કાલસર્પ યોગ ની માયાજાળ

આજ કાલ ઈન્ટરનેટ પર, ટીવી, દૈનિક પત્રોમાં જ્યાં જુઓ ત્યાં જ્યોતિષ વિષયક પ્રોગ્રામ અને લેખોની ભરમાર જોવા મળે છે. જોકે ધ્યાનથી જોઈએ તો આ બધા ની પાછળ છ્મ વેશમાં લપાઈને બેઠેલ જાહેરાત પકડી શકાય. દર્શકો અને વાચકો જેઓને જ્યોતિષનું ખાસ જ્ઞાન નથી તેમને જાત જાતના દોષોના નામે ડરાવવાની ને પૈસા કાઢવી લેવાની તરકીબ અજમાવાય છે. આવા દોષો/યોગો માં કાલસર્પ યોગ, ગુરુ-ચંડાલ યોગ, માંગલિક દોષ, નાડી દોષ, શાપિત યોગ, પિતૃ દોષ, કેમદ્રુમ યોગ વગેરે મુખ્ય છે.

કાલસર્પ યોગનું નામ પડતા જ સાંભળનારના પગ નીચે થી ધરતી ખસી જાય તેટલો ભય જ્યોતિષીઓ એ ફેલાવ્યો છે. એક તરફ તો આપણા જ્યોતિષી ભાઈ જ્યોતિષના પ્રાચીન ગ્રંથોના સંદર્ભ લઇ પોતાની વિદ્વતા સાબિત કરવાનો એક પણ મોકો જતો કરવા તૈયાર હોતા નથી તો બીજી બાજુ ' કાલસર્પ યોગ ' બાબત જ્યોતિષ શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી તેવી દલીલ ને સિફત થી ટાળી જાય છે. હા એ સત્ય છે કે જ્યોતિષના પ્રાચીન ગ્રંથો માં કાલસર્પ યોગ વિષે કોઈ સંદર્ભ મળતો નથી. આટલે થી તેઓ અટક્યા નથી. તેમણે તો કાલસર્પ યોગના અનેક ઉપ-પ્રકાર ઉપજાવી કાઢ્યા છે જેથી કોઈ ને કોઈ બહાને વધુ ને વધુ લોકોને કાલસર્પ ની ભીંસ માં લઇ શકાય. સ્વાભાવિક છે કે જેટલા વધુ પ્રકાર તેટલા વધુ પીડિતો અને જેટલા વધુ પીડિતો તેટલા વધુ તેના દોષ નિવારણ ના ઉપાયો - તેટલી વધુ આવક..!

મારી www.astrosage.asia નામની જે અંગ્રેજી વેબસાઈટ છે જેમાં જ્યોતિષ વિષયક અનેક બાબતો પર મેં ચર્ચા કરી છે પરંતુ જ્યારે હું અનેલેટીક્સ રીપોર્ટ જોઉં છું તો નવાઈ લાગે છે કે સૌથી વધુ ક્લિક કાલસર્પ યોગ વિશેના પૃષ્ટ ઉપર જ આવે છે. હકીકત તો એ છે કે અહીં ની માફક જ ત્યા પણ મેં કાલસર્પ દોષ ની નીરર્થકતા જ સાબિત કરવા પ્રયાસ કર્યો છે.

જ્યારે જન્મ કુંડલી માં રાહુ અને કેતુ ની વચ્ચે બીજા બધા ગ્રહ આવી જતા હોય ત્યારે તેને કાલસર્પ દોષ નું નામ આપી અનેક પીડા મુસીબતોના સર્જક તરીકે ચિતરવામાં આવેછે. ખરે ખર તો રાહુ અને કેતુ કોઈ ભૌતિક પિંડ તો છેજ નહિ. પૃથ્વી ની ભ્રમણ કક્ષા ને જે બિંદુ ઉપર ચંદ્રની ભ્રમણ કક્ષા છેદે છે તે બિંદુ ને રાહુ અને તે બિંદુ થી બરાબર સામેના છેદન બિંદુ ને કેતુ કહેવામાં આવે છે.

હિંદુ માય્થોલોજીમાં રાહુ અને કેતુને દૈત્ય માનવામાં આવ્યાછે અને તેમને અનુક્રમે સર્પનું મસ્તક અને સર્પની પૂંછડી નું પ્રતીકાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે જ્યારે આ કાલ્પનિક બિંદુઓ એટલે કે રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બીજા ગ્રહો આવી જાય છે ત્યારે તેમને રાહુ ગળી ગયો છે તેમ માનવામાં આવે છે. આમ રાહુથી ગ્રસિત ગ્રહો નિર્બળ થઇ ફળ આપવા અસમર્થ થઇ જાયછે તેવો તર્ક આગળ કરી કાલસર્પ દોષ ની રચના થઇ હોવી જોઈએ. આ ક્લ્પનીક બિંદુઓ ને એટલું બળવાન ચિતરવામાં આવ્યુંછે કે આવા સંજોગોમાં રાજયોગ સર્જન કરનાર ગ્રહો પણ અસહાય થઇ લાભ આપવાના બદલે મુસીબતો ના ડુંગર ઉભા કરે છે. શું તમારી શુદ્ધ બુદ્ધિ આ ગોટાળો પચાવી શકશે ?

જેમને જ્યોતિષની સામાન્ય જાણકારી છે તેઓને ખબર છે કે બીજા ગ્રહો કુંડલી માં (એન્ટી ક્લોક વાઈઝ) ઘડિયાળના કાંટા ફરે છે તેનાથી ઉલટી દિશા માં આગળ વધે છે જ્યારે રાહુ અને કેતુની ગતિ ક્લોક વાઈઝ એટલે કે બીજા ગ્રહોની સરખામણી માં ઉંધી દિશામાં હોય છે. એટલે કે જો રાહુ (સર્પનું મસ્તક) મેષ રાશીમાં હોય તો તેની પૂંછડી એટલે કે કેતુ તુલા રાશી માં હોય અને તે બે ની વચ્ચે એટલે કે મેષ, વૃષભ, મિથુન...તુલા સુધીમાં આ તથાકથિત સર્પનું શરીર ગણી શકાય. જ્યારે બાકીની કુંડલી એટલે કે વૃશ્ચિક, ધનુ થી લઇ ને મીન સુધી ખાલી રહે છે. પરંતુ કાલસર્પ દોષ ના પ્રચારકો જો આ ચોખવટ માની લે તો અર્ધી કુંડલી આ ભ્રામક દોષ માંથી બાકાત થઇ જાય - તેઓ એટલે જ રાહુ કેતુ ની વચ્ચે બધા ગ્રહો આવી જવા બાબતે કઈ દિશા થી વચ્ચે એ બાબત ચોખવટ કરતા નથી. આમ એક વખત આપણે કાલસર્પ દોષ ને માની પણ લઈએ તો રાહુના શરીર બાબતની આ તાર્કિક છણાવટથી ૫૦ ટકા કેસ તેમાંથી બાકાત થઇ જાય છે.

પરંતુ તેઓએ તો ઉલટા ચોર કોતવાલ ને દાંટે તે ન્યાયે રાહુ કેતુ ની બહાર રહેતા કે વચ્ચે રહેતા જુદા જુદા ગ્રહોને આધારે સંપૂર્ણ, 'અપૂર્ણ, અર્ધ-કાલસર્પ, અનંત કાલસર્પ, કુલિક કાલસર્પ, વાસુકી કાલસર્પ, પદ્મ કાલસર્પ, મહા પદ્મ કાલસર્પ, તક્ષક કાલસર્પ, શંખચૂડ કાલસર્પ, કર્તન્ટક કાલસર્પ, વિષધર કાલસર્પ, ઘાતક કાલસર્પ, શેષનાગ કાલસર્પ, કુલિક કાલસર્પ વગેરે જેવા અનેક પેટા દોષો ઉપજાવી કાઢ્યા છે. અહી જોઈ શકાય છે કે આપણા પુરાણોમાં જેટલા નાગના નામ આવે છે તે બધાનો ઉપયોગ કરી કાલસર્પ યોગો બનાવી દેવામાં આવેલ છે. અહીં એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આબધા નામ આપી આ જ્યોતિષીઓ જે તે યોગોને પુરાણ કાલીન હોય તેવો ભાસ ઉભોકરી લોકો ને ડરાવવાની કોઈ તક છોડવા માગતા નથી.

બીજી બાજુ અપણા દેશની કેટલીક વિખ્યાત વ્યક્તિઓના દાખલા પણ છે જેમની કુંડળી માં આ તથાકથિત યોગ હતો અને તેમનું જીવન આપણી નજર સમક્ષ છે.. આવા વ્યક્તિઓ માં : મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, પ્રો.અમર્ત્ય સેન, લતા મંગેશકર, સચિન તેન્દુલકર, રૂશીકેશ મુખરજી, ધીરુભાઈ અંબાની વગેરે . હવે એક સવાલ તો થવો જ જોઈએ કે જો આ યોગ જ્યોતિષીઓ કહેછે તેટલો ભયંકર હોત તો આ બધી વ્યક્તિઓ જીવનમાં આટલા સફળ કેવી રીતે થઇ શક્યા? પણ ચીલા-ચાલુ જ્યોતિષી તમને આ બાબત ચોખવટ કરવા માગતા નથી અને તમે જ્યારે મુશ્કેલી માં હોવ ત્યારે 'ડૂબતો તરણું પકડે' તે ન્યાયે તમે તેની વાતોમાં આવી જાઓ છો.

તો આપણે એ નિશ્ચયે આવી શકીએ કે કાલસર્પ યોગ થી ગભરાવાની જરાય જરૂર નથી.

જો જો પાછા તમે તમારી કુંડળી માં કાલસર્પ યોગ છે કે કેમ ? તેવો પ્રશ્ન મને પૂછી ના બેસતા..!!