sm-179.0--nayan-na-moti-gazals

નયનનાં મોતી

–નયન હ. દેસાઈ

મુક્તકો

જન્મ પામી એ અરબ–ઈરાકમાં,

ને સદા પોંખાઈ ભારત–પાકમાં;

દબદબો નોખો છે એનો કેમ કે,

છે ગઝલ પયગમ્બરી પોષાકમાં.

♦♦

ઉછીની નહીં કોઈ નકલ વાંચ તું,

કવીતા જો વાંચે અસલ વાંચ તું;

હમેશાં સરલ ને સહજ વાંચ તું,

જવા દઈને બીજું ગઝલ વાંચ તું.

♦♦♦

સચ્ચાઈ  મારી  ભાષા  છે,

જો બોલું તો આમ જ બોલું;

સીધે  સીધી  વાત  કરું છું,

હું   નર્મદનો   વંશજ   છું.

.1.

 

લંબચોરસ ઓરડામાં એક સમય ઘુંટાય છે,

વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

 

શક્યતાનું એક પણ વર્તુળ નથી પુરું થતું,

હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

 

ચાલ, સંબંધોનું કોઈ કોણ માપક શોધીએ,

કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

 

આરઝુના કાટખુણે જીન્દગી તુટી પડે,

ને પછી એ મોતના બીંદુ સુધી લંબાય છે.

 

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,

શુન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

 

આ ક્ષીતીજથી તે ક્ષીતીજના બંધ દરવાજા થયા,

કોઈ ઈચ્છે તોય અહીંથી બા’ર ક્યાં નીકળાય છે !

 

ગોળ ફરવા ગૈ તો અંતે એય વર્તુળ થઈ ગઈ,

કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે ?

 

યાદ આવે છે ગણીત શીક્ષકના સોટીના સોળ,

સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે.

 

હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડી ઉભી,

જીંદગીના આ પ્રમેયો કઈ રીતે હલ થાય છે ?

 

.2.

 

માણસ, ઉર્ફે રેતી, ઉર્ફે, દરીયો, ઉર્ફે ડુબી જવાની ઘટના ઉર્ફે,

ઘટના એટલે લોહી એટલે વહેવું એટલે ખુટી જવાની ઘટના ઉર્ફે...

 

ખુલ્લી બારી જેવી આંખોને આંખોમાં દીવસો ઉગે ને આથમતા,

દીવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઉડી જવાની ઘટના ઉર્ફે...

 

વજ્જરની છાતીનાં પીગળે આંસુ જેવું પાંપણને કૈં અડકે તો પણ

આંસુ, એમાં શૈશવ, એમાં કુવો, એમાં કુદી જવાની ઘટના ઉર્ફે...

 

પગમાંથી પગલું ફુટે ને પગલામાંથી રસ્તાના કૈં રસ્તા ફુટે,

રસ્તા અથવા પુલો અથવા પથ્થર અથવા ઉગી જવાની ઘટના ઉર્ફે...

 

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,

સંબંધો શમણાંના ઝુમ્મર, ઝુમ્મર યાને ફુટી જવાની ઘટના ઉર્ફે...

 

છાતીમાં સુરજ ઉગ્યાનો દવ સળગે ને સુરજ તો એક પીળું ગુમડું,

ગુમડું પાકે, છાતી પાકે, મહેફીલમાંથી ઉઠી જવાની ઘટના ઉર્ફે..

 

મુઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલેચાલે,

પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભુલી જવાની ઘટના ઉર્ફે...

 

 

.3.

 

થાક હવે ડુબતા સુરજની જેમ ઢળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

સાંજ પડી ને છતમાંથી એકાંત ગળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

 

આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના, કૈં સ્વપ્નોના,

એમ વીચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

 

કાલ ઉઠીને આ ટેબલને ડાળ ફુટે તો એને ટેકે જીવતર ચાલે,

કઈ ફીસમાં હોવાની સી.એલ. મળે છે? લ્યો, ટેબલને તાળું મારો !

 

રોજની જેમ જ લોઢ ઉછળતા ટેબલપુરમાં, આખ્ખી ફીસ ડુબવા માંડી,

હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

 

આજ હતું ટેબલ કે જેણે ફુલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,

આજ હવે ખાનામાં ‘જનકલ્યાણ’ મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

 

.4.

 

સાદ પાડી કોઈને એકાંતના તળીયે અમે,

લ્યો, હવે આવી ઉભાં આંખોનાં ઝળઝળીયે અમે.

 

દુરથી બોલાવતું આકાશ પણ ના ઓળખે,

કેટલાં વર્ષો પછી આ ગામના ફળીયે અમે !

 

જો સ્મરો તો કોઈ ઘટના ને અડો તો એક ભીનાશ,

ઝીલમીલાતા હોઈએ અશ્રુની આંગળીએ અમે.

 

એક પારેવાનું બારીમાં રુપાંતર થઈ ગયું,

સાંજ, પડછાયા, પ્રતીક્ષા, સૌમાં તરફડીએ અમે.

 

કૈંક પગલાં રાહ જોતાં’તાં અમારી તટ ઉપર,

એકઠા કરતા રહ્યા પરપોટા મધદરીયે અમે. 

.5.

 

પ્યાસના રસ્તે જ ઝરણું આવશે તો આવશે,

તીરની સાથે જ હરણું આવશે તો આવશે.

 

કાચનું આ શહેર છે ને સાવ માટીનો છું હું,

સાથમાં એકાદ તરણું આવશે તો આવશે.

 

તું સમીસાંજે ઘરે પાછી ફરી’તી એક દી’,

સ્વપ્ન એવું કંકુવરણું આવશે તો આવશે.

 

મેં દરજજો જેલનો આપી દીધો સહુ ભીંતને,

મારા પડછાયાનું શરણું આવશે તો આવશે.

 

કે તને પરીપુર્ણ રુપે યાદ કરવી છે હવે,

પણ સ્વયમ્ મારું વીસરણું આવશે તો આવશે.

 

.6.

જીન્દગી લઈ જા કોઈ કોઠે મને,

સાંજ પડતાં કેમ ના ગોઠે મને ?

 

પ્યાસ પણ ક્યાં ગઈ હવે કોને ખબર ?

મૃગજળો ચાંપી દઈ હોઠે મને.

 

ચાહવું હર શખ્સને બસ ચાહવું,

સત્ય સમજાવ્યું કોઈ ઠોઠે મને.

 

હું નગરની ભીંતમાં ભુલો પડ્યો,

લઈ લીધો પડછાયાની પોઠે મને.

 

જ્યાં નશામાં જીતના  ફરતો રહ્યો,

તેં હરાવ્યો સાતમા કોઠે મને.

 

વ્યક્ત કરવો છે મને પણ કઈ રીતે ?

છેતર્યો તેં શબ્દના ઓઠે મને.

ગીત

.1.

સુરતનો વરસાદ

પતરે ટપાક્ક ટપ છાંટા પડે ને નળીયાં ખટાક્ક ખટ્ટ તુટે

સુરતનો એવો વરસાદ

બારીમાં કુદે ભફાંગ કરી વાછટ ને

વીજળી વેરાય મુઠે મુઠે....સુરતનો....

પહેલાં તો છાપરીઆ શેરીઓ ચુપચાપ

કાળા આકાશ ભણી જુએ

સુકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન

પછી જાણે પીંજાય રુંએ રુંએ

વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે

સટ્ટાક સટ્ટ છુટે.....સુરતનો.....

નેવાંની સાથ ભળે ઝુલતા કોઈ હીંચકાનું

આછું કીચુડકચ્ચ એવું

સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે

એકલું પારેવું

રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ

શીવાજી શહેરને લુંટે....સુરતનો...

 

.2.

પૈથાભૈએ દીકરી પરણાવી તેનું ગીત

લીલોલીલો માંડવડો ને વચ્ચે ઉભા પૈથાભૈ

આંખોમાં ઝળહળીયાં આવ્યાં દીકરીના કૈં સ્મરણો લૈ;

 

દીકરી એટલે દુનીયાદારી, દીકરી એટલે ઈતીહાસ

દીકરી એટલે ટોળે વળતાં ટહુકાનો આછો ભાસ;

દીકરી એટલે આમ કશું નૈઃ આમ જુઓ તો ઘટના ખાસ

પૈથાભૈએ આંખ લુછી ને ડુસકું ભીંજાયું રે રે...

આંખોમાં ઝળહળીયાં આવ્યાં દીકરીના કૈં સ્મરણો લૈ;

 

કાલ સુધી તો દોડાદોડી, કાલ સુધી તો હસવાનું

આજ અચાનક પરદેશી પાદરમાં જઈને વસવાનું ?

ગોરમા પુજતી આંગળીઓ પર શરમની પાંદડીઓ ખીલવાનું

બેય હથેળીથી મહીયરનાં કુંવારાં સ્મરણો ઝીલવાનું;

મને પુછશે ઉમ્બર, આંગણ, મંદીર, ફુલો સુની સૈ

આંખોમાં ઝળહળીયાં આવ્યાં દીકરીના કૈં સ્મરણો લૈ;

 

 

ભીંતે તારા હીંગળાજ થાપા આગળ દીવો સળગે છે,

ભોંય પડેલું આંસુનું એક ટીપું મુજ હૈયે વળગે છે

ગોરમા ! ગોરમા ! ટપ ટપ પગલીનાં ફેરાંઓ સુના આંગણે

પાદર એક પીઠી ચોળેલું ઝમરખ ઝમરખ ઉભું બારણે

પૈથાભૈને શ્વાસ ચઢ્યા ને બેસી પડ્યા પગથીયે જૈ...;;

આંખોમાં ઝળહળીયાં આવ્યાં દીકરીના કૈં સ્મરણો લૈ;

 

.3.

ચકલી ગીત

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઉડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીંથી અળગા થવાય છે ? ના...રે...ના

બારીમાં કુંડું ને કુંડામાં લીલુંછમ ચોમાસું ઉતરે તો

ચકલીની માફક નવાય છે ? ના...રે...ના

 

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમંદરને

વાયુ ને આકાશ ઓઢીને ઝુલે છે,

સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું

પરબીડીયું કન્યાના અધરોની વચ્ચે ખુલે છે.

પુર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે ?

એવું કંઈ કોઈને પુછાય છે ? ના...રે...ના

 

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સુનો અરીસો છે,

બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે

ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે,

ચકલી શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?

સોનાની પાંખોથી, રુપાની ચાંચોથી, હીરાની આંખોથી,

ચકલીને ભાગી શકાય છે ? ના...રે...ના

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઉડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીંથી અળગા થવાય છે ? ના...રે...ના

                                    –નયન હ. દેસાઈ–

 

( ‘નયનનાં મોતી’નયન હ. દેસાઈનો ‘સમગ્ર કાવ્ય વૈભવ’(1979-2003), પ્રથમ આવૃત્તી – મે, 2005, પૃષ્ઠઃ 286 મુલ્યઃ રુ. 250, પ્રકાશકઃ ‘શબ્દોત્સવ’, લલીત સેલારકા એન્ડ કંપની, 118, એવો આર્કેડ, ડી. જે. રોડ, વીલેપાર્લે(વે.), મુંબઈ–400 056માંથી સાભાર...)

 

કવીસંપર્કઃ નયન હ. દેસાઈ, 19 – દત્રાતેય નગર, પાલનપુર જકાત નાકા, નહેર પાસે, સુરત–395 009 ફોન 0261-276 7055

            ‘સન્ડે ઈ–મહેફીલ’ના આ ગઝલ–અંકના અતીથી સંપાદક અને સંકલનકાર સુરતના યુવાગઝલકાર ભાઈ શ્રી ગૌરાંગ ઠાકર ( gaurang_charu@yahoo.com )નો  ખુબ  ખુબ આભાર..... ઉત્તમ ગજ્જર..

 

 

‘સન્ડે ઈ–મહેફીલ’વર્ષઃ પાંચમું – અંકઃ  179 - October 22, 2009

‘ઉંઝાજોડણીમાં અને ‘શ્રુતી’ ફોન્ટમાં સાભાર અક્ષરાંકનઃ શ્રી સુનીલ શાહ sunilshah101@gmail.com

 

♦●♦●♦●♦

 

‘લોકકોશ’

 

‘લોકકોશ’ એ ગુજરાતીભાષામાં બોલાતા–લખાતા શબ્દો જે માન્ય શબ્દકોશોમાં હાલ ઉપલબ્ધ નથી તેનો સંગ્રહ કરવાનો ઉપક્રમ છે. ઉદાહરણ તરીકે 'આંગણવાડી' અને 'રણનીતિ' આવા શબ્દો છે જે શબ્દમિત્રોએ મોકલ્યા અને અમે તે લોકકોશમાં સંઘર્યા છે.

 

આપ કેવી રીતે લોકકોશ માટે આપનો શબ્દ મોકલી આપનો ફાળો આપી શકો ?

આપ કેવી રીતે અમારા ‘શબ્દમિત્ર’ બની શકો ?

 

આપના આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે લોકોનો, લોકો માટે અને લોકો દ્વારા તૈયાર થઈ રહેલા આ નવીનતમ શબ્દભંડાર 'લોકકોશ'ની  http://lokkosh.gujaratilexicon.com પર મુલાકાત લો..

લોકકોશના શબ્દમિત્ર બનવું અત્યંત સરળ છે. લોકકોશના શબ્દમિત્ર બનવા માટે નીચે જણાવેલ લિંક ઉપર ક્લિક કરો..

http://lokkosh.gujaratilexicon.com/index.php?action=register

 

 

 

લોકકોશમાં શબ્દફાળો કેવી રીતે આપી શકાય તે જાણવા માટે નીચે જણાવેલી લિંક પર ક્લિક કરો..

http://lokkosh.gujaratilexicon.com/help/Lokkosh-How_To_Add_Word.pdf

 

લોકલાગણીને માન આપીને લોકકોશ દ્વારા પ્રયોજવામાં આવેલ શબ્દસ્પર્ધાની તારીખ લંબાવીને ૩૧ ડિસેમ્બર ૨૦૦૯ કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે નીચે જણાવેલી લિંક પર ક્લિક કરો..  http://lokkosh.gujaratilexicon.com/index.php?action=contest

 

લોકકોશના લોકાર્પણની વધુ માહિતી આપ નીચે જણાવેલ લિંક પરથી મેળવી શકશો..  http://lokkosh.gujaratilexicon.com/index.php?action=media

 

‘ગુજરાતીલૅક્સિકોન’, ‘ભગવદ્ગોમંડલ’ અને ‘લોકકોશ’ની સાઇટનું સંપૂર્ણ સંચાલન અમદાવાદ સ્થિત Infineon Infotech Pvt. Ltd (IIPL) દ્વારા કરવામાં આવે છે..

IIPLએ એક નવીન વિચારો ધરાવતી સૉફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ કંપની છે જે વેબ એપ્લિકેશન, ડિજિટાઇઝેશન, લોકલાઇઝેશન અને બિઝનેશ સપોર્ટ સર્વિસ જેવાં ક્ષેત્રોમાં વિશેષ કૌશલ્ય ધરાવે છે. અમે અમારા કલાયન્ટની જરૂરિયાત સમજી, તેમના માટે શ્રેષ્ઠ ઉપાય શોધી, તેમની માંગને સંતોષવાનો સંકલ્પ ધરાવીએ છીએ. IIPL એ શ્રેષ્ઠતા અને નવીનતા માટે અનંત શક્યતાઓ પૂરી પાડવા વચનબદ્ધ છે..

વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.infineoninfotech.com ની મુલાકાત લઈ શકો છો અને અમારો  info@infineoninfotech.com પર સંપર્ક પણ કરી શકો છો..

 

 

 

 

‘સન્ડે ઈ–મહેફીલ’વર્ષઃ પાંચમું – અંકઃ  179 - October 22, 2009

‘ઉંઝાજોડણીમાં અને ‘શ્રુતી’ ફોન્ટમાં સાભાર અક્ષરાંકનઃ શ્રી સુનીલ શાહ sunilshah101@gmail.com

 

Download above article as PDF from attachment 

 

 

 

Ċ
UTTAM GAJJAR,
Nov 21, 2009, 8:13 AM
Comments