For Reading

"આજના અર્જુનનો વાઈરલ વિષાદયોગ"


‘રોજ ગીતાજીના પાઠ કરવાથી ફાયદો શું થાય?’ આવો સવાલ એક યુવકે સ્વાભાવિક રીતે મને પૂછ્યો ત્યારે મેં કહેલું કે, ‘ગીતાજીના પાઠ કરવાથી નુકસાન થાય છે આટલું તું પહેલા સાબિત કરી દે પછી ફાયદા કહું !’

પાંચ વર્ષ પહેલાની સફળતાની વ્યાખ્યા અત્યારે આઉટડેટેડ છે. પાંચ મહિના પહેલાની કાર, કપડાની ફેશન, વોટ્સેપ ઈમેજ કે બીઝનસ ટીપ્સ અત્યારે સૌને ઓલ્ડ ફેશન લાગે છે, તો સાડા પાંચ હઝાર વર્ષ પહેલાનો એક સદ્ગ્રંથ આજના જીવનને રીલેટેબલ કઈ રીતે લાગે ? આ પ્રશ્ન કોઈને થાય એ સ્વાભાવિક છે.

આજના અર્જુનનો વિષાદયોગ શું ? કેરીયરમાં ફેકલ્ટી સીલેક્ટ કરવી ? બિઝનસ કરવો કે નોકરી કરવી ? વ્યસનોના કાદવમાંથી કેમ બહાર નીકળવું ? બ્રેકઅપ પછી જીવનને કેવી રીતે સંભાળવું ? અરે... સોશ્યલ મીડિયા પર કઈ પોસ્ટ મુકવી અને કોને લાઈક આપવી ? આજના અર્જુન (એટલે કે યુવક અને યુવતી બંને-નો જેન્ડર બાયસ પ્લીઝ.)ની ભીતરમાં ભીષણયુદ્ધ ચાલી રહ્યુ છે. રક્તપાત ભલે દેખાતો નથી પરંતુ વલોપાત તો છે જ. પીડા તો કેટલાય દોસ્તો અનુભવી રહ્યા છે. પોતાના બેકાબુ થયેલા મનના માથા વાઢતા કોઈને આવડતું જ નથી. મમ્મી પપ્પા સાથે માત્ર પોકેટમની કે પાર્ટીના રૂપિયા માંગવાનો જ સંબંધ રહ્યો છે. મિત્રો એક્ચ્યુલમાં તો છે જ નહી. વર્ચ્યુલમાં છે એ તમામ માત્ર લાઈક અને ડીસ્લાઈક આપે છે કોઈ ખભે હાથ મુકી સાચી સલાહ આપતા નથી. આખી એક પેઢી શ્રેષ્ઠ જીવન જીવવાની કળા ગીતાજીને બદલે ગુગલ પાસે શોધી રહી છે. સાવ મફતમાં મળેલા ‘મહાભારત’ ગ્રંથમાંથી આપણે કશું શીખ્યા નથી. તેથી હવે આપણે મોટીવેશનલ ટ્રેનરોની તોતિંગ ફી ભરીને સેમીનારમાંથી શીખવાનું વધ્યું છે. મજાની વાત એ છે કે ત્યાં જરા જૂદી રીતે પણ સિધ્ધાંત તો ગીતાજીના જ શીખવાના છે.

બસ એ જ રીતે એકવાર શુદ્ધ હૃદયથી ગીતાજી સાથે જોડાઈ જાવ પછી જગતના જોડાણ કે ભંગાણની બહુ ચિંતા નહી રહે. કારણ નારાયણ એક માત્ર આ ગ્રંથમાં ગર્જના કરીને કહે છે કે ‘હું સ્વયં પરમાત્મા તને કહું છું કે તું ફળની ચિંતા છોડી કર્તવ્યબુદ્ધિથી કર્મ કર’ (ભ.ગી. 2/47)

અહી અવતાર રૂપે અવતરેલા ક્રિષ્ન એમ નથી કહેતા કે હું કોઈની કૃપાથી આ તને કહું છું કે હું પરમાત્માનો સંદેશવાહક છું કે ઈશ્વરનો દિકરો છું...! વિગેરે વિગેરે...!

સ્પ્રાઈટની પેલી જાહેરાતનું સ્લોગન યાદ છે ને ‘સીધી બાત નો બકવાસ.’ ગીતાજીમાં ભગવાને સ્વમુખે ઉચ્ચારેલા સાડા પાંચસો શ્લોકમાં નારાયણ પણ કૈંક આવું જ કહે છે. પરમાત્માની આ સ્ટ્રેટ ફોરવર્ડનેસ હૃદયને સ્પર્શે એવી છે. તમામ વચેટીયા એજન્ટોને V.R.S. આપી અહી ભગવાન જ ભક્તની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. એટલું જ નહી ધાર્મિક ઉપદેશો માટે આપણાં સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ભગવાનનું નામ લેવું કે ભક્તિ કરવી – આધ્યાત્મિક થવું એટલે બીજા બધા કામ છોડી અને મંદિરના કે ઘરના કોઈ ખૂણામાં માળા લઇને બેસી જવું. જવાબદારીમાંથી નિષ્ક્રીય થઈને હરિમાં સક્રિય થવાનું અહી નારાયણ શીખવતા નથી. ઉલ્ટાનું ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ કહીને નારાયણ અહી પાર્થને ગાંડીવ પકડાવે છે. હિંમતભેર લડાવે છે અને આખી જંગ જીતાવે છે.

યુધ્ધના મેદાનમાં યુધ્ધનીતિ સિવાયની આટલી લાંબી ચર્ચા ચાલી હશે એવો પણ કદાચ આ પ્રથમ અને અંતિમ કિસ્સો હશે.

અર્જુન આપણાં સૌનું પ્રતિનિધિત્વ કરે છે. અર્જુનના જીવનમાં બની હતી એવી તો અઢળક ઘટનાઓ આપણાં જીવનમાં પણ બને જ છે. કોઈ અંગત સગા કે મિત્ર વિશ્વાસઘાત કરી જાય છે, કોઈનું પોતાનું કે સ્વજનનું જાહેરમાં ભયંકર અપમાન કરી જાય છે, કોઈનો પોતાનો હક્ક અને અધિકાર છીનવાઈ જાય છે, સક્ષમ સામર્થ્ય હોવા છતાં કોઈ હતાશ અને નિરાશ થઇ જાય. ઉલ્ટાનું ટેકનોલોજી વધતા ‘ટેકનોદુઃખ’ વધ્યા છે.

દોસ્તો, આપણે વિચારવાનું એ કે એવા સમયે અર્જુન પર મોહની પક્કડ કેટલી મજબુત હશે ? સ્વયં નારાયણ સ્વદેહે જેના સારથી બની અને ત્રણ થી ચાર ફૂટના અંતરે ઉભા છે. તેમ છતાં અર્જુનને મોહ ઘેરી વળે છે. અર્જુન વિષાદયોગનો અભ્યાસ કરજો અર્જુનના પ્રશ્નો સાંભળી પ્રભુ મંદ મંદ મલકતા વચનો કહે છે. (ભ. ગી. 2/10)

વિચારજો સજ્જનો ! આપણી પાસે તો નારાયણની માત્ર મૂર્તિ છે. તેના વાંગ્મય સ્વરૂપે શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોક છે. આપણે મોહથી છૂટવા કેટલી મથામણ કરવી પડશે ? નારાયણે કહ્યું કે, ‘હે અર્જુન તું યુધ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો !’ (ભ. ગી. 2/25) અને અર્જુને કૌરવોને બદલે પોતાના સગા સ્નેહીઓને જોયા !

સાડા પાંચ હઝાર વર્ષ પછી પણ આ લોચો તો યથાવત છે. યુવાન દિકરા દિકરીને માતાપિતા કહે છે કાંઈ ! અને તે સમજે છે કાંઈ ! શિક્ષક કે સદ્ગુરુ કહે છે કાંઈ અને શિષ્ય સમજે છે કાંઈ ! નારાયણે કહ્યું ત્યારે અર્જુને કાંઈ હાથી – ઘોડા કે આકાશમાં વિહરતા ચકલા નથી જોયા. કૌરવોને જ જોયા છે પરંતુ નારાયણની નજરથી નથી જોયા પોતાની અલ્પમતિથી જોયા એમાં પ્રોબ્લેમ થયો. ગીતાજીની બીટવીન ધ લાઈન્સ જો સમજાય તો બનવારીને ભજી શકાય. જેના માટે કોઈ સદ્ગુરુ, વિદ્વાન કે ગીતાપાઠીની આવશ્યકતા રહે છે.

બાકી જેની સમગ્ર આર્યવ્રતમાં આણ વર્તાતી હોય, એવા શ્રેષ્ઠ ક્ષત્રિયનું યુધ્ધ ટાણે ગળુ સુકાય ? એ વ્યક્તિ યુધ્ધ કરતા પહેલા જ મનથી યુધ્ધ હારી જાય ? આ સાવ અશક્ય લાગતી વાત વેદવ્યાસજી આપણને નાનકડી કથા દ્વારા સમજાવે છે કે જીવનમાં જ્યારે પણ સત્ય કે ધર્મ માટેનું કોઈ મહાયુધ્ધ આદરશો એટલે કન્ફયુઝન તો આવશે જ ! કન્ફયુઝનને ફ્યુઝન બનાવે એ જ ક્રિષ્ન !

ગેઝેટ્સ ગેરઉપયોગ કે અતિરેકને લીધે કેટલાય જીગરીયાવના જીવન ઝેર બની ગયા છે. વિષાદયોગ કરતા આપણે વિનાશયોગ તરફ ઝડપભેર ધસી રહ્યા છીએ. સવલતોએ મુસીબતોની હારમાળા ખડકી દીધી છે. ગેઝેટથી ગોવિંદ તરફની યાત્રા શરુ કરીએ. ટેકનોલોજી ખુબ સારી છે. જરૂરી પણ છે. પરંતુ તેનો વિવેકસભરનો ઉપયોગ ત્રિકમરાયની કૃપા વગર શક્ય નથી.

આવો, ગીતાજીને જીવનમાં ડાઉનલોડ કરીશું તો જીવન અપલીફ્ટ થઇ જશે. ગીતાજીના શ્લોકની બારી ખખડાવવા માટે હાથ તો લંબાવો. શામળીયો આપણી રાહ જોઇને બેઠો છે. શામળીયાને સબસ્ક્રાઈબ કરીશું તો ફાયદામાં રહેશું. શું કયો છો ?



#Shreemad BhagvadGeeta Jayanti #