આદ્યાત્મ માર્ગ પર ના ભય સ્થાનો

આગળ આપણે જોઈ ગયા કે સૌ પ્રથમ દરેક જિજ્ઞાસુ એ આદ્યાત્મ એટલે શું તે પોતાની રીતે સ્પષ્ટ કરી લેવાનું છે. આ સાથે આદ્યાત્મિક પથ ઉપર રહેલ જોખમો, ભયસ્થાનો વિષે સાવધાની કેળવવી પડશે. અહી આપણે આવી ગેરસમજ ઉભી કરનાર બાબતો વિષે વિચારીશું.

  • જિજ્ઞાસુની પોતાની અસ્પષ્ટતા અને અસમર્થતા
  • આદ્યાત્મિક સંસ્થાઓની પોતાના ઉદ્દેશ્ય અને અભિગમ વિષે મોઘમ વાતો
  • આદ્યાત્મિક સંસ્થાઓ માટે સર્વ-સંમત કોડ ઓફ કંડકટ નો અભાવ.
  • આદ્યાત્મિક ગુરુઓ માટે કોઈ લાયકાતના ધોરણો નો અભાવ
  • જે તે આદ્યાત્મિક શાસ્ત્રો કયા સમયે અને કોના માટે છે તે બાબત અજ્ઞાન

હવે આપણે ઉપરોક્ત બાબતો વિષે વિગતે વાત કરીશું :-

જિજ્ઞાસુની પોતાની અસ્પષ્ટતા અને અસમર્થતા

તમે એક કરતા વધુ આદ્યાત્મિક સમૂહોના કાર્યક્રમોમાં હાજરી આપો તો એવા કેટલાય વ્યક્તિ મળી આવશે જેમને તમે બીજી સંસ્થાઓમાં પણ જોયા હોય. આવા અર્ધદગ્ધ જિજ્ઞાસુઓ બહુ મોટી સંખ્યામાં છે જે અહીં તહીં ફેરે ચડેલા જોવા મળે છે. આદ્યાત્મિક પ્રવચનોમાં; યોગ-ધ્યાન-સમાધિની શિબિરોમાં; ચમત્કારિક બાબાઓના આશ્રમોમાં અને ધાર્મિક અનુષ્ઠાનોમાં આવા અનેક એકના એક માણસો આપણે જોઈ શકીએ છીએ.

એક દિશામાં એક ઉદ્દેશ્યથી ઠરીઠામ થતા પહેલા ચકાસણી કરવામાં કાઈ ખોટું નથી પણ એ વિષે જાગૃતિ હોવી જોઈએ કે આપણે શું શોધીએ છીએ? આપણે ક્યાંક અહીં-તહીં ફરતા રહેવાની લતમાં તો નથી સપડાઈ ગયા ને?

પોતે શું શોધે છે તે વિષે જેઓ સ્પષ્ટ હોતા નથી તેવા કહેવાતા જિજ્ઞાસુઓ દંભી ધુન્તારાઓ માટે સુલભ શિકાર બનતા હોય છે.

હું અનેક મિત્રોને જાણું છું જેઓ માને છે કે તેમને આદ્યાત્મ માં રસ છે પણ ધ્યાનથી જોઈએ તો માલુમ પડે છે કે તેમની વૃત્તિ સ્પષ્ટ હોતી નથી. ક્યારેક તેઓ

  • ધાર્મિક કર્મકાંડોમાં પડેલા હોય છે તો કેટલીક વાર
  • સાવ શુષ્ક બનાવી દે તેવી યોગીક સાધનાઓ માં પડેલા હોય છે.
  • કેટલાક ની આધ્યાત્મિકતા તો સાવ પ્રમાદી હોય છે એટ્લે કે તેમને માત્ર આધ્યાત્મિક ચમત્કારોની વાતોના વડા કરવામાં જ મજા આવતી હોય છે.
  • સાધના કે જે તે પદ્ધતિને સારી રીતે સમજવાનો પરિશ્રમ કરવા તેઓ કદી પ્રવૃત્ત થતા નથી.
  • કેટલાકમાં જીજ્ઞાસાવૃત્તિ ને બદલે કૌતુક અનુભવવાનું જોર વધુ હોય છે.. કોઈ પણ વાત જેમાં સામાન્ય બુદ્ધિ ને પડકાર જેવું દેખાતું હોય તે તરફ તેઓ ખુબ અહોભાવથી ખેંચાઈ જાય છે.
  • કેટલાક ચાલાક માણસો વળી આવા સમૂહોમાં એટલામાટે જ ભળતા હોયછે કે જેથી આ મોટા સમૂહમાંથી વેપારી લાભ ઉઠાવી શકાય - વીમા એજન્ટો, વીસી એજન્ટો, એમવે ના એજન્ટો આના પ્રત્યક્ષ ઉદાહરણો છે.
  • સાધકો અને અનુયાયીઓ ના મોટા સમૂહ ને જોઇને લોકશાહીના રાજકીય નેતાઓ પણ ગુરુઓની આરતી ઉતારવા આવી જાય છે - બહુ ચતુર છે આ લોકો. તેમને આદ્યાત્મ થી કોઈ લેવા દેવા નથી. તેઓ તો આ મોટા સમુહને પોતાની વોટ બેંક માં ફેરવવાના ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે મુગ્ધ મન વાળાઓને વશ કરવાનું સરળ રહેશે.
  • આવા આડકતરા લાભ બીજા લઇ જાય તે જોઇને સંસ્થાઓના પોતાનાજ મોંઢામાંથી લાળ ટપકવા લાગે તે સ્વાભાવિક છે - તેમણે પોતેજ સાધકો માટે આસન, અગરબત્તી થી માંડી શેમ્પુ સાબુ અને શક્તિ-જોમ વર્ધક પાક અને દવાઓ બનાવીને વેચવાનું શરુ કરી દીધું છે.

આબધું જોઈએ ત્યારે આદ્યાત્મ વિષે પોતાનો ખ્યાલ શું છે? તે ચકાસવાનું જરૂરી થાય છે. આપનો એ કયો ઉદ્દેશ્ય છે જે આદ્યાત્મિકતા થી હાંસિલ કરી શકાય તેમ લાગે છે ? આખરે કઈ બાબત છે જેનાથી પોતે આદ્યાત્મ તરફ દોરાઈ આવ્યા છે ?

સમજ્યા વિના અને જાત અનુભવ વિના સ્વીકારી લેવું.

ઘણા ખરા મિત્રો બાબતમાં એવું બનેલું જોવા મળે છે કે જીવનના અમુક ક્ષેત્રમાં ધારી સફળતા મળે નહીં અને હતોસ્તાહ બની ગયા હોય તેવા ગાળામાં ' જીવન અધિકાંશ દુખ-દર્દ થી ભરેલું છે ' એવા અભિગમ વાળા કહેવાતા આધ્યાત્મિક મહાપુરુષોનું સાહિત્ય તેમના હાથે ચઢી ગયું હોય. તેમના ઘવાયેલા અહમ ભાવને આવા સાહિત્ય માંથી થોડો સધ્યારો મળે છે અને તેઓ દુખને કેન્દ્રમાં રાખી તેમાથી છટકવાના રસ્તા શોધવાની માનસિકતાથી આદ્યાત્મ માં પ્રવેશે છે.

આપણે જે તે સમયે આદ્યાત્મ વિષે જે વાંચ્યું -સાંભળ્યું હોય તેને સામાન્ય બુદ્ધિથી પરખ્યા સિવાય માની લેવું.. એટલું જ નહિ તે વિષે માનસિક ગ્રંથી કે માન્યતા પાકી કરી લેવી તે બાબત આદ્યાત્મને સમજવામાં સૌથી મોટી અડચણ છે.

જરા જુઓ તો ખરા, કેવી કેવી અટપટી વાતો આપણને આદ્યાત્મિકતા નામે ઠસાવી દેવામાં આવી છે ..!!!

આપણે આધ્યાત્મિકતાની આ તથાકથિત લાક્ષણીકતાઓ ની ઉલટ-તપાસ કરવી પડશે. આમ કરીશું ત્યારેજ આપણે સાધારણ વ્યક્તિનું જીવન ઉન્નત બનાવે તેવી આધ્યાત્મિકતાની પદ્ધતિ કે પ્રક્રિયા શોધી શકીશું.

બીંબા ઢાળ માનસિકતા

Mental Conditioning

એક નાના ગામમાં એક બ્રાહ્મણ રહેતો. આજુ બાજુના ગામમાં કર્મકાંડ અને કથવાર્તા કરી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે નજીકના ગામે એક ખેડૂતને ઘેર કથા કરવા ગયો. ખેડૂત પાસે દક્ષિણમાં આપવા માટે નગદ પૈસા ન હોવાથી તેણે બ્રાહ્મણને એક ગાય દક્ષિણમાં આપી. ગાય લઈ ને બ્રાહ્મણ પોતાને ઘેર આવવા ચાલી નીકળ્યો. ગામ પહોંચતા પહોંચતા સાંજ પાડવા આવી. સિમમાંથી ગામના પાદર તરફ તે આવી જ રહ્યો હતો ત્યાં તેને ગામના 3 બદમાસ માણસો સામે મળ્યા. રામ રામ કરી તેઓ આગળ ગયા. પછી બ્રાહ્મણ પાસેની ગાય ઉપર તેમની નિયત બગડી. પણ બ્રાહ્મણ તેમને ઓળખતો હોવાથી ખુલ્લી દાદાગીરી કરીને ગાય લૂંટી લેવાનું શક્ય ન હતું આથી તેમણે એક યુક્તિ કરી. ત્રણેય વગડામાંથી છુપાતા છુપાતા ફરી પાછા પેલા બ્રાહ્મણને સામે મળે છે.

પોતાના મો ઉપર કપડું ઢાંકી પહેલા ઠગે બ્રાહ્મણને નમસ્તે કર્યું અને સહેજ ખચકાઈ ને પુછ્યું.. " ભૂદેવ આ ગધેડું લઈને ક્યાં ચાલ્યા ? " બ્રાહ્મણ બોલ્યો " જા ભાઈ જા...આતો ગાય છે..!! "

પછી બીજો ઠગ સામે ચાલીને આવ્યો અને તેમની તરકીબ મુજબ બ્રાહ્મણને નમસ્તે કર્યું અને પુછ્યું.. " ભૂદેવ આ ગધેડું ક્યાથી લઈ આવ્યા ? " બ્રાહ્મણ બોલ્યો " નારે ભાઈ ગધેડું નથી ...આતો ગાય છે..!! "

પછી ત્રીજો ઠગ સામે ચાલીને આવ્યો અને બોલ્યો .. " શું જમાનો આવ્યો..! ભૂદેવ થઈને ગધેડું લઈ આવ્યા ? " ..એમ કહી તે આગળ ચાલી ગયો..

હવે બ્રાહ્મણ ને લાગ્યું કે નક્કી વગડામાથી કોઈ ભૂતે કરતૂત કરી મારી ગાય ને ગધેડું બનાવી દીધું છે..આ બધા કાંઇ ખોટું થોડું બોલવાના હતા.. ગામમાં જાઉં અને લોકો જોશે તો ફજેતો થશે.. તેમ વિચાર કરી છેવટે બ્રાહ્મણે ગાય સિમમાં જ છોડી મૂકી..

પેલા ઠગો ગાય લઈને છૂમંતર થઈ ગયા તે કહેવાની જરૂર છે ?

આ વાતમાંથી આપણે સમજી શકીએ છીએ કે એક જ વાત વારંવાર કહેવામાં આવે તો તેને આપણે સાચી માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. આપણું મન એવી જ રીતે વિચાર કરવાના ઢાંચામાં બેસી જાય તેવું બની શકે. આપણી સમજણ નું આવું કંડીશનિંગ છેક નાનપણથી શરુ થઇ જાય છે.