તારીખ 31 ડિસેમ્બર, 2019 ના રોજ ચીન દ્વારા WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) ને જણાવવામાં આવ્યું કે વુહાન શહેરમાં કેટલાક ન્યુમોનિયાના કેસ નોંધાયા છે જેની પાછળનાં કારણો જાણી શકાયા નથી. તારીખ 09 જાન્યુઆરી, 2020 ના રોજ WHO દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે ચકાસણીમાં નવા કોરોના વાઇરસ મળી આવ્યો છે. ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે રોજે રોજ કેટલા નવા પોસિટિવ કેસ વિશ્વમાં નોંધાઈ રહ્યા છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે. આ મહામારીનો ભોગ ભારત પણ બન્યું છે. ભારતમાં પણ હાલની સ્થિતિએ જોતાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.

કોરોના વાઇરસને અટકાવવા અને તેના સામે લડત લડવા માટે અસરગ્રસ્ત દેશોમાં મોટાભાગની સરકારે લોકડાઉન જાહેર કરેલ છે, કારણ કે આ વાઇરસના સંક્રમણને રોકવાનો હાલ બીજો કોઈ ઉપાય નથી. તેથી "ઘરમાં રહો, સુરક્ષિત રહો" આ મંત્ર સાથે ભારત સરકાર પણ દેશવાસીઓને અનુરોધ કરે છે.

લોકડાઉન દરમ્યાન લોકો જ્યારે એક જ ઘરમાં ભેગા છે ત્યારે ઘરના સભ્યોએ ખૂબ સમાયોજન કરવું પડે છે. એકબાજુ લોકોને કોરોનાનો ભય સતાવે છે તો બીજીબાજુ ઘરમાં રહીને માનસિક રીતે સંઘર્ષો થાય છે. આ પરિસ્થિતિમાં લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ અસરો થતી હોય છે. આ બાબતને ધ્યાને રાખી ઘણી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ તથા સરકારે મનોવૈજ્ઞાનિક સલાહ મેળવવા માટે હેલ્પલાઇન ચાલુ કરી છે.

આ પરિસ્થિતી જોતાં અમારી સંસ્થાના મનોવિજ્ઞાન વિભાગને પણ અમે આ સેવામાં જોડવા માંગીએ છીએ. તે સંદર્ભમાં "મનોસેવા" નામનું વેબપેજ તૈયાર કર્યું છે જેમાં, તમે કોરોના વિષે જાણી શકશો તે ઉપરાંત તમારું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી શકશો કે જેમાં તમારી હાલની મનોવૈજ્ઞાનિક સ્થિતિ શું છે અને તમારે તેની સામે શું ઉપાયો કરવા જોઈએ વગેરેની માહિતી, સામાન્ય રીતે લોકડાઉન દરમ્યાન સતત ઘરમાં રહીને ઊભા થતાં માનસિક તણાવ અને સંઘર્ષો સામે શું ઉપાયો કરી શકાય તેની માહિતી અને ઓનલાઈન સલાહની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ હેલ્પલાઇન તરીકે પણ મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપકો અને સિનિયર વિધ્યાર્થીઓના મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરીને આપ મનોવૈજ્ઞાનિક સલાહ મેળવી શકશો.

આ સેવા ઉપલબ્ધ કરવામાં કોલેજના આચાર્યશ્રી ડૉ. એલ. એસ. પટેલ, મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષશ્રી પ્રો. સી. એસ. પટેલ તથા અધ્યાપકોમાં ડૉ. યુ. જે ગોસ્વામી, ડૉ. પી. ડી. રાવ, સલાહકાર વી. કે. પ્રજાપતિ અને વિદ્યાર્થી તરીકે શ્રવણ ખારાણી એ ખૂબ જ સહયોગ કર્યો છે.