અહીં સાવ પ્રાથમિક બાબતો વિષે લખ્યું છે અને પહેલી નજરે કદાચ આપને એવું લાગશે કે આ બધું તો ખબર જ છે... પણ હું ખાતરી પૂર્વક કહી શકું તેમ છું કે મોટા ભાગના માણસો આ લાક્ષણીકતાઓ જાણતા હોવા છતાં તે તરફ દુર્લક્ષ સેવે છે - જ્યારે તેઓ મુશ્કેલીઓ માં ઘેરાય છે અને સમસ્યાનું વિશ્લેષણ કરીએ ત્યારે ભેદ ખુલે છે કે આવી મૂળભૂત બાબતોને અવગણવામાં આવી હતી.

આપણા જગતની અદભુત લાક્ષણીકતાઓનું સકારાત્મક મૂલ્યાંકન કરીશું ત્યારેજ આપણા કેટલાક કહેવાતા આદ્યાત્મિક સિદ્ધાંતો કેટલા અર્થહીન છે તે સમજી શકાશે. આપણી ખોટી માન્યતાઓ બદલાય તે માટે જરૂરી છે કે આપણે તેનું જુદા જુદા અભિગમથી વિશ્લેષણ કરીએ

અગાઉ આપણે જોઈ ગયા કે આપણું એક સનાતન સ્વરૂપછે જે સત-ચિત-આનંદ સ્વરૂપ શુદ્ધચૈતન્ય છે.આ શુદ્ધ ચૈતન્ય પોતાનો એક અંશ જુદા જુદા planes ઉપર અનુભવ માટે મોકલે છે. આ જગત ઉપર ભૌતિકસ્તરે અનુભવ લેવા જે અસ્તિત્વ આવે છે તેને આપણે આત્મા કે જીવાત્મા કહીએ છીએ.

હવે આ મુદ્દા ઉપર એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આપણે આ જગત પર અનુભવ લેવા આવીએ છીએ - એટ્લે કે આપણે ઘણી બધી રીતે એક અવકાશ-યાત્રી જેવા છીએ. અને તેથી આ જગત ના મૂળ પાયાના પરિબળો - તેની લાક્ષણિક્તાઓ સમજ્યા વિના આપણી યાત્રા સરળ કે સાર્થક થઈ શકે નહીં. આવો આપણે આ વાત ને એક ઉદાહરણ થી સમજીએ :


ધારો કે આપણે મંગળ ગ્રહની સફરે જવું છે. આપણે જાણીએ છીએ કે મંગળ ગ્રહ ની ભૌતિક પરિસ્થિતી પૃથ્વીની પરિસ્થિતી કરતાં ભિન્ન હોવાની. ત્યાનું વાતાવરણ કેવું છે ? હવા પાણી અને ગુરુત્વાકર્ષણ કેવું છે? ત્યાં અન્ય જીવ છે કે કેમ - હોય તો તેમના તરફથી કોઈ ખતરો હોય શકે કે કેમ ?

ત્યાં પહોંચવા માટે કેવા વાહન ની જરૂર પડે? સફર દરમ્યાન આપણા નિયંત્રણ કેન્દ્ર સાથે સંદેશાવ્યવહાર કેવી રીતે કરવો વગેરે તમામ પાસાઓ નો અભ્યાસ કરીને જ આપણે સુયોગ્ય અવકાશયાન - અવકાશ યાત્રી માટે ના પોષાક વગેરે તૈયાર કરી શકીએ અને પછી જ સફળ યાત્રા કરી શકીએ.

બરાબર આજ પ્રમાણે આપણી જગતયાત્રા આપણે સફળતાથી કરી શકીએ તે માટે જરૂરી છે કે આપણે આ જગતના મૂળભૂત ગુણધર્મો અને પૃથ્વીપરના જીવન ને લાગુ પડતી કેટલીક પાયાની શરતો સમજી લઈએ. આપણે જ્યારે પણ આ શરતો નું પાલન યોગ્ય રીતે કરતાં નથી ત્યારે ત્યારે આપણી જીવન-યાત્રા અવરોધાય છે ને સતત આવું દુર્લક્ષ્ય ચાલુ રહે તો એવું પણ બને કે આખી યાત્રા જ ખોરંભે ચઢી જાય.


  • આ પરિપેક્ષમાં આપણે જુદા જુદા પરિમાણ મિતિ માં આપણને લાગુ પડતી બાબતો તપાસવી જરૂરી બને છે. જેમ કે :-
  • આપણી પોતાની જાત(self) - સ્વ એટ્લે કે શુદ્ધ ચેતના અને જીવાત્મા વિષે ની લાક્ષણિક્તાઓ.
  • આપણાં શરીર(body) - વાહન ની ખાસિયતો
  • આપણાં વાતાવરણ (Environment)ની ખાસિયતો
  • આપણે જે જગતમાં આવ્યા છીએ તેની સામાજિક અને સંવેદનાત્મક ખાસિયતો

આ બધી બાબતો આપણે એક એક કરી આગળ સમજવાની કોશિશ કરીશું.