કેવા ગુરૂ ની કેટલી આવશ્યકતા ?

આધ્યાત્મિકતા ની વાત આવે એટલે સામાન્ય રીતે આપણા માનસ-પટલ પર ભગવા વસ્ત્ર પહેરેલ, લાંબી દાઢી અને ઝટા વાળા, ટીલા ટપકા વાળા સન્યાસી, મહંત, સ્વામી કે ગુરુઓ ની છબી ઉપસી આવે છે.તેમની સામે ઉદાસ, હારેલા થાકેલા, પરેશાન, માંદલા, સોગીયા, જેમને હર્ષ ઉલ્લાસ સાથે જન્મ જન્માન્તરોનું વેર હોય તેવા દંભી ગંભીર માણસોનું ટોળું બેસેલું હોય - થોડા ચતુર ચેલકા આગળ પાછળ આંટા મારતા હોય અને કેટલાક લોભીઓ ગુરુ તેમને ક્યારેક માલા-માલ કરીદેશે તેવી આશાએ અંતરનો લોભ છુપાવી ચહેરા ઉપર ગુરુ-ભક્તિ નો અંચળો ઓઢી આગલી હરોળમાં બેઠા હોય તેવું દ્રશ્ય આવે તે સ્વાભાવિક છે.

આપણે આધ્યાત્મિકતા ને એટલી અટપટી બનાવી મૂકી છે કે તેમાં પ્રકાશ ને બદલે અંધકાર અને અંતરના ઉજાસ ને બદલે દંભ અને અંધ-વિશ્વાસ ન ફૂલે-ફાલે તો જ નવાઈ કહેવાય. આધ્યાત્મિક કેન્દ્રોમાં જ્યાં સુધી જીજ્ઞાસા ને બદલે 'તર્ક-વિહીન' શ્રદ્ધાને પ્રાધાન્ય અપાતું રહેશે ત્યાં સુધી આ સમુદાય તરફથી સમાજ ઉત્થાન માટે આશા રાખી શકાય તેમ નથી. ખરેખર તો ગુરુ એવા સમર્થ હોવા જોઈએ કે કોઈ પણ તાર્કિક પ્રશ્નનો ખુલાસો સહજતા થી આપી શકે. તે આપણને ચેતનાથી થનગનતા બનાવે નહીં કે ઉદાસીન.

આપણે ગાડી ચલાવનાર ડ્રાઈવર રાખવો હોય તો તેનો અનુભવ અને લાઈસન્સજરૂર ચકાસીએ છીએ પણ જ્યારે જીવન ઉન્નત બને તે માટે માર્ગદર્શક શોધીએ (ભવ-સાગર પાર ઉતારવાની તો વાત જ જવાદો) ત્યારેસાવ ગાફેલ બની હજામ આગળ વાળ કપાવવા બેસ્યા હોય તેમ ગમે તેવા અભણ આગળ 'જી મહારાજ' કહી બેસી પડીએ છીએ.


મોટા ભાગના કહેવાતા ગુરુઓ સંસારમાં પરાજિત થઇ ભાગી છૂટેલા હોય છે. કેટલાક તો અન્ય પ્રદેશમાંથી તડીપાર થયેલા હોય છે. આને વિચિત્રતા નહિ તો બીજું શું કહેવું કે સંસારમાં નિષ્ફળ રહેલ માણસો આગળ સાષ્ટાંગ કરી આપણે સંસારિક પ્રશ્નોનું નિરાકરણ મેળવવા પ્રયત્નો કરીએ છીએ.

એકંદરે જોઈએ તો આ પરિસ્થિતિ માટે માત્ર લેભાગુ યોગીઓ કે તાંત્રિકો જ જવાબદાર છે તેમ નથી. વાસ્તવમાં તો આપણી માઝા મૂકીને વકરેલી લોભવૃત્તિ અને જાતે કાંઇ શોધવાનો પરિશ્રમ નહીં કરવાનો પ્રમાદ આપણને અંધારા કૂવામાં ભૂસકો મારવા ઉશ્કેરે છે.


જેઓ બાળપણથી જ એવી વાર્તાઓ સાંભળી મોટા થયા હોય જેમાં શ્રમ અને શિરપાવ ની ક્રૂર મજાક ઉડાડે તેવા ગંદા ગોબરા પાખંડી બાબાઓના ચમત્કારો નો મહિમા હોય તેઓના સમાજમાં આવા ગુરુઓ ને મોકળું મેદાન મળી જાય તેમાં શું નવાઈ ?

ગુરુ :

સાચા ગુરુ કેવા હોય તે જાણવું દરેક જિજ્ઞાસુ માટે બહુ જરૂરી છે.