રસ્તે ચાલતા કોઈ વ્યક્તિને ઉભી રાખી પૂછીએ કે ભાઈ ક્યા જાયછે અને કેમ જાય છે ? તો જરાય વિલંબ વિના ઉત્તર મળે છે.

હવે જરા જુદો પ્રશ્ન પૂછીએ ..

    • "ભાઈ તું શા માટે જીવે છે?" કે
    • "તારા જીવન નં પ્રયોજન શું છે ?"

પ્રશ્ન નો જવાબ ભાગ્યે જ મળે ...સામે છેડે બે ચકળ-વકળ ડોળા ચાડી ખાઈ રહ્યા હોય છે કે..આવો પ્રશ્ન તો ક્યારેય પૂછાયો જ નથી ..! એક સામાન્ય વ્યક્તિ આ પ્રશ્ન નો ઉત્તર જાણતો નથી .. લાખો લોકો જીવન જીવે છે પણ તેમના મનમાં ક્યારેય આવો પ્રશ્ન ઉઠતો જ નથી. કેવી વિચિત્ર વાત છે કે બધા જીવે છે પરંતુ જાણતા નથી 'કેમ?'

ઉપરથી સાવ સરળ લાગતો આ પ્રશ્ન ખરેખર એક કોયડા જેવો છે. જ્યારે આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા પ્રયાસ કરીએ તો માલુમ પડે છે કે જુદા જુદા વિદ્વાનો જુદી જુદી રીતે જવાબ આપે છે. ધર્મ-શાસ્ત્રો પાસે પોતાના જુદા જવાબો છે. ગૂઢ વિદ્યા વાળા, ફિલોસોફર અને સમાજશાસ્ત્રીઓનાં ઉત્તર જુદા જુદા હોય છે અને મોટેભાગે વિરોધાભાસી પણ જોવા મળે છે. ક્યારેક જીવનનું પ્રયોજન બતાવવાને બદલે જીવન પ્રત્યેનો પોતાનો અભિગમ દર્શાવતા હોય છે. એક સર્વસંમત જવાબની શોધ અનંત કાળથી ચાલે છે અને આજે પણ થોડી અમથી'એ આધ્યાત્મિક રુચિ હોય તેવાઓ આ પ્રશ્નનો ઉત્તર શોધવા મથે છે.

સરળતાથી ગળે ઉતરે તેવો જવાબ આપણને મળતો નથી કારણ કે આપણે તે નથી જાણતા કે આપણો જન્મ થવો એ આપણી ઈચ્છા કે પસંદગી થી થયેલ ઘટના છે કે કેમ ?

વળી આપણા તાર્કિક મન બુદ્ધિ માટે આ પ્રશ્ન નો ઉત્તર અસાધ્ય હોય તે સ્વાભાવિક છે કારણ કે બુદ્ધિ અને તર્કનો વિકાસ તો જન્મ પછી વર્ષો બાદ થતો હોય છે .. પોતાના અસ્તિત્વથી અગાઉ થયેલ ઘટનાનો ભેદ તર્ક થી જાણી શકાય જ નહિ.


બીજી બાજુ ધાર્મિક અને આધ્યાત્મિક વ્યક્તિઓ જીવન ના પ્રયોજન વિષે પ્રચાર કરતા હોય છે.. કેવી કરુણતા છે..કે જેઓ આખી જીન્દગી જીવન થી દૂર દૂર ભાગતા રહે છે તેઓ જીવન નો અર્થ જાણવા અને જણાવવાનો દાવો કરે છે - ખરું છે ને? આ લોકો તો મોક્ષ અને નિર્વાણની વાતો કરે છે..તેમને જીવનના પ્રયોજનથી શું લાગે વળગે ?

આખરે આ બધી માથાકૂટ કર્યા પછી લાગે છે કે 'જીવન નો અર્થ' કે જન્મ નં પ્રયોજન શોધવાની બાબત ખૂબ અટપટી છે ..એક તરફ વિદ્વાનોના વિતન્દડા છે તો બીજી બાજુ આ બધી માથાકૂટ માં પડ્યા વિના સહજતાથી જીવી જતા કરોડો સરળ માણસો છે...તો ચાલો આપણે ફરી બે ત્રણ સરળ પ્રશ્ન કરીએ :-

'જીવન નં પ્રયોજન શું છે ?

-આપણે જાણતા નથી.

'જીવન યાત્રા કેટલી લાંબી છે?

-આપણે જાણતા નથી

આપણે એ પણ જાણતા નથી કે

"જીવનની મંઝીલ કઈ છે?"