શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ લાઈવ ઈવેન્ટસ
📜 શિક્ષાપત્રીની રચનાનો દિવ્ય પ્રસંગ :
સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીની રચનાનો પ્રસંગ સત્સંગના ઇતિહાસમાં અતિ મહત્ત્વનો ગણાય છે. જીવમાત્રના કલ્યાણની તીવ્ર ઇચ્છાથી પ્રેરિત થઈને, શ્રીજીમહારાજે પોતાના આશ્રિતો માટે એક સરળ અને સાર્વત્રિક આચારસંહિતા બનાવવાનો નિશ્ચય કર્યો.
વિક્રમ સંવત ૧૮૮૨ના મહા સુદ પાંચમના (વસંતપંચમી) દિવસે, એટલે કે ૧૧ ફેબ્રુઆરી, ઈ.સ. ૧૮૨૬ના રોજ શ્રીહરિએ સ્વહસ્તે 'શિક્ષાપત્રી' ગ્રંથની રચના કરી હતી. રચનાનું સ્થળ ગુજરાતમાં આવેલું મુખ્ય તીર્થ વડતાલ, જ્યાં શ્રી રામપ્રતાપભાઈનું નિવાસસ્થાન હતું, તે હતું.
સર્વપ્રથમ શ્રીજીમહારાજે સંત શુકાનંદ સ્વામીને બોલાવ્યા અને તેમને તરત જ શાસ્ત્ર લેખન માટેનાં સાધનો - કાગળ, શાહી અને કલમ લઈ આવવા આજ્ઞા કરી. શુકાનંદ સ્વામીએ આજ્ઞાનું પાલન કરીને સામગ્રી તૈયાર કરી.
ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ પોતે જ સ્વયં લેખન કરવા બિરાજ્યા. શ્રીજીમહારાજે પોતાના સંકલ્પ પ્રમાણે ત્યાગી સમાજ અને ગૃહસ્થ સમાજનું દિવ્યજીવન બનાવવા માટે સ્વયંમ પોતે જ સંસ્કૃત ભાષામાં કુલ ૨૧૨ શ્લોકોનું સર્જન કર્યું.
શ્રીજીમહારાજે આ ૨૧૨ શ્લોકોની રચના ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કરી. આ શ્લોકોમાં સંપ્રદાયના ચાર આધારસ્તંભ : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને દૃઢ કરવાના નિયમોનો સમાવેશ થાય છે. આ ગ્રંથમાં સાધુઓ, બ્રહ્મચારીઓ તેમજ તમામ સ્તરના ગૃહસ્થ ભક્તો (પુરુષો અને સ્ત્રીઓ) માટેનું આચરણ, દૈનિક ક્રિયાઓ, સામાજિક વ્યવહાર અને નીતિમત્તાનો સ્પષ્ટ વર્તન ઉપદેશ નિરૂપવામાં આવ્યો છે.
દિવ્ય લેખન પૂર્ણ થયા પછી ભગવાન સ્વામિનારાયણે તેને 'શિક્ષાપત્રી' એવું નામાભિધાન કર્યું. શ્રીજીમહારાજે સર્વે સત્સંગીઓને નિયમિતપણે તેનું શ્રવણ અને આચરણ કરવાની આજ્ઞા કરી છે. જેથી જીવોનું આત્યંતિક કલ્યાણ થાય. આમ, ‘શિક્ષાપત્રી’ સંપ્રદાયનો સર્વશ્રેષ્ઠ અને પ્રમાણભૂત ધર્મગ્રંથ છે.
વ્હાલા ગુરુજીની લેખન અધ્યક્ષતા હેઠળ SMVS સંસ્થા દ્વારા ‘શિક્ષાપત્રી સાર’ પુસ્તિકા પ્રકાશન કરવામાં આવી છે. જેમાં વર્તમાન પરિસ્થિતિને જોઈને શ્રીજીમહારાજની આજ્ઞા આ પ્રમાણે પાળવાની સરળ ને સચોટ રીત દર્શાવવામાં આવી છે. ‘શિક્ષાપત્રી સાર’માં શ્રીજીમહારાજ રચિત ૨૧૨ શ્લોકના સારરૂપ આજ્ઞા બતાવવામાં આવી છે.
ડાઉનલોડ
૨૧૨ કલાકની સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂન
આગામી તારીખ 23, 24 અને 25, જાન્યુઆરીના રોજ ઉજવાઈ રહેલા ‘શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ’ના પાવન અવસરના અન્વયે શિક્ષાપત્રીમાં આવેલા કુલ 212 શ્લોકોના અનુસંધાને ભગવાનને રાજી કરવા માટે SMVS સંસ્થા દ્વારા 212 કલાકની ‘સ્વામિનારાયણ મહામંત્ર’ની અખંડ ધૂનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધૂનનો પ્રારંભ 1 ડિસેમ્બરના રોજ સ્વામિનારાયણ ધામ ખાતેથી થયો હતો અને સતત 212 કલાક ચાલેલી આ ધૂન 10 ડિસેમ્બરની સવારે ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા સર્જિત SMVS સંસ્થાના આદ્ય સ્થાન ઘનશ્યામનગર ખાતે સંપન્ન થઈ હતી. આ દિવ્ય આયોજનમાં પુરુષ વિભાગ દ્વારા જુદાં જુદાં ૭૦ થી વધુ સેન્ટરોમાં 5000 થી વધુ હરિભક્તોએ પોતાની અનુકૂળતા 2 કલાક, 3 કલાક કે 5 કલાક ધૂન બોલવાનો હોંશે હોંશે લાભ લીધો હતો.