મારો જન્મ કેમ થયો છે?'

આપણે જેને 'હું' તરીકે સંબોધીએ છીએ તે 'હું' એટલે કે 'Self' એટલે કોણ ? આ પ્રશ્નનો જવાબ દરેક આદ્યાત્મિક સંપ્રદાય લગભગ સમાન આપે છે - "હું એટલે આત્મા " વ્યક્તિગત આત્મા પોતાને અન્યોથી અલગ અસ્તિત્વ તરીકે વર્તે તેને 'હું ' કહી સંબોધાય છે.

આ આત્મા રૂપ, રંગ, ગંધ કે આકાર વગરનો ચેતનાનો અવિનાશી પુંજ છે અને તે શરીર, મન, બુદ્ધિ અને અહંકાર થી ભિન્ન છે. આત્માની હાજરી શરીરમાં હોવાથી જ શરીર ચેતનવંત અને જીવંત રહે છે.

આ આત્મા જ્યારે માનવ શરીર ધારણ કરે છે ત્યારે તેને જીવાત્મા કહે છે. અહીં સુધી લગભગ બધા પંથ અને વિદ્વાનો એક મત છે પરંતુ

  • આ આત્મા ક્યાંથી આવે છે?
  • આત્મા જન્મ ધારણ કેમ કરેછે?
  • મૃત્યુ પછી તે ક્યા જાયછે અને કેવા સંજોગોમાં રહેછે?
  • આત્મા વારંવાર જન્મ મરણના ચક્કર કાપે છે તે પોતાની મરજી થી કે પછી કોઈ તેને આ માટે ફરજ પાડેછે?
  • આત્મા માટે જીવન સુખદ અને ઇચ્છનીય છે કે દુખદ અને અનિચ્છનીય ?

આ બધી બાબતોમાં આદ્યાત્મિક ફિલસુફીમાં ઘણા મત-મતાંતર જોવા મળે છે.

આત્મા વિષે સમજુતી આપતા કેટલાક વિદ્વાનો તેને પરમાત્માનો અંશ - બધી રીતે પરમાત્મા જેવા ગુણ ધારણ કરનાર માને છે તો કેટલાક તે બંને ને ભિન્ન ભિન્ન માને છે.

આત્મા અને પરમાત્મા બંને જ્ઞાનરુપ ચેતનાથી બનેલ છે તે બાબત સમજવામાં ખાસ તકલીફ પડે તેમ નથી કારણ સમાન ગુણધર્મો વાળા પરંતુ સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે પરંતુ આત્મા પરમાત્મા નો અંશ હોય તે બાબત તેના અન્ય વર્ણન અને ક્રિયા-કલાપો વિષે વધુ વિશ્લેષણ કરતાં જુદી બાબતો સામે આવે છે.

આત્મા આ જગતમાં કેમ આવે છે ?

મૃત્યુ પછી આત્મા ક્યા જાયછે અને કેવા સંજોગોમાં રહેછે?

આપણા શાસ્ત્રો મરણ પછી આત્મા સ્વર્ગ અથવા નર્ક માં જાય છે તેમ કહે છે. સ્વર્ગમાં પોતાના પુણ્યોના ફળ રૂપે સુખ ભોગવે છે અને નરકમાં જીવન દરમિયાન કરેલ ખરાબ કામ માટે સજા ભોગવે છે. આપણા ગરુડ-પુરાણ માં જાત જાતના ભીષણ કષ્ટદાયક નર્ક બાબત બહુ બેહુદુ વર્ણન જોવા મળે છે.

આનાથી વિપરીત - પાશ્ચ્યાત વિદ્વાનો કહે છે કે નરક જેવો કોઈ આયામ નથી. કોઈ સજા કે પીડા ભોગવવાનું પણ છે નહીં. મરણ પછી આત્મા આત્મિક દુનિયામાં જાય છે ત્યાં પોતાના જીવન વિષે આત્મ-ચિંતન કરે છે. પોતાના આત્મિક મિત્રો સાથે અનુભવનું આદાન પ્રદાન કરેછે અને શીખવાના બાકી હોય તેવા ગુણ શીખી શકાય તે માટે યોગ્ય અવસર મળી શકે તે પ્રમાણે બીજા જન્મની પસંદગી કરે છે. આત્મિક દુનિયામાં વધુ ઉચ્ચ કોટીના આત્માઓ (Masters) તેને ઉપયોગી માર્ગદર્શન આપેછે.

આત્મા વારંવાર જન્મ મરણના ચક્કર કાપે છે તે પોતાની મરજી થી કે પછી કોઈ તેને આ માટે ફરજ પાડેછે?

આપણા આદ્યાત્મ ગ્રંથો વારંવાર એવું કહે છે કે જીવન દુખ અને સમસ્યાઓથી ભરેલું છે અને તેમાંથી મુક્તિ મેળવવા અંગે વિવિધ ઉપાયો સૂચવે છે.

હવે જો ઈશ્વરે લીલા કરવાની વૃત્તિ થી આત્મા બનાવ્યા હોય તો જીવન દુઃખોથી ભરેલું બનાવી પોતાની રચનાને સંતાપમાં રઝળાવે એવા લક્ષણ આપણે માની લઈએ તો ઈશ્વર કોઈ ફિલમ નો વિલન હોય તેવું લાગે.

બીજી બાજુ જો જીવન ને આવી વિઘ્ન દોડ જેવું ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યું હોય તો પછી આદ્યાત્મ વિદ્યા જે મુક્તિ ની વાત કરેછે તે તો તેમાંથી છટકવાની યુક્તિઓ બતાવતું શાસ્ત્ર થઇ જાય - એટલે કે ઈશ્વરની યોજના ને ઉંધી વાળવા જેવું કહેવાય.

આમ આપણા શાસ્ત્રો જે કહે છે તેમાં વિરોધાભાસ જોઈ શકાય છે. ઈશ્વરની ઈચ્છા અને આધ્યાત્મના ઉપાયો બંને માંથી એક તો ખોટું સાબિત થાય જ.

આ બાબતમાં આપણા શાસ્ત્રો જે કહેછે તે બહુ ગળે ઉતરે તેવી વાતો નથી. એવું કહેવામાં આવે છે કે પરમાત્માએ લીલા કરી પોતે એકલા હતા તેમાંથી અનેક થવાની ઇચ્છાથી સઘળા આત્માઓને પેદા કર્યા છે. કોઈ વ્યાજબી ઉચિત ઉદ્દેશ્ય વિના, માત્ર પોતાના મનોરંજન માટે પરમાત્મા હરકત કરે તે બાબત તેમની મહાનતા સાથે સુસંગત લાગે તેમ નથી.

પૂર્વ જન્મ માં કરેલ દુષ્કૃત્યો ની સજા કાપવા આપણે અહીં આવીએ છીએ તેવું શાસ્ત્રો ચોક્ખું કહેતા નથી પણ તેઓ જીવન નો ઉદ્દેશ્ય જે રીતે બતાવે છે તે બાબત તો આવો જ અણસાર આપે છે.

આથી વિપરીત - પાશ્ચ્યાત વિદ્વાનો તેમના સંશોધન ને આધારે કહે છે કે આત્મા અહી જગતનો અનુભવ કરવા અને ઉચ્ચ ગુણ શીખવા આવે છે. આ શીખવાનું અન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહારમાંથી શક્ય બને છે અને આ અરસપરસના વ્યવહારમાં ઋણાનુંબંધ ના હિસાબ સમેટાય છે. આ અભિગમથી જીવન બોજ રૂપ ન બનતા ઉપયોગી સાબિત થાયછે.