સંચિત કર્મ અને ઉપાય

આપણે અગાઉ જોયું કે હાલની ઘટનાઓ અને સંજોગો ની પાછળ છુપાયેલ કારણોમાનું એક કારણ છે પાછલા કર્મો. અને આ કર્મોમાથી છૂટવાનો એક રસ્તો છે - સહજ રહીને ભોગાયતન કરી લેવું - સામે બીજી હરકતો કરવી નહીં. (કર્મનો સિદ્ધાંત)

સામાન્ય સમજ થી વિપરીત, પ્રારબ્ધ રૂપે મળવા વાળા ફળ ની અગ્રીમતા અને ફલીભૂત થવાના ક્રમ ને બદલી શકાય છે. હા એ તાર્કિક અને સત્ય છે. હવે આપણે અહી આ પૂર્વ કર્મોના ફળ માથી કેવી રીતે બચી શકાય તે જોઈશું. આ માટે આપણે કર્મ કેવી રીતે ફળ ઊભું કરેછે તે પ્રક્રિયા ને સૂક્ષ્મ સ્તરે સમજવી પડશે.

પ્રત્યેક ક્રિયા, ચાહે માનસિક સ્તર ઉપર હોય કે પછી ભૌતિક સ્તર ઉપર, જ્યારે તે કરવામાં આવે ત્યારે તેની પાછળ રહેલ ઈરાદા, હેતુ કે લાગણી પ્રમાણે પ્રતીભાવ પેદા કરેછે. આ પ્રતિભાવ ને ક્રિયાનું પરિણામ કે ફળ કહેવામાં આવેછે.

કર્મ નાં સૃજન ની શરૂઆત સુક્ષ્મ સ્તર (Subtle) ઉપર એટલેકે વિચાર, કામના, ઈચ્છા,આશા, એશણા, ઈરાદા, અપેક્ષા કે વાસના ના રૂપમાં થાય છે. જેમ જેમ તેની તીવ્રતા વધતી જાય, તેનું પુનરાવર્તન (Frequencies) વધતું જાય તેમ તેમ તે ઘાડું અને નક્કર થતું જાય છે. પછી એક એવી સ્થિતિ આવે છે જ્યારે તે સુક્ષ્મમાંથી ભૌતિક(Gross) રૂપ ધારણ કરેછે. આ ભૌતિક રૂપ હવે વસ્તુ કે ઘટના ના રૂપમાં પ્રગટ થાય છે.

આમ જોઈ શકાય છે કે દરેક ઘટના કે વસ્તુ મૂળભૂત રીતે સુક્ષ્મ માનસિક ઇચ્છાઓના તરંગો ની બનેલી હોય છે. ઈચ્છા સુક્ષ્મ છે - ઘટના કે વસ્તુ તેનું ઘાડું કે ભૌતિક સ્વરૂપ છે. બીજી રીતે એમ સમજી શકાય કે દરેક ઘટના નું કારણ માનસિક હોય છે. એટલે જ આપણે ઘટનાઓને સુખ દુખ, અનુકુળ પ્રતિકુળ, સંતોષ કે પરિતાપથી અનુભવીએ છીએ કે જીવીએ છીએ. માનસિક સ્તરેથી જન્મેલ ઘટનાઓ ઘટિત થઇ જાય ત્યારે માનસિક અનુભવ સ્વરૂપે વળી પાછી માનસિક તરંગોમાં રૂપાંતરિત થઇ જાય છે. તેથીજ કહેવાય છે કે સંસાર મનોમય છે

કોઈપણ કર્મ, ફળ આપ્યા સિવાય લુપ્ત થતું નથી. કર્મ કરવામાં જે શક્તિ -એનર્જી વપરાય છે તે ફળ રૂપે પાછી મળે છે. ફળમાંથી ક્રિયા કરવાની શક્તિ પ્રદાન થાય છે. આમ કર્મ એટલે વર્તમાન ક્રિયાશક્તિનું ભવિષ્યના ફળશક્તિ માં રૂપાંતર. સંસાર માં વાસ્તવમાં કોઈ શક્તિનો હાસ થતો નથી : માત્ર તેનું રૂપાંતરણ જ થાય છે.

આપણે જોયું કે કર્મનું બંધારણ સુક્ષ્મ તરંગોનું બનેલ હોય છે. તેથી તેમાં ફેરફાર કરવાનું સાધન પણ સુક્ષ્મ તરંગમય જ હોવું જોઈએ.

વર્તમાનમાં આપણે જે વિચાર કરીએ તેના તરંગો હોય છે. જ્યારે આપણે કોઈ એક બાબત જેમકે કોઈ મંત્ર કે સ્તુતિ, વિધિ, અનુષ્ઠાન, ધ્યાન અનેક વાર કરીએ કે પછી ખુબ એકાગ્રતાથી કરીએ કે અમુક ખાસ ઢબથી કરતાં રહીએ ત્યારે તેના તરંગો નો જથ્થો ઘણો મોટો થાય છે. બીજી તરફ જીવનના કોઈ પણ તબક્કે પ્રારબ્ધ રૂપે પડેલ કર્મ-ફળનાં તરંગ નું અસ્ત્તીતવ પણ હોયછે.

ક્રિયમાણ કર્મના તેમજ પ્રારબ્ધના તરંગોના સહ: અસ્તિત્વને અને જ્યોતિષ વગેરે ગૂઢ ઉપાયોની સાર્થકતા એક ઉદાહરણ દ્વારા સમજીએ.

પ્રારબ્ધને ફુગ્ગા સમજી લઈએ અને ક્રિયમાણ કર્મને એક એવો ફુગ્ગો સમજી લઈએ જેને હવા ભરી ફુલાવીને મોટો કરી શકાતો હોય. હવે જો પ્રારબ્ધના ફુગ્ગા ક્રિયમાણ કર્મના ફુગ્ગાની ઉપર પડેલ હોય અને ક્રિયમાણ કર્મનો ફુગ્ગો ફુલાવીને મોટો કરવામાં(પુરુષાર્થ) આવે તો તેનું કદ વધવાથી પ્રારબ્ધના ફુગ્ગા આસપાસ ખાસીજાય.

આ ક્રિયમાણ કર્મના ફુગ્ગામાં હવા ભરવી એટલે જ્યોતિષ વગેરે ઉપાય રૂપી પુરુષાર્થ - મંત્ર વગેરે નાં તરંગો પેદા કરવા - તેનું કદ વધારવું. પ્રારબ્ધના ફુગ્ગા નું ખસી જવું એટલે પ્રારબ્ધ ની ઘટનાઓને દૂર કરવી.

આમ કર્મના સિદ્ધાંત મુજબ પ્રારબ્ધ ઉભું થઇ ગયું હોવા છતાં ક્રિયમાણ કર્મ ની સઘનાતા થી ઘટનાઓનો ક્રમ બદલી શકાય છે. શરત એજ છે કે મંત્ર-સ્તુતિ વગેરે જે તે જાતકે પોતે કરવા અને તે એટલી વધુ શ્રદ્ધા અને સંખ્યામાં કરવા જેથી તેના તરંગોનો જથ્થો પ્રારબ્ધના તે સમયે ઘટના સ્વરૂપે ઉપસ્થિત થનાર ફળ નાં તરંગોના જથ્થા કરતા વધુ મોટો હોય.

અહીં ખાસ યાદ રાખવું જોઈશે કે આ રીતે પ્રારબ્ધ ની ઘટનાઓનો ક્રમ બદલી શકાયછે - ફળ નો સમૂળગો નાશ કરી શકાતો નથી.

જ્યારે જાતક ખુબ મોટી મોટી આફતોમાં ઘેરાયો હોય ત્યારે ઘટના ક્રમનો થોડો બદલાવ પણ મોટી રાહત બની શકે. વળી બનવાજોગ છે કે મુલતવી રહેલ મુસીબત નો ક્રમ જ્યારે ફરી આવે ત્યારે સંજોગો બદલાઈ ગયા હોવાથી જાતક માટે તે વધુ આકરી સાબિત ન થાય.

મંત્ર સ્તુતિ વગેરે સેંકડો વર્ષોથી ચાલી આવેલ હોવાથી તેના મહાત્મ્યની અસર લોકોના મન ઉપર ખુબ અસરકારક રીતે સકારાત્મક અભિગમ ઉભો કરેછે. સકારાત્મક મન દ્વારા મુસીબતોનો સામનો કરવાનું સરળ બનેછે.

ઘણા બધા માનસિક તરંગોથી કર્મ બને - પ્રારબ્ધ બને અને તે પ્રારબ્ધ ને બદલવા ફરી ઘણા બધા માનસિક વિચારો નવા ક્રિયમાણ કર્મ ઉભા થાય અને પ્રારબ્ધની ઘટનાઓ ને આઘી પાછી કરી શકાય.

આમ ફળ આપવા વિશેના અટલ કર્મનાં સિદ્ધાંત માં જ્યોતિષ અને બીજા ગૂઢ ઉપાય ની કારગતતા ને સમજી શકાય છે. જે બે બાબતો એક બીજાથી વિરોધાભાસી લાગતી હતી તે એક બીજાની પુરક હોઈ શકે તે માની શકાય છે.

જયારે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહેછે "કર્મ માં કુશળતા એ જ યોગ છે" તો તેમાં ક્રિયમાણ કર્મ ની આવી કુશળતા હોઈ શકે...!!!

પ્રારબ્ધ અને જ્યોતિષ વગેર ગૂઢ ઉપાય; બંને છેવટેતો માનસિક તરંગોનો ખેલ જ છે.