અમે પ્રેમમાં છીએ પણ કુંડળી મેળાપક ....

અમે એક બીજાના પ્રેમ માં છીએ અને પરણવા ઈચ્છીએ છીએ. ...

માબાપ પણ તૈયાર છે...

પણ અફસોસ ... અમારી કુંડલી મળતી નથી..!

આવા પત્ર મને લગભગ રોજ મળે છે. કેટલી નફરત તેમના દિલમાંથી જ્યોતિષ માટે નીકળતી હશે તે હું કલ્પના કરી શકું છું.! આવા સંજોગો માં જ્યોતિષી બહુ મોટો વિલન હોય તેમ લાગે તે સ્વાભાવિક છે.

પ્રેમીઓ માટે મારે એટલું કહેવાનું કે જ્યારે તમે કુંડલી મેળાપક માટે તૈયાર થાઓ છો ત્યારે એક રીતે તો તમે તમારા પ્રેમ નું હડહડતું અપમાન કરો છો. તમારે એ ભૂલવું ન જોઈએ કે તમે કાઈ કુંડળીના ગ્રહો જોઈને કે જ્યોતિષીને પૂછીને પ્રેમ માં પડ્યા ન હતા. એટલે તમારા માટે તો કુંડલી મિલન નો કોઈ પ્રશ્ન જ હોવો જોઈએ નહિ.

કેટલાક તો વળી એક કરતા વધુ જ્યોતિષીઓ પાસે જઈને ગૂંચવાઈ ગયા હોય છે - એક જ્યોતિષી 'હા' કહે છે અને બીજો ના કહેછે .. હવે તમે કહો અમે શું કરીએ ? " : અરે દોસ્તો હું કાંઈ ક્રિકેટ મેચનો થર્ડ અમ્પાયર થોડો છું ??

મને ખબર છે કે તમે શોખથી નહિ પણ માબાપનું દિલ રાખવા માટેજ કુંડલી મેળાપક માટે તૈયાર થાઓ છો. તો તમને તમારા માબાપ ને માનવી લેવામાં મદદરૂપ થાય તેવા કેટલાક મુદ્દા હું નીચે આપુંછું. (વડીલો મને માફ કરે)

(૧) જેમ દરેક બાળક ની કુંડલી માં તે કેવો અભ્યાસ કરશે તે ગ્રહયોગો પ્રદર્શિત કરતાજ હોયછે અને તેના સારા અભ્યાસ માટે તેને ભણવા સ્કુલ માં એડમિશન લેતા પહેલા તેની કુંડલી અને નીશાળ ની કુંડલી આપણે કાઈ મેળવતા નથી તેવીજ રીતે દરેક યુવક/ યુવતીની કુંડળીમાં તેના નસીબમાં કેવું દામ્પત્ય સુખ રહેલ છે તે બાબત તેની પોતાની કુંડલી ના ગ્રહયોગ બતાવે જ છે.

હવે જો લગ્ન પછી કુંડળીમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી તો પછી એકની કુંડળી નાં ગ્રહોની અસર બીજાની કુંડળી ઉપર થતી નથી તેમ સહજ રીત એ જ માની શકાય.

(૨) કુંડલી મેળાપક નો મુખ્ય ઉદ્દેશ્ય તો વર-વહુને આપસમાં કેવો સ્વભાવ મેળ બેસશે તેનો અંદાજ મેળવવાનો હોય છે.

જુના સમય માં સમાજ માં જ્યારે કાચી ઉંમરે લગ્ન થતા અને વર વહુ માં આપસી સુમેળ જોવા જેટલી પુખ્તતા નહોતી, લગ્ન પહેલા છોકરા-છોકરીને મળવાનું શક્ય નહોતું ત્યારે ગ્રહોની મદદ થી આવો અડસટ્ટો મેળવવાનું ઉપયોગી હોઈ શકે. પરંતુ હવે જમાનો બદલાયો છે ડેટિંગ ના જમાના માં હવે તો જેમને આપસ માં સારો પરિચય છે, એકબીજા નો સ્વભાવ જેઓ સારીરીતે પીછાને છે તેમના કિસ્સામાં જ્યોતિષના આ જરીપુરાણા અને સમય સાથે અપ્રસ્તુત બની ગયેલ સાધન નો ઉપયોગ કરવો એ તીરકામઠા વડે રણભૂમિ માં જવા બરાબર ગણાય.

નવા જમાના ના નવા સાધનો નો ઉપયોગ જીવન ને બહેતર બનાવવામાં થવો જોઈએ.આજના સમયમાં કુંડલી મેળાપક ને સ્થાને સ્વભાવ અને માનસિક વૃત્તિઓ વગેરે કેટલા પુરક છે તે તપાસવા આજે કોઈ મનો-ચિકિત્સક ની સલાહ લેતા હોય તો કદાચ વધુ આવકારદાયક ગણી શકાય.

કુંડલી મેળાપક ને સ્થાને હવે એચઆઈવી રીપોર્ટ કે આપસમાં વિરોધી આર એચ ફેક્ટર તો નથી આવતું તે માટે તબીબી સલાહ લેવામાં આવે તે વધુ ઇચ્છનીય છે.

(૩) લગ્ન જીવન નો આધાર પ્રેમ છે અને આપણે પ્રેમના જ દુશ્મન બનીએ એ ક્યાંનો ન્યાય ?

(૪) જ્યોતિષ શાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન નથી. વધારામાં આજે જે નિયમો અને સિદ્ધાંતો નો ઉપયોગ જ્યોતિષીઓ કરેછે તે જુના જમાનામાં જે તે સમાજ ને અનુરૂપ નિયમો છે આજે સમય બદલાયા પછી જ્યોતિષ માં સંશોધન ખુબ જુજ પ્રમાણ માં થયુંછે તેથી નવી પરીસ્થીમાં જુના નિયમો અર્થહીન બને તે સમજી શકાય. આવા અપૂર્ણ શાસ્ત્ર ને આધારે અન્યથા એક બીજા માટે સુયોગ્ય ઉમેદવારો ની જોડી નકારી કાઢવી એ હતોસ્તાહ કરનારી બાબત જ ગણાય.

જેઓ એક બીજા ને ટીક ઠીક સમયથી રૂબરૂ મળી ઓળખતા હોય તેવા યુગલો ને જે નરી આંખે દેખાતા પણ નથી તેવા ગ્રહો ને આધીન અપૂર્ણ શાસ્ત્ર ના નિયમો ને આધારે મુલવણી કરવી તે સમજદારી નથી.

(૫) લગ્ન જીવન માટે એક બીજા માટે પરસ્પર સારું આકર્ષણ રહે તે મહત્વનું છે. બંને સાથે ઉભારહે તો એક સારું કપલ લાગે, શારીરિક કદ, વર્ણ એટલે કે શરીર નો રંગ વગેરે મહત્વની બાબતો છે. અભ્યાસ થી વ્યક્તિત્વ ખીલે છે અને તેના પસંદગી નું એક ધોરણ બંધાયછે. જે વાતાવરણ માં વ્યક્તિ નો ઉછેર થાય છે તેનાથી તેની એક જીવન શૈલી ઘડાય છે. આ સર્વ બાબતો નો મેળ સફળ દામ્પત્ય જીવન માટે જરૂરી છે.

આનાથી ઉલટું - કુંડલી મેળાપક માં મુખ્યત્વે માત્ર ચંદ્ર ને જ પ્રાધાન્ય અપાયું છે. ચંદ્ર એ મન છે અને કોઈ પણ સંબંધ માં મન નું મહત્વ છે જ તેમ છતાં માત્ર મેળાપક ના અભાવ માં બીજી બાબતો ને અવગણી ને સંબંધ ને રીજેક્ટ કરી કાઢવો તે બિલકુલ ખોટુ છે.

(૬) એવા અસંખ્ય કિસ્સા છે કે જેમના લગ્ન કુંડલી મેળાપક ના ઉચ્ચ ગુણ ને આધારે ગોઠવાયા હોય અને પછી સાવ કજોડું સાબિત થયું હોય. રોજ લડતા હોય કે છૂટાછેડા થયા હોય.

(૭) કુંડલી મેળાપક વખતે મંગલ દોષ જોવામાં આવે છે. મંગળને ભૂમિ, સૈનિક, ઉર્જા, હિંમત, શક્તિ, સ્વાભિમાન, આખાબોલાપણું, જુસ્સો વગેરે સાથે સાંકળવામાં આવેછે. જ્યારે આપણે જુના જમાનાના સમાજ જીવન તપાસીએ ત્યારે જોવા મળે છે કે એ સમય માં લડાઈઓ ઘણી થતી અને તેમાં લડવામાં જુસ્સા વાળા અને લડાયક વૃત્તિ વાળા લોકો (માંગલિક) વધુ જતા. લડાઈ માં માણસો મોટી સંખ્યા માં શહીદ થતા. તેથી જેમનો મંગલ વધુ અસરકારક હોય તેવા વ્યક્તિને લગ્ન માટે સારા ઉમેદવાર ગણવામાં આવતા ન હતા તે જે તે જમાના માટે બરાબર હતું પરંતુ આજે તે બરાબર નથી.

વળી ખેતીપ્રધાન સમાજના પુરુષ નો અહં મંગલના ઉપર જણાવેલ ગુણો વાળી પત્ની ને કારણે ઘવાય તે સ્વાભાવિક હતું. પરંતુ હવે જમાનો બદલાયો છે એન્જીન્યરીંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ અભ્યાસક્રમ સશક્ત મંગલ વગરની છોકરીઓ કરીશકે તે શક્ય નથી. બીજી તરફ પુરુષો હવે રસોઈ માં પણ પત્નીને મદદ કરતા થયા છે. હવેની છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓને ટક્કર આપેછે ત્યારે માંગલિક દોષ જોવાની વાતને ફેરવિચારણા કરવાની જરૂરત છે.

ઘણા યુવાનો આ કુંડળી મેળાપક ને કારણે લગ્ન કરી શક્યા નથી. પરંતુ આ એક સામાજિક માન્યતાની વાત છે અને સમાજમાં જે રીવાજો વગેરે ચાલે છે તેને મોનીટર કરનારી કોઈ સંસ્થા નથી તેતો સમયથી જ ઘડાય છે.

રીવાજો ભૂતકાળ ના સંદર્ભમાં બન્યા હોય છે. જે સમાજિક પરિસ્થિતિ માં છોકરા-છોકરી એક બીજાને મળી શકતા ન હતા ત્યારે કુંડળી ના ચંદ્રની સ્થિતિ ઉપરથી મેળાપકનો અડસટ્ટો મેળવવાનું આ સાધન બરાબર હતું. જેમ જ્યારે ઘડીયાળ ની શોધ થઇ નહતી ત્યારે પડછાયા ઉપરથી સમય નો ક્યાસ કાઢવામાં આવતો તે ઠીક હતું પણ હવે આપણે ઘડિયાળ વાપરીએ છીએ તેવી રીતે હવે છોકરા છોકરી એક બીજાના સંપર્કમાં આવી શકે છે તેવું વાતાવરણ છે ત્યારે તેમના સ્વભાવ વિગેર કેવા મળે છે તે જેટલું કુંડળી થી જાણી શકાય તેના કરતા વધુ સારી રીતે જાણવા ના સાધનો અને સેવાઓ મોજૂદ બની છે. મેરેજ કૌંસેલર ની સેવા લઈ શકાય છે. વળી મનો-ચિકિત્સક જેવા વિદ્વાનોની સેવા પણ મળતી થઇ છે ત્યારે હવે જુના જમાનાની આઉટ-ડેટેડ રીતે મેળાપક જોવાનું યોગ્ય નથી. પણ સમાજમાં આ જગૃતિ આવે ત્યાં સુધી અમુક પેઢીઓએ તો ભોગવવું જ પડે છે.

તો શું દુનિયામાં અંધેર ચાલે છે ?

આગળ વાંચો