મંદિરો, મઠો અને આશ્રમો માં ભક્તોની સંખ્યા રોજ રોજ વધતી જાય છે. અધ્યાત્મિક અને ધાર્મિક પ્રવચન સાંભળનારાઓથી હોલ અને મંડપો ઉભરાય છે. પ્રવચન દરમિયાન લોકો તન્મય બની જાય છે એવું પ્રતીત થાય છે કે જાણે હજારો માણસો એક સાથે પરિવર્તિત થઇ શ્રદ્ધાળુ અને ઉમદા જીવ બની ગયા હોય.. પ્રેમ, લાગણી, શ્રદ્ધા અને સબુરી જેવા સદગુણોનો સમુદ્ર હિલોળે ચઢેલો હોય તેમ લાગે છે. પ્રવચક નો એક એક શબ્દ પૂરી એકાગ્રતા અને વિશ્વાસથી ઝીલાઈ રહ્યો હોય તેવું અદભૂત વાતાવરણ સર્જાય છે.

પણ આ શું ? થોડા જ સમય પછી, જેવો કાર્યક્રમ પુરો થાય કે તુરંત અને કેટલીકવાર તો મુખ્ય પ્રવચક જેવા તેમનું વ્યાખ્યાન પૂરું કરી મંચથી નીચે ઉતરે કે તુરંત - જે જનસમુદાય હમણા સુધી સતયુગમાં જીવતો હોય તેમ શાંતિ અને સંયમથી બેઠેલ હતો...હવે કોલાહલ કરતા બેફામ ટોળામાં ફેરવાઈ જાયછે.. સિદ્ધ ગુરુદેવના ચરણ સ્પર્શ કરી લેવા તો કેટલાક પોતાના આસન, બૂટ ચંપલ માટે કે પછી ઉપહારની ડીશ પહેલા મેળવવા તો ક્યારેક ભીડમાંથી પહેલા બહાર નીકળી જવા બહાવરા બની ધક્કા-મુક્કી કરવા લાગે છે. પાર્કિંગમાંથી વાહનો બહાર કાઢવામાં જ ટ્રાફિક જામ થઇ જાય છે..! બહાર નીકળતા જ નાની અમથી વાત પર ઝગડા કરતા લોકો જોવા મળે છે..!!

જેની અસર નીચે થોડા સમય પહેલા હજારો માણસો વશીભૂત થઇ ડોલતા હતા તે આધ્યાત્મિક ઉપદેશનો પ્રભાવ શું હવામાં ઓગળી ગયો ? આતો થઇ ભક્તો અને શ્રદ્ધાળુઓની વાત.

બીજી બાજુ જોઈએ તો પેલા સંત, બાબા, ગુરુ, યોગી, મહાત્મા અને તેમના અંતરંગ કારભારી સંયોજકો કેટલા હજાર શ્રોતાઓ કાર્યક્રમમાં આવ્યા, કેટલો ફાળો દાન ચઢાવામાં આવ્યો, કેટલા લોકો એ ભંડારનો પ્રસાદ લીધો વિગેરે આંકડા ભેગા કરી અખબાર ટીવી મીડિયામાં પહોંચાડી તેને બહોળી પ્રસિદ્ધિ મળે તેની ખટપટ માં વ્યસ્ત થઇ ગયા હોયછે .. કેટલાક વળી આગલો કાર્યક્રમ બુક કરાવવા ભક્તોની શ્રદ્ધાને ઉશ્કેરવાનો કસબ અજમાવતા જોવા મળે છે. વધતી જતી ભક્ત સંખ્યા અને પ્રસિદ્ધિથી આ બધા કહેવાતા આધ્યાત્મિક કે ધાર્મિક આગેવાનો નો અહમ વકરી ન જાય તો જ આશ્ચર્ય..! ભક્ત કે શ્રોતાનં કલ્યાણ કે આધ્યાત્મિક વિકાસ કેટલો થયો તે જાણવાની ક્ષમતા કે દરકાર આવા કહેવાતા સંત, બાબા, ગુરુ, યોગી, મહાત્માઓમાં હોતી જ નથી ..કાર્યક્રમ દરમિયાન જે વિશિષ્ટ વાતાવરણ ઉભું થાયછે તે તો તેમના પ્રચાર અને મોટા સમુદાય ની હાજરી થી પેદા થતા સંમોહન ની હંગામી અને ઉપરછલ્લી અસર હોય છે.

આવા કાર્યક્રમો અને સંસ્થાઓ ચલાવનાર સંત, બાબા, ગુરુ, યોગી, મહાત્મામાંથી મોટા ભાગના ઉમદા ગુણોની વાતો કરે છે ને અંદરખાને સાવ તુચ્છકક્ષાનું જીવન જીવતા હોય છે કેટલાક તો વળી બીજા રાજ્યોમાંથી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલગીરીને કારણે તડીપાર થયેલા પણ જોવા મળે છે.. અહીં આવી આપણા ભોળા ખેડૂતોને ફોસલાવી પટાવી જમીન ઓહિયા કરી જનારાઓની સંખ્યા વધતી જાય છે.