સુખની શોધમાં

સુખની શોધમાં કોણ નથી ? તમે, હું અને સૌ કોઈ સુખની ઝંખનામાં જીવીએ છીએ. પરંતુ એ હકીકત છે કે દરેક વ્યક્તિ સુખની વ્યાખ્યા પોત પોતાની રીતે કરે છે. એક ને ધન કમાવાથી સુખ મળે છે તો બીજાને ધન ખર્ચવાથી સુખ મળેછે. એક સાધન સંગ્રહ કરી ખુશ થાય છે તો બીજો અલગારી પોતાની પાસે જે છે તેને બીજા જરૂરતમંદને આપીને મસ્ત રહે છે. કોઈ ઇન્દ્રિય આનંદનો પીછો કરેછે તો કોઈ અગમ નિગમ અને આધ્યાત્મમાં ડૂબીને ભવસાગર તરી જવાની ધૂન માં રમમાણ છે.

અંગ્રેજીમાં પ્લેઝર (Pleasure) અને જોય (Joy) નો ભેદ છે. પ્લેઝર એટલે ઈન્દ્રિયસુખ છે જ્યારે ઇન્દ્રિય કોઈ રીતે સંકળાએલ ન હોય અને તેમ છતાં સુખની લાગણી થાય તેને જોય કહે છે.

સુખને કોઈ પણ આયામ થી તપાસીએ છેવટે તો એક મન નો વિષય છે. કોણ સુખ માટે કયો રસ્તો અપનાવશે અને કેટલું સુખ મેળવી શકશે તેનો અણસાર જ્યોતિષના આધારે શોધવો હોય તો કુંડળીમાં ચંદ્ર નું બળાબળ બે રીતે મહત્વનું બની જાય છે. એક તો ચંદ્ર પોતે ચતુર્થ સ્થાન જેને સુખસ્થાન કહેવાય છે તેનો કારક છે અને બીજું કે ચંદ્ર મન નો ઘોતક છે.

ગમે તેટલી સાધન સંપતિ હોય, સત્તા હોય પરંતુ માણસનું મન તેને માણવા માટે સક્ષમ ન હોય તો એવો માણસ બીજાઓની નજરમાં ઈર્ષા તો જગાવી શકે પરંતુ પોતે સુખ નો અનુભવ કરી શકે નહિ. કહે છે ને "ગો ધન, ગજ ધન, બાજી ધન, ઔર રતન ધન ખાન; જબ આવે સંતોષ ધન, સબ ધન ધુરી સમાન..!

કુંડળીમાંચતુર્થ સ્થાન ને સુખ સ્થાન ગણવામાં આવેછે - ચતુર્થ સ્થાન માં જમીન મકાન જેવી ભૌતિક સંપતિ પણ જોવામાં આવે છે તે રીતે જોઈએ તો ચોથા સ્થાન થી જોવાતું સુખ મહદઅંશે ભૌતિક આરામના સાધનોમાંથી મળતું સુખ હોય છે.

પાંચમું સ્થાન રમત ગમત, પ્રણય, કળા-કારીગીરી, સર્જન, ઉચ્ચ બુદ્ધિમત્તા અને ઉપાસના નું સ્થાન છે તેથી જ્યારે પંચમેશ અનુકુળ હોય અને પાંચમાં સ્થાન સાથે શુભ ચંદ્રનો સંબંધ થતો હોય ત્યારે જે તે બાબતોમાંથી જાતક ને સુખનો અનુભવ સાંપડે છે.

સાતમું સ્થાન દામ્પત્ય સુખ નું ઘોતક છે તેથી જ્યારે ચંદ્ર અને શુક્ર તેની સાથે સુયોગ કરે ત્યારે વ્યક્તિ સુખી દામ્પત્ય જીવન ભોગવે છે.

નવમું સ્થાન ધર્મ સ્થાન છે તેથી જ્યારે તેની સાથે ચંદ્ર તથા ગુરુ જેવા ગ્રહ યોગ કરે ત્યારે જાતક ધાર્મિક કર્મ-કાંડ તથા તીર્થ જાત્રા વગેરે નું સુખ મેળવી શકે છે.

દસમું સ્થાન કર્મ સ્થાન કહેવાય છે તેથી જ્યારે દસમાં સ્થાન નો સ્વામી અનુકુળ હોય અને ચંદ્ર તેમાં સામેલ થતો હોય ત્યારે કર્મમાંથી સંતોષનું સુખ મળે છે.

અગિયારમું સ્થાન લાભ સ્થાન છે અને વ્યક્તિની મહત્વાકાંક્ષાઓની પૂર્તિ દર્શાવે છે. આમ જ્યારે ચંદ્ર અને ગુરુ મંગળ જેવા ગ્રહો તેની સાથે યોગ કરે ત્યારે વ્યક્તિ ની ઈચ્છા યોજના વગેરે ની પરિપૂર્તિ માંથી સુખ નો અનુભવ થાય છે.

૬, ૮ અને ૧૨મુ સ્થાન ત્રિક-સ્થાન કે ખાડાના સ્થાન ગણાયછે. આ સ્થાનો ના સ્વામીઓ જ્યારે પરિવર્તન માં હોય ત્યારે વિપરીત રાજ યોગ સર્જાય છે. અહી દુખ કે અભાવના ઘોતક ગ્રહોની કમજોરી દુખ ની ન્યુનતામાંથી પરોક્ષ રીતે સુખનું નિર્માણ કરે છે. જ્યારે ચંદ્ર આ સ્થાનો સાથે યોગ કરે છે ત્યારે જાતક અન્યની લીટી નાની કરે પોતાની લીટી ને મોટી બતાવી ખુશ થાય છે.

ચંદ્ર અને જુદી જુદી બાબતોના નિર્દેશક ગ્રહોના યોગ ને આધારે જે તે બાબતોનું સુખ મેળવવા જાતક પ્રયત્નશીલ બને છે. જેમ કે શુક્ર સાથે રહીને ભૌતિક ઈન્દ્રિયગમ્ય સુખ, ગુરુ સાથે રહીને જ્ઞાન કે ધર્મ, મંગળ સાથે રહીને જમીન મકાન, બુધ સાથે વક્તૃત્વ, સુર્ય સાથે સત્તા, શનિ સાથે પરીશ્રમ અને કર્મ વગેરે.

જો કે જે તે બાબતો માટે પ્રયત્નશીલ રહ્યા પછી તેમાંથી જાતક કેટલું સુખ મેળવશે તે તો ચંદ્રનું બળ અને શુભતા કેટલી છે તેના આધારે નક્કી થાય છે.

પોતાની સ્વરાશિમાં તથા ઉચ્ચ રાશિમાં એટલે કે કર્ક અને વૃષભ રાશિમાં ચંદ્ર સારો ગણાય છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો ગણાય છે. આ ઉપરાંત શુક્લ પક્ષનો ચંદ્ર બળવાન તથા કૃષ્ણ પક્ષનો ચંદ્ર કમજોર ગણાય છે.

શનિ ની અસર ચંદ્રને પ્રતિકુળ બનાવે છે. જેમના ચંદ્ર પર શનિ ની અસર હોય તેવા જાતકો ચિંતાખોર અને નિરાશાવાદી હોવાથી બીજા શુભ ગ્રહોથી મળતું સુખ પૂરી રીતે માણી શકતા નથી. જો કે તુલાનો શનિ ચંદ્ર સાથે સંબંધ કરતો હોય તો વ્યક્તિ ને આધ્યાત્મિક વિષયોમાં પ્રેરે છે અને ભૌતિક અભાવો હોય છતાં નિજાનંદની મસ્તી અપાવે તેવું જોવા મળે છે.

ઉચ્ચનો ચંદ્ર અને ઉચ્ચ નો શુક્રનો યોગ જાતક ને રોમાન્ટિક બનાવે અને મોટી ઉંમરે ઉચ્ચ કોટીની ભક્તિ અને ઈશ્વર પ્રણીધાન માટે અનુકુળ બને છે.