગવદ ગીતા અને પાતંજલ યોગ સૂત્રમાં જોવા મળે છે. ભાગવદ ગીતામાં યોગ નું વિહંગાવલોકન છે જ્યારે માર્ગદર્શિકા જેવુ જ્ઞાન પાતંજલ યોગ સૂત્રમાં છે. તેથી આપણે પાતંજલ યોગ સૂત્ર પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. આ સૂત્ર બહુ સંક્ષિપ્ત અને ગૂઢ છે.

આપણો પ્રયાસ એ તપાસવાનો છે કે વ્યક્તિ માત્ર સમાધિ લગાવીને જીવન થી દૂર થઈ જાય તેવું નહીં પણ શું શરીરમાં રહીને વ્યક્તિ વ્યાવહારિક જીવનને સાર્થક કરી શકે તેવું કાંઇ ઉપયોગી આદ્યત્મિક જ્ઞાન તેમાથી મળી શકે તેમ છે? સૂત્ર નું અર્થઘટન કરવામાં જે આદ્યાત્મ વિષે નવો પાશ્ચાત્ય વિદ્વાનોનો અભિગમ છે તે પણ ધ્યાનમાં રાખીશું.

મેં ખુબ સરળ રીતે શોધવાનો પ્રયાસ કર્યો કે આપણા શાસ્ત્રો મુજબ આદ્યાત્મ કે માનવ જીવનનું લક્ષ્ય શું સૂચવવામાં આવે છે? આ પ્રશ્નથી શરૂઆત કરવી જરૂરી છે જેથી આપણે તપાસી શકીએ કે જીવન વિષે કોઈ ઉમદા ઉદ્દેશ આપણા શાસ્ત્ર આપે છે કે નહીં. અગર જીવન વિષે કોઈ ઉચ્ચ લક્ષ્ય હોય નહીં તો એવા શાસ્ત્ર આપણને પ્રગતિના પંથે લઇ જઈ શકે નહીં.

અફસોસ કે ઉપરના પ્રશ્ન ના જે જવાબ મળ્યા તે સંતોષજનક કહી શકાય તેવા નથી. આપ આ સાઈટ ઉપર આ લેખ વાંચી રહ્યા છો એટલે એક વાત તો નક્કી છે કે આપને પણ આદ્યાત્મમાં રસ છે. તો અત્યાર સુધી શાસ્ત્રોએ જે શીખવ્યું તેનું તટસ્થ અવલોકન કરી શકો તે માટે કેટલાક મુદ્દા અહીં આપેલ છે :-

જીવન નું લક્ષ્ય, જીવન વિરોધી કેવી રીતે હોઈ શકે? કોઈ વ્યક્તિ કોઈ રમત રમતો હોય અને તમે પૂછો કે શા માટે રમો છો? અને તે એવો જવાબ આપે કે " બસ રમત માંથી છૂટી જવા.. " તો હું ચોક્કસ કહી શકું કે તમે હસવાનું રોકી નહીં શકો..!

જીવન એક અદભૂત પ્રવાસ હોય તેવો ઉત્સાહિત કરનાર અભિગમ ક્યાય નથી. તેનાથી વિપરીત જીવન દૂખ અને પીડાથી ખદબદતું દોઝખ હોય અને તેમાં કોઈએ માણસને બળજબરીથી હડસેલી મુકેલો હોય તેવું વર્ણન ખુબ પ્રચુર રીતે શાસ્ત્રોમાં જોવા મળે છે. એમ ન હોય તો "હેય અને હેય હેતુ - હાન અને હાનોપાય જેવા દુખ કેન્દ્રિત સિદ્ધાંતોથી જ કેમ આદ્યાત્મ શરુ થાય છે ?

અહીં મને એક બનાવની વાત કહેવી છે. એક ભાઈ એ મોટો બંગલો બનાવ્યો. બંગલાના પ્રવેશ પહેલા વાસ્તુ પૂજા ના પ્રસંગમાં મહેમાનો આવેલા. નવું મકાન હોય એટલે સહુ અહીંતહીં ફરીને જોતા હોય તે સ્વાભાવિક છે. હવે બન્યું એવું કે એક મહેમાન ભાઈ બહાર બગીચામાં ઝૂલો, મોટો વરંડો, મહેમાન કક્ષ, બાળકોના કક્ષ, સુવાના ઓરડા, અગાસી, ઝરૂખા બધું જોઈ વળ્યા પછી બાથરૂમ માં ઘુસ્યા... વધુ મહેમાનો આવે એટલે બાથરૂમ વાપરનારા સફાઈ માટે ખાસ કાળજી લેતા હોતા નથી. એવું જ અહીં પણ બનેલુ. હવે આ ભાઈ એ તો બહાર આવી એનાઉન્સમેન્ટ કર્યું..

" ભાઈ બંગલો ગંધાય છે બહુ...!"

હવે આ ભાઈ ના વિવેક ને આપણે શું કહીશું ?

બંગલાની કોઈ સુંદરતાની કદર ન થઇ - માત્ર બાથરૂમ ઉપર જ ફોકસ કરો તો આવુંજ થાય ને..!

શું આવુજ કઈક આપણા શાસ્ત્રોમાં જોવા નથી મળતું ? જગતની કુદરતી સુંદરતા અને માનવ સંબંધોના પ્રેમ વગેરે કશું તેમને ગમ્યું નહિ? માત્ર દુખ ઉપર જ તેમનું ફોકસ કેમ રહ્યું હશે ?

આપણે જ્યારે આપણાં આદ્યત્મિક વારસા ની વાત વિચારીએ ત્યારે માત્ર હિન્દુ ધર્મ શાસ્ત્રો નહીં પણ જૈન અને બૌદ્ધ દર્શન નો પણ વિચાર કરવો પડશે. આ ધર્મના દાર્શનિકો ની જિજ્ઞાસા ઉપનિષદથી બહાર જઈ ને આદ્યાત્મ ને ખંખોળે છે. પરંતુ અહી પણ આદ્યાત્મ દુખ ની ધરી ઉપર ચક્કર મારતું હોય તેવું લાગે છે. શરીર ને પીડા આપી ને અથવા જે જગતમાં આપણે આવ્યા છીએ તેને કંખોડીને ભૌતિક વાસ્તવિક્તામાંથી સરકી જવાની પલાયન વૃત્તિ જોવા મળે છે.

કદાચ એવું બને કે સંસારથી દુખી વ્યક્તિઓએ જ આદ્યાત્મિક ક્ષેત્ર ઉપર કબજો જમાવેલો હોય. એક સુખમાં આળોટતા રાજકુમારની દ્રષ્ટિ જગતના સાધારણ કુદરતી અવસ્થાવાળા દુખ - બિમારી - વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ઉપર પડી ગઈ.. અને પડી તો એવી પડી ગઈ કે આખો સંસાર દુખરૂપ છે તેવો જ પ્રચાર આખી જિંદગી કરતા રહ્યા. સાવ નિરાશાવાદી અને ભાગેડુવૃત્તિ વાળો અભિગમ આવા આદ્યાત્મવાદીઓનો હોય છે તે આપણે જોઈ શકીએ છીએ..

જૂની ફિલ્મોના ગીતકારો અને ગાયકો એ આપણને ઉદાસીનતા ની ભેટ આપી પોતાની ખ્યાતી વધારી તેવું જ આ શાસ્ત્ર રચયિતાઓનું તો નહીં હોય ?

આપણું રૂઢીચુસ્ત આધ્યાત્મ

આપણે જે સંસ્કૃતિ માં ઉછર્યા છીએ તેના ધર્મ, રીવાજો અને આધ્યાત્મિક ડહાપણ નું તાર્કિત મૂલ્યાંકન કર્યા સિવાય આપણે તેના સંભવિત જોખમો થી બચી શકાય નહીં.

guru