Blog
Blog
નમસ્કાર.
ઘણી એવી માહિતીઓ પણ અમારી પાસે છે જે આપણી પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ મુકવામાં આવે તો વિશેષ આનંદ થાય. અગાઉ નાગર સેતુ વેબસાઇટ પર ગુજરાતી ભાષામાં મુકવામાં આવેલ માહિતીઓ અહીં અલગથી બ્લોગ સ્વરૂપે ફરીથી આપના માટે સાદર રજુ કરેલ છે. આપની પાસે પણ આપણી જ્ઞાતિ વિશેની માહિતી જો ગુજરાતીમાં હોય તો યોગ્ય ખરાઇ કરી મોકલી આપશો.
ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર
સમસ્ત નાગર બ્રહ્મણોના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વર છે. સ્કંધ પુરાણના નાગરખંડ માં વર્ણવ્યું છે એ પ્રમાણે દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞમાં શિવજીનું અપમાન થવાથી પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પોતાની જાતને હોમીને ભસ્મીભુત થઈ ગયાં હતાં.સતી જ્યારે યજ્ઞમાં પડ્યા ત્યારે તેમનું શરીર બળી જવાથી નીકળેલી જવાળા હિમાલય સુધી પહોંચી અને ત્યાં જ્વાળામુખીની શરૂઆત થઈ. સતીના દેહત્યાગથી દુખી થઈને મહાદેવ પાતાળમાં ચાલ્યા ગયાં. ત્યાં હાટકી નદીને કાંઠે જઈને તપશ્ચર્યા કરવા લાગ્યાં. શિવજી પાતાળમાં ચાલ્યા ગયા છે તેની જાણ થતાની સાથે જ નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી ઉપર લાવવા માટે તપ આરંભ્યું.તેમના તપથી શિવજી પ્રસન્ન થયા અને કહેવાય છે કે પાતાળમાંથી નગર અથવા તો ચમત્કારપુરમાં સ્વયંભુ લિંગ સ્વરૂપે પ્રગટ થયાં.
આ દંતકથા પુરાણની છે.આ કથામાં કેટલું સત્ય છે તે તો કહેવું ઘણુ જ મુશ્કેલ છે. પરંતુ કેટલાક જૂના તામ્રપત્રો, પુસ્તકો, હસ્તપ્રતો, પરદેશી મુસાફરોના વર્ણનોમાં આનર્તપુરનું વર્ણન આવે છે.આ આનર્તપુર (આનંદપુર) શહેરને ચમત્કારપુર કે નગર તરીકે પણ વર્ણવવામાં આવે છે. આ શહેર તે મહેસાણા જીલ્લાનું હાલનું વડનગર ગામ. મહેસાણાથી તારંગાહિલ તરફ જતાં લગભગ 35 થી 40 કિલોમીટર દુર વડનગર ગામ આવેલું છે. આ શહેરની બહાર અર્જુન બારીનો દરવાજો આવેલો છે. જે નાક દરવાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.ત્યાં હાટકેશ્ર્વર મહાદેવનું પવિત્ર તીર્થ આવેલું છે.હાટકેશ્વર મહાદેવએ ગુજરાતના જ નહિ પરંતુ આખાયે ભારતના નાગરોના આરાધ્ય દેવ કે કુળદેવ તરીકે પણ માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુના વામને યજ્ઞમાં વિરાટ રૂપ ઘારણ કર્યું ત્યારે તેમણે પહેલુ પગલું વડનગરમાં મુકેલું. આ ગામ પહેલા ચમત્કારપુર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સ્વધામ પહોંચતા પહેલા ભગવાન શ્રીકૃષ્ણ પણ અહી આવ્યા હતાં. યાદવો અને પાંડવોએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. નરસિંહ મહેતાના પુત્ર શામળશાના વિવાહ પણ અહી થયા હતાં. જેમાં ભગવાન ખુદ જાન લઈને આ સ્થળે આવ્યા હતાં. જુની વખતની આર્ય પ્રજા પાસે આકાશ ગમનનની તેમજ પાતાળ ગમનની સિદ્ધિ હતી. કોઈ કારણસર તે સિદ્ધિ બાદમાં નાશ પામી.સ્કંધ પુરાણમાં વર્ણન પ્રમાણે પોતાનો કોઢ મટાડનાર તથા ચમત્કાર કરનાર અહીંની બ્રાહ્મણ પત્નિઓને રાજાની રાણીએ, આ બ્રાહ્મણ પત્નિઓ અપરિગ્રહનું વ્રત પાળતી હોવા છતાં મહિમષ્તિના સુંદર કાપડની ભેટ આપી હતી. આ ભેટ સ્વીકારવાને કારણે બ્રાહ્મણોની આકાશગમનની સિદ્દિ નાશ પામી હતી તેવુ માનવામાં આવે છે.
અમુક ઈતિહાસકારોનું એવું માનવું છે કે નાગરબ્રાહ્મણો કાશ્મીરની ઉત્તરેથી ભારતવર્ષમાં આવ્યા હતાં.ગમે તેમ ગણો કે માનો તોય લોકવાયકા પ્રમાણે લોહીની શુદ્ધિ જાળવીને એક જાતિ તરીકે આવીને વસનાર નાગર જ્ઞાતિ ગુજરાતના ઈતિહાસમાં શૂરવીર- વિદ્વાન,કલા અને વિદ્યાપ્રીતિ ધરાવતી તથા મુત્સદ્દી જાતિ તરીકે જાણીતી છે. નાગરબ્રાહ્મણોએ માત્ર યજમાનવૃત્તિ કરી જાણી નથી,પરંતુ કલમ,કડછી અને બરછી ચલાવવામાં પણ કુશળતા પ્રાપ્ત કરી હતી.નાગરોમાંય આમ એક સુક્ષ્મ ભેદ એ છે કે યજમાનવૃત્તિ કરે એ નાગરબ્રાહ્મણ અને તે સિવાયના માત્ર નાગર તરીકે ઓળખાય છે. આ આખીય નાગર જાતીમાં આરાધ્યદેવ તરીકે શિવજીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.આ આરાધ્યદેવનું સ્થળ વડનગરના હાટકેશ્વર મહાદેવ ગણાય છે.નાગરો આખાંયે ગુજરાતમાં રાજ્ય કર્તાને મદદ કરનાર, દીવાન અને ક્યાંક તો રાજ્યકર્તા જેવા બની ગયા હતાં. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં તો દીવાન તો નાગરો જ હતા. ચમત્કારપુર, આનંદપુર, આનર્તપુર અને છેલ્લે વડનગર એ રીતે જુદા જુદા સમયે આ નામોમાં થયેલા ફેરફારો તેનો વારંવારનો વિનાશ થયો હોય તેવું સુચવે છે.આજુબાજુના દશ મીટર ઉંચાઈના જૂના ટીંબા ઉપર વસેલું હાલનું આ વડનગર શહેર આ વાતની સાબિતીરૂપ છે.વારંવારની ચડાઈઓ અને વિનાશની સાથે આ મંદિરનો પણ વિનાશ અને પુનરૂદ્ધાર વારંવાર થતો રહ્યો. સોલંકીકાળ અને તે પછી ગુજરાતનાં કેટલાક રજવાડાઓને હથેળીમાં નચાવનાર સુખી નાગર જાતીના કુળદેવનું અનેકો વાર વારંવાર પુનરૂદ્ધાર પામતું રહ્યું છે.વડનગરનું હાટકેશ્વર મંદિર ગામની પશ્ચિમે આવેલું છે. ગામની પૂર્વ દિશામાં આમથેર માતાજીનું પુરાતન મંદિર છે. થોડે દુર પુષ્કરતીર્થ અને ગૌરીકુંડ ગામના બે કુંડો છે. શર્મિષ્ઠા સરોવર, મહાકાલેશ્વર, જાલેશ્વર, સોમનાથ, રામટેકરી નરસિંહ મહેતાની વાવ, પિઢોરામાતા, નાગઘરા, આશાપુરી, અંબાજી વગેરે મંદિરો છે.
પુરાતત્વ વાદીઓ અને શિલ્પ-વિશારદોના માનવા અનુસાર હાલનું હાટકેશ્વર મંદિર લગબગ ચારસો વર્ષ જુનું માનવામાં આવે છે.હાટકેશ્વર હાલનું મંદિર જોતાની સાથે તમને સોમનાથનું મંદિર યાદ આવી જશે.સોલંકીયુગ પછી બંધાયેલા આ શ્રેણીના થોડા મંદિરોમાં વડનગરનું આ મંદિરને ગણી શકાય છે. હાટકેશ્વર મંદિરના ગર્ભદ્વારની બંન્ને બાજુમાં સ્વસ્તિક કુંભો આવેલા છે જે તમને સોલંકીયુગની યાદ અપાવશે. શૃંગાર ચોકીના સ્તંભો ઉપરની કમાનો તમને દેલવાડાના જૈનમંદિરો તેમજ કુંભારિયાના દેરાસરોની કમાનોની જાણે કે હરીફાઈ કરતું હોય તેવું લાગશે. ત્રણ બાજુ ચોકીઓ વાળો વિશાળ સભામંડપ ધરાવતું આ હાટકેશ્વર મહાદેવનું મંદિર અંદરને ભાગેથી ચંદરવા સિવાયના ભાગે સોલંકીયુગનું લાગે છે. પણ તેના ઉપરનો ઘુમ્મટ અને તેની આજુબાજુની શૃંગાર ચોકીની ઘૂઘરીઓ સોલંકી કાળ પછીના મુસ્લિમ યુગની અસરોવાળા ઘુમ્મટોની ગોળાઈ બતાવે છે. વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દેવોની નાની મોટી ચારસોથી પણ વધારે મૂર્તિઓ છે.સભા મંડપની વેદિકાના ભાગ ઉપર તેમજ ચોકીઓની વેદિકાઓના ભાગ ઉપર કોતરાયેલા પુરાઓના જુદા જુદા પ્રસંગોનું યાત્રિકોને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું છે. બરોબર તેની બાજુમાં મંદિરને અડીને એક નાનું શિવલીંગ આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ કાશીવિશ્વનાથના શિવલિંગની યાદ અપાવે છે.આ ગર્ભદ્વારમાં બ્રાહ્મણો દ્વારા શુદ્ધ ઉચ્ચારણે તથા બુલંદ (મોટા) અવાજે ગવાતા શિવમહિમ્ન સ્ત્રોતના પડધાઓ પડે છે.ત્યારે જાણે કે પાર્થિવ લોકમાંથી કોઈ દિવ્ય સ્થળમાં પહોંચી ગયાની અને ભગવાન શિવનો સાક્ષાત્કાર થવાની અનુભુતિ થાય છે.ઉપરાંત સભા મંડપમાં ગોઠવાયેલા નીચા અને ઉંચા એમ બે નંદીઓ સભા મંડપના આકર્ષણના ઉમેરો કરે છે. મોટા શિવમંદિરની આજુબાજુમાં અત્યારે ધર્મશાળાઓ આવેલી છે. તેમની વચ્ચે મોટું ચોગાન પણ છે. દરવાજાની બાજુમાં કાળભૈરવનું સ્થાનક પણ જોવાલાયક છે.મંદિરના મંડોવર ભાગ ઉપરનું શિલ્પ કામ અદ્દભુત છે. હાલમાં હાટકેશ્વર મંદિર ખાતે રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે. ગામના કિલ્લાથી છ મીટર ઊંડુ મહાદેવનું સ્થળ અર્જુનબારીના દરવાજા પાસે ઊભા રહીને જોતા આ દ્રશ્ય ખૂબ આકર્ષક લાગે છે. ભારતભરના નાગરો માટે આ મંદિર ગર્વ સમાન છે. કારણ કે તેઓ તેમના ઈષ્ટદેવ છે. એટલે જ તો તેઓ ગાય છે કે, “ શિવ હરશંકર ગૌરીશં વંદે ગંગા ધરનીશં ! રુદ્મમ્ પશુપતિ વિજયાનમ્ કલયેકાશી પુરનાથમ !! ” (Courtesy : Divya Bhaskar)