ભારતીય જ્યોતિષ જેને હવે આપણે વેદિક જ્યોતિષ પણ કહીએ છીએ - હું સન્માન કરુંછું અને સાથે સાથે તેમાં રહેલ તથ્યો ને તર્ક ની એરણ પર ચકાસુ છું. જ્યાં તાર્કિક આધાર ની ઉણપ વર્તાય ત્યાં તેનો સ્વીકાર કરવા નું મુલતવી રાખુછું

મને મારા અંગત અનુભવમાં એમ જણાયું છે કે ભારતીય જ્યોતિષ જે સ્વરૂપમાં આજે પ્રચલિત છે તેને ' વેદ ની આંખ ' કહી શકાય તેમ નથી આજે આ શાસ્ત્રનો ઉપયોગ આધ્યાત્મિક ને બદલે ભૌતિક જીવન ના પ્રશ્નો ના ઉકેલ મેળવવા થઇ રહ્યો છે. જોકે તેમાં જ્યોતિષીઓ ની લાલચ કરતા યુગ-પરિવર્તન વધુ જવાબદાર છે. આ પરિપેક્ષ માં આધ્યાત્મિક નિયમો ને ભૌતિક હેતુઓ માટે ઉપયોગી બનાવવા જરૂરી રૂપાંતર કરવા બદલ કલિયુગ નાં જ્યોતિષીઓ ને આપણે જ્યારે બિરદાવીએ ત્યારે તેઓ આ રૂપાંતર પ્રક્રિયા માં જડતા કે 'લાકડે માકડું' વળગાડવા ની વૃત્તિ ને શરણે ન થઇ જાય તેટલી જાગૃતિ દાખવે તેવી અપેક્ષા રાખવી અસ્થાને નહી લેખાય. આપણી સંસ્કૃતિ ની મહાનતા વિષે બે મત નથી પરંતુ તેમાં રહેલ મર્યાદાઓને પણ શોભા ગણવાનું ઉચિત નથી. ઋષિ-મુનીઓ ના વારસા માં કશુંય ઉમેર્યા વિના માત્ર તેના દંભ ને પોષતા રહેવાથી આપણે જે સંસ્કૃતિ નું નિર્માણ કરીશું તે આપણને અવનીતી ની દિશા માં લઇ જનારી હશે.

આપણે એ વાત સ્વીકારવી પડશે કે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વિસંગતતાઓ છે.જ્યાં સુધી આપણે જ્યોતિષ નાં નિયમોને તર્કસંગત નહિ બનાવીએ ત્યાં સુધી આપણે તેને 'વિજ્ઞાન' હોવાનું ગૌરવ અપાવી શકીશું નહિ. ત્યાં સુધી સમાજના પ્રબુદ્ધ્ વર્ગની માન્યતા મેળવી શકીશું નહીં.

મારા વર્ષો ના અભ્યાસ અને સંશોધન દરમ્યાન જ્યોતિષ શાસ્ત્ર ની મર્યાદાઓ અને તેના કારણો વિષે મેં અનુભવ્યું છે કે પ્રાચીન શાસ્ત્રો ની પ્રસ્તુતિ સૂત્રબદ્ધ છે. શાસ્ત્રો નાં દ્રષ્ટાઓએ સુત્રો ની રચના જે તે કાળના તેમના અનુયાયી શિષ્યો ની બુદ્ધિમત્તા અનુસાર કરી છે. સંસ્કૃત ભાષાની ગહેરાઈ એ જ્યોતિષ શાસ્ત્રની ગૂઢતામાં વધારો કરેલ છે. વળી તે સમયે મુદ્રણ કે પુસ્તક ની વ્યવસ્થા ન હતી. આ પરિસ્થિતિ માં સહેલાઈથી મુખપાઠ કરી શકાય તે રીતે વિષય નું નિરૂપણ થાય તે સ્વાભાવિક માની શકાય. આ ઉપરાન્ત, શાસ્ત્ર ને અસુરો, મલેચ્છો અને કુપાત્રો ના હાથમાં જતા રોકવાના હેતુથી પણ સુત્રો ની રચના અટપટી કરવામાં આવતી. પ્રાચીન શાસ્ત્રોની રચના ની આ ખાસ વિશિષ્ટતાઓ જ આજે તેની મર્યાદાઓ ઉભી કરવામાં મોટો ભાગ ભજવે છે.