IT's Belongs To www.edumatireals.in
‘આવકાર’ વિશે થોડુંક....
ભારતીય શિક્ષણની ક્ષિતિજો ફરી એક વાર જ્ઞાનના સામર્થ્યથી વિસ્તરી રહી છે ત્યારે ઉના તાલુકામાં અમારા શિક્ષક મિત્રો કોઈને કોઈ, કંઈને કંઈ શિક્ષણનું નવું કાર્ય કરી રહ્યા છે, જે આવનારા વર્ષોમાં સમાજ, શિક્ષણ અને બાળકોને કામ લાગવાનું છે. આવી નવ્ય પ્રવૃત્તિઓ ન માત્ર ઉના કે જુનાગઢ પૂરતી સિમિત રહે પરંતુ ગુજરાતભરમાં અને ગુજરાતી વાંચતા વિશ્વમાં વિસ્તરે તે અંર્ગત જ થોડાંક શિક્ષક મિત્રો મળીને એક ઈ-મેગેઝિન લાવી રહ્યા છીએ. જેથી કરીને આ પ્રવૃત્તિ અમારા થોડાંકની ન રહેતા બધાની બની રહે.
‘આવકાર’માં..
બાળકો દ્વારા સર્જન કરાયેલી મૌલિક કૃતિને સ્થાન આપવામાં આવશે.
શિક્ષકો દ્વારા સર્જન કરાયેલી મૌલિક કૃતિ ઉપરાંત સંશોધન લેખોનો પણ સમાવેશ થશે.
પ્રાથમિક શાળાને ઉપયોગી થાય તેવા વિવિધ વિષયોના મોડેલ પેપર્સ
બાળકોના મૌલિક સર્જનમાં વાર્તા, કાવ્ય, હાઈકુ, ઉખાણાં, જોડકણાં, બાળગીતો વગેરે સર્જનાત્મક લેખન અમને મોકલી શકો છો.
ચિત્ર, ક્રાફ્ટ કે એવી કોઈ પ્રવૃત્તિ હોય તો તેને આપ ઈમેજ રૂપે અહેવાલ સાથે મોકલી શકો છો.
આપની શાળાની વિશેષતા વિશે કે વિશેષ પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તે વિશે પણ આપ અહેવાલ આપી શકો છો.
આવા વિવિધ વિષયોનો સમાવેશ આ સામયિકમાં કરવામાં આવશે જે બાળકોના સર્જનાત્મક વિકાસમાં ઉપયોગી થશે તથા શિક્ષકોને વર્ગવ્યવહારમાં પણ ઉપયોગી થશે.
હેતુ –
આવકારનો હેતુ શુદ્ધ અને સાત્વિક સર્જન અને શિક્ષણમાં વિકાસ કરવાનો અને કરાવવાનો છે.
બાળકો નવું સર્જન કરતા હોય છે પરંતુ તે શાળાના નોટિસબોર્ડ પૂરતું સિમિત રહે છે, ત્યારે આ ઈ-મેગેઝિનથી તેને નવું વિશ્વ ઓળખે – જાણે તેવું સ્ટેજ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય છે અને જેથી બાળકમાં આત્મવિશ્વાસ વધે અને તેને આવી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા માટેનું પ્રોત્સાહન પ્રાપ્ત થાય.
શિક્ષકમિત્રો, કોઈ એક પ્રવૃત્તિથી એક વ્યક્તિ પોતાના વર્ગ કે શાળામાં સારું પરિણામ મેળવી શક્યો છે તો તે પ્રવૃત્તિ બીજા સુધી પહોંચશે તો બીજાને ઉપયોગી થશે અને એમ એક યા બીજી રીતે સૌનો સાથ મેળવીને આપણો શૈક્ષણિક વિકાસ સધાય તેવી અભિલાષાથી જ આ ઈ-મેગેઝિનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.