મુદ્રા વિષેની ઉપયોગી વેબ સાઈટ ઉપર જવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો

ભારતવર્ષમાં વેદિક કાળથી વિવિધ મુદ્રાઓનો પ્રયોગ પ્રચલિત છે. શારીરક અંગને એક ખાસ અવસ્થામાં સ્થિત કરવાની ક્રિયાને મુદ્રા કહે છે. અધ્યાત્મિક સાધના, તપ ,અનુષ્ઠાન, ક્રિયા-કાંડથી માંડીને નૃત્ય અને બીમારીઓના ઉપચાર સુધી મુદ્રાઓનો ઉપયોગ થાય છે. જોકે મુદ્રાઓને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ પાવાનો યશ બુદ્ધ ધર્મના પ્રસારને આપવો રહ્યો. જેમ જેમ બુદ્ધ ધર્મના ધ્યાન અને યોગની વિવિધ પદ્ધતિઓ નો પ્રસાર વિદેશોમાં થયો તેમ તેમ મુદ્રાઓ વિષે પણ સારી જાગૃતિ આવી છે. અહીં આ સાઈટ ઉપર આપણે હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી હસ્ત-મુદ્રાઓના ઉપયોગ વિષે વાત કરીશું.

મુદ્રા દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય છે તેનો ઉદભવ દરેક જીવિત પિંડમાંથી પ્રસાર થતી કોસ્મિક એનર્જી કે બ્રહ્માંડ ની ઉર્જાને માનવામાં આવે છે. પુરા બ્રહ્માંડ માં એક અદભૂત જીવન શક્તિ વ્યાપ્ત છે . આમ સંસારની દરેક જડ -ચેતન વસ્તુઓ આ જીવન શક્તિથી લિપ્ત હોય છે. આ શક્તિ ને જ્યારે પૃથ્વીના સંદર્ભમાં વિચારીએ ત્યારે તેને પંચ-મહાભૂતની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. દરેક સજીવ શરીર આ પંચ-મહાભૂતથી બનેલ હોય છે.