બાળકો માટે લેખન અને વાંચન ખુબ મહત્વનું છે. એની સાથે જ તેમની કલ્પના શક્તિ ભળવી એ તેમના વિકાસ માટે અનિવાર્ય છે. આ આશયથી જ શાળામાં આ વર્ષે પણ બાળવાર્તાઓ અને કવિતાઓનું પ્રકાશન 'બાળસંસ્કાર' નામે કરવામાં આવ્યું છે. બાળકો પોતાની કૃતિઓને પુસ્તકમાં જોઇને ગૌરવ મહેસુસ કરી શકે અને લખવા પ્રેરાય તે માટેનો આ નાનકડો પ્રયાસ છે.
શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી કાંતાબેન બબાભાઈ પટેલના વય નિવૃત્તિ પ્રસંગે તેમના ગુલાલને શબ્દો દ્વારા સંગ્રહિત કરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શાળા એ બાળકોને અનુભવો પૂરી પાડતી એક આગવી પ્રયોગશાળા છે. અહીંયા આપણું બાળક દરેક પ્રકારના નુભાવો મેળવતા મેળવતા વિકસે છે અને શાળા તેના વિકાસ માટેની દરેક પ્રવૃત્તિઓને પુરતો અવકાશ આપે છે.
આ બાળકો માટે જ માથાસુલિયા પ્રા. શાળા દ્વારા વર્ષ ૨૦૧૦ થી દર વર્ષે વાર્તા અને કવિતાનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે. બાળકો દ્વારા લિખિત આ વાર્તાઓ અને કવિતાઓ ભલે કાળી-ઘેલી ભાષામાં હોય પરંતુ તેની ભાવના અને વિચારોને પ્રગટવા માટે આ પુસ્તક એક આંગણું પૂરું પાડે છે. આ બાળકોની લેખન શૈલી કે તેમની કૃતિઓ ભલે કોઈ ખાસ સાહિત્યિક અસર ન ધરાવતી હોય પરંતુ તે કૃતિઓ કોઈ પુસ્તકમાં પ્રકાશિત થવી એ તેમના જીવન ઉપર ખાસ અસર ધરાવે છે.
પોતાના પાઠ્યપુસ્તકમાં કવિઓ અને લેખકો વિષે ભણતા બાળકો જ્યારે લેખકના મનોજગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે એ જ તેમના માટે સૌથી મોટો અને મહત્વનો અનુભવ કહી શકાય. આ બાળક ભલે સાવ ટૂંકી કે અણઘડ કૃતિ રજુ કરે, પરંતુ તેના દ્વારા સર્જાયેલી દરેક કલ્પના અને તેની મૌલિકતા તે બાળકોના સર્જન માટેનું પહેલું પગથીયું છે.
માથાસુલીયા પ્રા. શાળાના ધોરણ ૮ ના બાળકો દ્વારા લિખિત આ કવિતાઓ અને વાર્તાઓના પુસ્તકને વિશાળ દરિયામાં અમૃતબિંદુ સમાન જોઈ શકું છું. મને આશા છે કે આ બાળકોની કૃતિઓ તેમને આવનારા સમયમાં વધુ લેખન અને સર્જન માટે પ્રેરણા આપતી રહેશે.
બાળકોના ઉત્તમ ભવિષ્યના શુભાશિષ સાથે આ શબ્દોનો ગુલાલ વહેતો મુકું છું.
હિરેન મહેતા
આ શાળાની આંખોમાં એક સવાલ ટગર ટગર તાક્યા જરૂર કરે છે કે શું એ ક્યારેય પાછા નહિ ફરે? અને ત્યારે જ કાનના પરદાઓ પર આવીને અથડાય છે એમનો શબ્દ…. ‘એ….’ અને અમારાં મન બધી દિશાઓમાં દોડી લાગે છે એમને શોધવા…. પણ ક્યાંક એ ફૂલ બનીને તો નહી ખીલ્યા હોય ? કે પછી વહેતા પવનની સાથે એમણે કોઈ સંદેશો મોકલાવ્યો હશે? કે પછી સામે દેખાતા ડુંગરની ટોચે જઈને તો એમણે રાડ નહિ પાડી હોય? કે પછી ઝાકળ બનીને કોઈ પાંદડા પર બેઠેલા હશે? કે કોઈ તરણું બનીને ક્યાંક ઉગ્યા હશે? કે પછી કોઈ કબૂતરને રૂપે આવીને તો નહિ બેઠા હોય ? પણ ત્યાં તો સંભળાય છે….
હું ફરી પાછી જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછી જન્મીશ.