એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તો'ય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે? જન્મ મરણનું કારણ સમજવા માટે કર્મનો સિદ્ધાંત જાણવો કેમ જરૂરી છે?

એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તોય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે? આવી વિસંવાદિતા જોઈ આપણને ઘણી વાર એમ લાગે કે અહીં બધું સાવ અંધેર લાગે છે. પણ આ બધું કેમ ચાલ્યા કરે છે તે સમજવું હોય તો આપણે કર્મનો સિદ્ધાંત સમજવો પડશે. આપણા જગતની ખાસ મૂળભૂત ખાસિયતોમાંની આ એક ખાસિયત છે અને જીવન ના મૂળ લક્ષ્ય ને સારી રીતે સિદ્ધ કરવા માટે આપણે આ નિયમ બરાબર સમજવો જ રહ્યો.

આપણા સમાજ જીવન ના લગભગ તમામ પાસા ઉપર સનાતન ધર્મનો ઘેરો પ્રભાવ છે. પુન:જીવન અને કર્મનો સિદ્ધાંત જેવા સનાતન ધર્મ ના પાયાના સિદ્ધાંતોની સમજ કેળવવાથી ભારતીય સંસ્કૃતિ ની આધ્યાત્મિકતા સમજવામાં સરળતા રહેશે.

ખૂબ સરળ રીતે સમજવું હોય તો કર્મનો સિદ્ધાંત એટ્લે જેવું વાવશો તેવું લણશો. જેમને કર્મનો સિદ્ધાંત વિગતે સમજવો હોય તો તેમણે શ્રી હિરાભાઈ ઠક્કર રચિત કર્મનો સિદ્ધાંત પુસ્તકનો અભ્યાસ કરવાની નમ્ર ભલામણ છે.

કર્મના સિદ્ધાંત મુજબ કર્મ ચાર પ્રકારના ગણાય છે . (૧) ક્રિયામાણ કર્મ (૨) સંચિત કર્મ (૩) પ્રારબ્ધ કર્મ (૪)આગમ કર્મ

પ્રત્યેક ક્રિયા, ચાહે માનસિક સ્તર ઉપર હોય કે પછી ભૌતિક સ્તર ઉપર, જ્યારે કરવામાં આવે ત્યારે તેની પાછળ રહેલ ઈરાદા, હેતુ કે લાગણી પ્રમાણે પ્રતીભાવ પેદા કરેછે. આ પ્રતિભાવ ને ક્રિયાનું પરિણામ કે ફળ કહેવામાં આવેછે.

જે કર્મ થયા પછી તુરંત કે બહુ જલ્દી તેનું ફળ તેના કર્તાને પ્રદાન કરે તેવા કર્મને ક્રિયામાણ કર્મ કહે છે. અહીં કર્મ થાય અને તેનું ફળ પણ પ્રમાણમા ટૂંકા સમયમાં મળી જાય છે અને કશું શેષ રહેતું નથી. જીવન ના રોજીંદા નાનામોટાં વ્યવહારો આ પ્રકારના કર્મ હોય છે.

ઘણા કર્મ એવા હોયછે કે તેના ફળ ઘણા સમય પછી મળે છે. કર્મ કર્યા પછી તેનું ફળ મલે તે સમય દરમિયાનનો સમય ગાળો ઘણીવાર કર્તાની જીંદગી કરતા પણ મોટો હોય છે. આવા કર્મોના ફળ ભવિષ્યની જિંદગીમાં એટલેકે બીજા જન્મમાં મળે તેવું પણ બને. આવા જે કર્મોના ફળ બાકી હોય તે જમા રહે અને તેના સંચય કે જમાવડા ને સંચિત કર્મ કહેવાય છે.

આવા સંચિત કર્મમાંથી જે કર્મ પાકી ને જેતે જીવનમાં ફળરૂપે મળવા યોગ્ય થઇ ગયા હોય તે કર્મફળ ને પ્રારબ્ધ કહેવાય છે. ચાલો આપણે એક ઉદાહરણની મદદથી આ સમજીએ :

ઉનાળામાં જ્યારે કેરી ની મોસમ આવે છે ત્યારે આપણે કાચી કેરી લઈ આવીએ છીએ અને પછી તેને ઘાસ ભરેલ કરંડિયામાં પાકવા નાંખીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ ..? રોજ સવારે ઉઠી આ કરંડિયામાં મુકેલ કેરી ચેક કરતાં રહીએ છીએ.. જે પાકી ને ખાવા લાયક થઈ ગઈ હોય તે જે તે દિવસે વાપરવા જુદી કાઢીએ છીએ. આ પાકી ને તૈયાર થઈ ગયેલી કેરી એટ્લે પ્રારબ્ધ...

જેમ પાકી ગયેલ કેરી નો જે તે દિવસે ઉપભોગ થાય છે તેમ જ સંચિત કર્મમાથી જે તે કર્મ-ફળ પાકી ને ચાલુ જીવન માં ઉપભોગ માટે તૈયાર થઈ ગયા હોય તે પ્રારબ્ધ.

તો તમે જે વ્યક્તિને અનુલક્ષીને જેવા વિચાર વાસના જન્માવ્યા હશે, પરસ્પર વ્યવહારથી બંને વચ્ચે જે ભાવના અને લાગણીઓ ઉભી કરી હશે તે પ્રમાણે ની ઘટનાઓ તમે અરસપરસ સાથે જીવીને અનુભવી શકો તેવા સંબંધ અને જીવનની તમે રચના પ્રતિપળ કરતા રહો છો. સુખ આપ્યું હશે તો સુખ અને દુખ આપ્યું હશે તો દુખનાં હિસાબ ચુકતે કરવા પડશે. આ બાકી હિસાબો ચૂકવવા માટેનું જે બંધન ઉભું થાય છે તેને ઋણાનુબંધ કહેવાય છે. લેંણદેણ ચુકવણી નાં આ ચક્ર માંથી બહાર આવવાનો એક જ સરળ માર્ગ છે - ચુકવણી કરવાનો. કાર્મિક ભોગાયતન રૂપે જે કાઈ ચૂકવવા પાત્ર થાય ત્યારે નમ્રપણે પ્રમાણિકતાથી ચુકવણી કરવાથી જ ઋણાનુબંધ ઓગળી શકે.

પ્રારબ્ધવાદીઓ માને છે કે ઘટનાઓ કેવીરીતે અને ક્યારે ઘટશે તે પુર્વથી જ એટલેકે ઘટનાઓ બને તેના ઘણા સમય પહેલેથી જ નક્કી હોય છે અર્થાત પૂર્વનિર્ધારિત હોય છે. પરંતુ આ માન્યતા સાથે આપણે સહમત થઈ શકીએ તેમ નથી.

વાસ્તવિકતા તો એ છે કે પ્રારબ્ધ મારફત જીવન ના સંજોગ - વાતાવરણ સર્જાય છે. આ વાતાવરણ પ્રતિકૂળ હોય ત્યારે પડકારો અને તાણ ઊભી કરે છે અને સાનુકૂળ હોય ત્યારે સરળતા અને સુખ ઊભું કરે છે. તેમાથી ઘટનાઓ નું સર્જન તો આ સંજોગોને આપણે કેવી રીતે પ્રતીભાવ આપીએ છીએ તેની ઉપર આધાર રાખે છે. એટલે કે મોટેભાગે દરેક પરિસ્થિતિમાં કર્મ કરવાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપણી પાસે હોય છે. પ્રારબ્ધ આપણને બાંધી શકતું નથી.. જો એમજ હોત તો તો પછી સંસાર સાવ વિવિધતા-શૂન્ય અને નીરસ બની ગયો હોત.

ભૂતકાળ ના કર્મો ના ફળ રૂપે આપણને જે પ્રતિકૂળ સંજોગો નો સામનો કરવો પડે છે તેમાથી રાહત મેળવવા જ્યોતિષ વગેરે ગૂઢ ઉપાયો કેવી રીતે કારગત થાય છે તે હવે આપણે આગળ જોઈશું .

હવે જ્યાં જ્યાં આપણને કુદરતી રીતે અન્યાય થઇ રહેલ લાગતું હોય તે સંજોગો ને કર્મના નિયમ મારફત સમજવા પ્રયાસ કરીએ તો જણાય છે કે -

  • જેઓ હાલ માં ગરબડ કરી રહ્યા હોય અને છતાં મજા કરતા હોય તેઓ હકીકતમાં તો તેમના સંચિત કર્મની સિલ્લક વાપરી રહ્યા હોય છે. પહેલાના સદ્કાર્મો નો લાભ તેમને મળી રહ્યો હોય છે. જ્યારે તે ખતમ થઇ જશે ત્યારે હાલમાં જે ગરબડ કરી રહ્યા છે તે કર્મનું ફળ ભોગવવાનું આવશે.
  • તેનાથી વિપરીત, જેઓ હાલમાં સદ્કર્મ કરતા હોય અને છતાં મુશ્કેલીઓ અને પીડા ભોગવી રહ્યા હોય તેઓએ સમજવું પડશે કે કરેલ કર્મ ક્યારેય ફળ આપવાનું ચૂકતું નથી.. ફળ તો મળશે જ. પણ હાલમાં પૂર્વે કરેલ માઠા કર્મોનું સંચિત પ્રારબ્ધ બનીને ફળ નો ભોગવટો કરાવી રહેલ છે. સંચિત ઉપર આપણો કાબુ નથી.. વિપરીત સમયે સહનશક્તિ રાખી પૂર્વના કર્મો ક્ષીણ થઇ રહ્યા છે તે ભાવ રાખવાથી વધારાના નવા ખરાબ કર્મો કરવામાંથી બચી શકાય છે.