નવા જમાના ના નવા સાધનો નો ઉપયોગ જીવન ને બહેતર બનાવવામાં થવો જોઈએ.આજના સમયમાં કુંડલી મેળાપક ને સ્થાને સ્વભાવ અને માનસિક વૃત્તિઓ વગેરે કેટલા પુરક છે તે તપાસવા કોઈ મનો-ચિકિત્સક ની સલાહ લેવામાં આવે તો કદાચ વધુ આવકારદાયક ગણી શકાય.

કુંડળી મેળાપક ને સ્થાને હવે એચઆઈવી રીપોર્ટ કે આપસમાં વિરોધી આર એચ ફેક્ટર તો નથી આવતું તે માટે તબીબી સલાહ લેવામાં આવે તે વધુ ઇચ્છનીય છે.

જ્યોતિષ શાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન નથી. આબાબત ને સ્વીકારવા જેટલી ખેલદિલી આપણા માં હોવી જોઈએ. વધારામાં આજે જે નિયમો અને સિદ્ધાંતો નો ઉપયોગ જ્યોતિષીઓ કરેછે તે જુના જમાનાના, જે તે સમાજ ને અનુરૂપ નિયમો છે. આજે સમય બદલાયા પછી જ્યોતિષ માં સંશોધન ખુબ જુજ પ્રમાણ માં થયુંછે તેથી નવી પરીસ્થીમાં જુના નિયમો અર્થહીન બને તે સમજી શકાય તેવું છે. આવા અપૂર્ણ શાસ્ત્ર ને આધારે અન્યથા એક બીજા માટે સુયોગ્ય ઉમેદવારો ની જોડી નકારી કાઢવી એ હતોસ્તાહ કરનારી બાબત જ ગણાય. જેઓ એક બીજા ને ઠીક ઠીક સમયથી રૂબરૂ મળી ઓળખતા હોય તેવા યુગલો ને જે નરી આંખે દેખાતા પણ નથી તેવા ગ્રહો ને આધીન એવા અપૂર્ણ શાસ્ત્ર ના નિયમો ને આધારે મુલવણી કરવી તે સમજદારી નથી.

લગ્ન જીવન માટે એક બીજા માટે પરસ્પર સારું આકર્ષણ રહે તે મહત્વનું છે. બંને સાથે ઉભારહે તો એક સારું કપલ લાગે, શારીરિક કદ, વર્ણ એટલે કે શરીર નો રંગ વગેરે મહત્વની બાબતો છે. અભ્યાસ થી વ્યક્તિત્વ ખીલે છે અને તેના પસંદગી નું એક ધોરણ બંધાયછે. જે વાતાવરણ માં વ્યક્તિ નો ઉછેર થાય છે તેનાથી તેની એક જીવન શૈલી ઘડાય છે. આ સર્વ બાબતો નો મેળ સફળ દામ્પત્ય જીવન માટે જરૂરી છે. આનાથી ઉલટું - કુંડલી મેળાપક માં મુખ્યત્વે માત્ર ચંદ્ર ને જ પ્રાધાન્ય અપાયું છે. ચંદ્ર એ મન છે અને કોઈ પણ સંબંધ માં મન નું મહત્વ છે જ તેમ છતાં માત્ર મેળાપક ના અભાવ માં બીજી બાબતો ને અવગણી ને સંબંધ ને રીજેક્ટ કરી કાઢવો તે બિલકુલ ખોટુ છે.

એવા અસંખ્ય કિસ્સા છે કે જેમના લગ્ન કુંડળી મેળાપક ના ઉચ્ચ ગુણ ને આધારે ગોઠવાયા હોય અને પછી સાવ કજોડું સાબિત થયું હોય. રોજ લડતા હોય કે છૂટાછેડા થયા હોય.

નાડીદોષ શું અંતિમ કસોટી છે ?

લગ્નવાંછું યુવક-યુવતીઓ ને લગ્ન નક્કી કરતા પહેલા અને પરણેલા યુગલોને લગ્ન પછી જ્યારે દામ્પત્ય જીવન ને સ્પર્શતી કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે જ્યોતિષીઓ નાડીદોષ ને જવાબદાર ગણે છે. ખરેખરતો અષ્ટકૂટ માં સમાન નાડીદોષ ને માત્ર ઉચ્ચ વર્ણના લોકો માટે જ અસ્વીકાર્ય ગણવામાં આવતું પણ હવે જેમ જેમ જ્યોતિષ પ્રસાર વધતો જાયછે તેમ તેમ દરેક વર્ગના માણસો માટે આ દોષ લાગુ કરવામાં આવે છે.

નાડી દોષનો સિદ્ધાંત જ્યોતિષ અને આયુર્વેદના સંબંધની નિશાની છે. પહેલાના સમયમાં દરેક વૈદ જ્યોતિષનો પણ અભ્યાસુ હતા. જ્યારે દર્દી વૈદ પાસે જાય તે સમયે દરદ ને પારખવા કેટલાક પ્રશ્નો પુછવામાં આવતા - રોગના લક્ષણો કયા નક્ષત્ર સમયે દિખાયા તથા રોગી કયા નક્ષત્રમાં ઈલાજ માટે આવ્યો તે જાણી લઇ રોગ વિષે નિદાન કરવામાં આવતું. સાથે સાથે રોગીના કાંડા પાસે રક્તવાહિનીની ચાલ ઉપરથી તેના શરીરની પ્રકૃતિ વિષે ક્યાસ કાઢવામાં આવતો. આ સમયને નાડી અને પૂરી પ્રક્રિયા ને નાડી પરીક્ષા કહેવામાં આવતું. નાડી પરીક્ષણ માં વાત, કફ કે પિત્ત એ ત્રણ માંથી કયા ગુણના પ્રમાણ માં વિકાર ઉત્પન્ન થયો છે એટલે કે ' ત્રિદોષ ' જાણવામાં આવતું. હવે જ્યારે લગ્ન મેળાપક નો સિદ્ધાંત બન્યો ત્યારે સ્ત્રી-પુરુષ ની સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા વિષે ક્યાસ કાઢવાનો જે માર્ગ જ્યોતિષીઓએ નક્કી કર્યો તેમાં આ ત્રિદોષ નો સમાવેશ થયો. અને આયુર્વેદમાં આ પરીક્ષણ ને નાડી તરીકે ઓળખાતી તેથી તેજ નામ જ્યોતિષ માં પણ સ્વીકારવા માં આવ્યું.

આમ કુંડળી મેળાપકમાં નાડી એટલે ચંદ્રના નક્ષત્રને આધારે વરવધુ ના ત્રિદોષ ને આપસમાં મૂકી તેમના સંયોગ ને તપાસવો કે ક્યાંક બંને એકજ તત્વના વિકાર વાળા તો નથી? જો બંને ના શરીર એક સરખા ત્રિદોષ વાળા હોય તો જે ગર્ભ રચાય તેમાં તે ગુણ ખુબ વધુ પ્રમાણમાં વકરે અને ગર્ભના વિકાસમાં અવરોધ થઇ શકે.

હવે સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ચકાસવાની વધુ વૈજ્ઞાનિક રીત વિકસી ચુકી છે ત્યારે માત્ર ચંદ્ર ને આધારે નાડી જોઈ ફેંસલો કરવાનું યોગ્ય નથી. વળી ત્રિદોષ બાબતે પણ જ્યોતિષી કરતા આયુર્વેદના નિષ્ણાત વૈદની મદદ લેવી વધુ યોગ્ય ગણાય.

જેમને સંતતિ નથી તેવા દંપતી પણ જો જ્યોતિષની મદદથી તપાસ કરાવતા માલુમ પડે કે તેઓ વચ્ચે નાડી દોષ છે તો તેમણે આયુર્વેદ ની મદદથી પોતાના ખાન-પાન, રહેણી કરણી, તથા સ્વભાવમાં યોગ્ય ફેરફાર કરી લાભ મેળવી શકે છે. મને લાગેછે કે શરીરના દોષના ઈલાજ માટે જ્યોતિષ કરતા આયુર્વેદની સહાય લેવી વધુ ઉચિત ગણાય.

જ્યારે લગ્ન માટે મેળાપક જોતા હોઈએ ત્યારે પણ જ્યોતિષીએ નાડી દોષ કહ્યો એટલે પૂર્ણવિરામ મુકવાને બદલે જો દેખાવ, કાળ, વર્ણ, અભ્યાસ, જીવનશૈલી વગેરે બીજી બાબતોમાં છોકરા છોકરી એક બીજા માટે સુયોગ્ય હોય તો આયુર્વેદિક ઉપાય કરવાની તૈયારીથી આગળ વધવું જોઈએ. જેમને જ્યોતિષની રીતે નાડીદોષ ન હોય તેવા પણ ઘણા યુગલોને સંતતિ નથી હોતી તો બીજી બાજુ નાડીદોષ હોય છતાં સંતાન સુખ સારું મળે તેવા કિસ્સા પણ જોવા મળે છે.

મંગળદોષ ની યથાર્થતા

કુંડલી મેળાપક વખતે મંગળદોષ જોવામાં આવે છે. મંગળને ભૂમિ, સૈનિક, ઉર્જા, હિંમત, શક્તિ, સ્વાભિમાન, આખાબોલાપણું, જુસ્સો વગેરે સાથે સાંકળવામાં આવેછે. જ્યારે આપણે જુના જમાનાના સમાજ જીવનને તપાસીએ ત્યારે જોવા મળે છે કે એ સમય માં લડાઈઓ ઘણી થતી અને તેમાં લડવામાં જુસ્સા વાળા અને લડાયક વૃત્તિ વાળા લોકો (માંગલિક) વધુ જતા. લડાઈ માં માણસો મોટી સંખ્યા માં શહીદ થતા. તેથી જેમનો મંગલ વધુ અસરકારક હોય તેવા વ્યક્તિને લગ્ન માટે સારા ઉમેદવાર ગણવામાં આવતા ન હતા તે જે તે જમાના માટે બરાબર હતું પરંતુ આજે તે બરાબર નથી. હવે સલામતી અને રોગ સામે રક્ષણ આપતી દવાઓ અને બહેતર સુઘડતા અને જીવન ધોરણ ને કારણે સરેરાશ આયુષ લાંબુ થયું છે. તેથી અકાળ અવસાન ની શક્યતાઓ ઘટતા યુવાન વયે વૈધવ્ય નું પ્રમાણ પણ ઘટ્યું છે. બીજી તરફ પુન:લગ્ન માટે સમાજ માં કુણું વલણ સ્થાપિત થઇ રહ્યુંછે.

વળી ખેતીપ્રધાન સમાજના પુરુષ નો અહં મંગલના ઉપર જણાવેલ ગુણો વાળી પત્ની ને કારણે ઘવાય તે સ્વાભાવિક હતું. પરંતુ હવે જમાનો બદલાયો છે એન્જીન્યરીંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ અભ્યાસક્રમ સશક્ત મંગલ વગરની છોકરીઓ કરીશકે તે શક્ય નથી. બીજી તરફ પુરુષો હવે રસોઈ માં પણ પત્નીને મદદ કરતા થયા છે. હવેની છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓને ટક્કર આપેછે ત્યારે માંગલિક દોષ જોવાની વાતને ફેરવિચારણા કરવાની જરૂરત છે.

આ સર્વ બાબતો ની સમીક્ષા કરતા હવે મેળાપક, નાડીદોષ તથા મંગળદોષ જેવી બાબતો નવેસરથી વિચાર કરવાની ખાસ જરૂર છે તેમ ની:સંદેહ કહી શકાય.