Notes‎ > ‎

માનવીની ધારણાંથી સાવ ભિન્ન એટલે કુદરતની કળા ! અમદાવાદના પ્રસિદ્ધ હઠીસિંહના દેરાં!


દિલનો ટૂકડો એટલે દોસ્ત. હૃદયની મૈત્રી મોસમની જેમ બદલાતી નથી.
મુંબઈના નામાંકિત નાગરિક શેઠ મોતીશાહ અને અમદાવાદના શેઠ હઠીસિંહ કેસરીસિંહ બન્ને અભિન્ન મિત્રો હતા. શેઠ હઠીસિંહ અમદાવાદમાં શેઠ મોતીશાહના આડતીયા તરીકે કામ કરતા હતાં. બન્ને શેઠિયાઓ જૈન ધર્મમાં માને. બન્ને પાકા શ્રાવક બન્નેની મૈત્રીમાં ધર્મની સુગંધ મહોરે.
વિ.સં. ૧૮૮૦ની વાત છે. શેઠ હઠીસિંહ ગિરનારની યાત્રાનો સંઘ લઈને ગયેલા તે પાછા વળતા ચોરવાડ આવ્યા. મુંબઈથી શેઠ મોતીશાહ ગિરનારની યાત્રાનો સંઘ લઈને નીકળેલા તેઓ પણ ચોરવાડ આવ્યા. ચોરવાડમાં બન્ને શેઠિયાઓ દિલના ઉમળકાથી મળ્યા અને ભેટ્યા.
શેઠ હઠીસિંહને દિલમાં ખુશી સમાય નહીં. એમણે શેઠ મોતીશાહના નામે ચોરવાડ અને આજાુબાજાુના ગામોને જમવાનું નિમંત્રણ પાઠવ્યું. હૈયાના હેતથી સૌને જમાડ્યા. તે જમાનામાં રૂપિયા સાત હજાર ખર્ચ્યા !
શેઠ મોતીશાહ આ બઘું જોયા કરે. મુંબઈ આવીને તેમણે શેઠ હઠીસિંહના નામે પાલી અને રતલામથી અફીણ ખરીદ્યું અને ચીનમાં વેચ્યું. તેના નફાના રૂપિયા ત્રણ લાખ શેઠ હઠીસિંહના નામે જમા કરી દીધા ! શેઠ મોતીશાહ અને શેઠ હઠીસિંહની મૈત્રીના સર્વત્ર વખાણ થયાં.
શેઠ હઠીસિંહનો જન્મ શેઠાણી સૂરજબેનની કૂખે સં. ૧૮૫૨માં થયો હતો.
પ્રતાપી હઠીસિંહ શેઠ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. પડછંદ શરીર, સત્તાવાહી અવાજ, ખાનદાની ખમીર અને વેપાર-ધંધાની અદ્ભૂત કૂનેહને કારણે તેમનું નામ દેશ-વિદેશમાં ફેલાઈ ગયું. અપાર સંપત્તિમાં ઉછરેલા અને અપૂર્વ સુખસાહ્યબી જોઈ ચૂકેલા હઠીસિંહમાં અભિમાનનો એક અંશ ન મળે. ગરીબોને મદદ કરવા હંમેશાં અગ્રેસર રહે.
સૂરજબેને આપેલા ધર્મના સંસ્કાર હઠીસિંહના જીવનમાં વણાઈ ગયેલા. તીર્થયાત્રા કરવાનું તેમને હંમેશાં ગમે. દેવદર્શન કદી ન છોડે. ખાવા-પીવાના શોખીન. શેઠ હઠીસિંહ ખવરાવવામાં પણ તેટલો જ ઉમળકો દાખવે. તે જમાનામાં અમદાવાદમાં હોસ્પિટલ બાંધવા માટે તેમણે રૂપિયા બાવન હજારનું દાન કર્યું અને અમદાવાદમાં કોલેજ સ્થાપવા માટે રૂપિયા દસ હજારનું દાન કર્યું !
શેઠ હઠીસિંહના લગ્ન શેઠ પ્રેમાભાઈની બેન રૂક્ષ્મિણી શેઠાણી સાથે થયા હતા. સંસ્કારી રૂક્ષ્મિણી શેઠાણીનું આંખના વ્યાધિને કારણે નાની વયમાં મૃત્યુ થયું. શેઠ હઠીસિંહના બીજા લગ્ન હેમાભાઈ શેઠની બીજી પુત્રી પરસનબેન સાથે થયું. તે પણ નાની વયમાં મૃત્યુ પામ્યા. શેઠ હઠીસિંહના ત્રીજા લગ્ન ઘોઘામાં હરકુંવરબેન સાથે થયા. આ હરકુંવર શેઠાણી પદમણી નારી કહેવાતા. એમના પુણ્યશાળી પગલે શેઠ હઠીસિંહનો વેપાર ખૂબ વઘ્યો. શેઠ હઠીસિંહના ત્રણ લગ્ન થયા પણ તેમને સંતાનસુખ પ્રાપ્ત ન થયું, એટલે તેમણે કુટુંબના જ પુત્રો જેશીંગભાઈ અને મગનભાઈને દત્તક લીધા.
ધર્મની ખરા હૃદયથી ભક્તિ કરનારા શેઠ હઠીસિંહને વિચાર આવ્યો કે અમદાવાદમાં મારે ભવ્ય બાવન જિનાલય બાંધવું છે. દિલ્હી દરવાજા બહાર આવેલી પોતાની વિશાળ જમીનમાં સં.૧૯૦૧ના મહા મહિનામાં તેમણે જિનાલયનો પાયો નાંખ્યો. કલાકોતરણીવાળું ભવ્ય જિનાલય બાંધવા માટે કુશળ શિલ્પીઓ રોક્યા પણ કુદરતની કળા માનવીની ધારણાથી ભિન્ન હોય છે. સં. ૧૯૦૧માં શ્રાવણ સુદ પાંચમના દિવસે શેઠ હઠીસિંહે દેહ છોડ્યો !
અમદાવાદમાં હાહાકાર ફેલાઈ ગયો.
અત્યંત બુદ્ધિશાળી હરકુંવર શેઠાણીએ મન મક્કમ રાખીને શેઠ હઠીસિંહની પેઢીનો વહીવટ પોતાના હાથમાં લીધો. કરોડોનો કારોબાર હતો. શેઠાણીએ વેપારના કાર્યમાં કૂનેહથી કામ લીઘું. પેઢીનો યશ વધાર્યો. સૌથી મોટું કામ તો બાવન જિનાલયના નિર્માણનું હતું.
હરકુંવર શેઠાણીએ જિનાલયના નિર્માણમાં રૂપિયાનો ધોધ વહાવ્યો. સ્થાપત્યની તમામ રચના પર પૂરતું ઘ્યાન આપ્યું. એક નમૂનેદાર અને શ્રેષ્ઠ જિનાલય તૈયાર થયા પછી સં. ૧૯૦૩ના મહા સુદ પાંચમના રોજ તેની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાના સમયે પણ હરકુંવર શેઠાણીએ અનન્ય કૌશલ્ય દાખવ્યું. પ્રતિષ્ઠાના સમયે ગુજરાત અને ગુજરાત બહારથી લગભગ એક લાખ માણસો પ્રતિષ્ઠા માટે આવ્યા ! શેઠાણીએ સ્વયં સૌના ઉતારાની, ખાવા-પીવાની, પૂજન-ક્રિયામાં લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવી.
એમ કહેવાય છે કે હઠીસિંહના દેરાસરની પ્રતિષ્ઠાના સમયે હરકુંવર શેઠાણીએ રૂપિયા પાંચ લાખ ખર્ચ્યા ! હરકુંવર શેઠાણીએ અનેક તીર્થોના સંઘો કાઢ્યા સમેત્તશિખર તીર્થનો મોટો સંઘ કાઢ્યો. અનેક જિનમંદિરોના જિર્ણોદ્ધાર કરાવ્યા. સરકારે તેમને ‘નેક નામદાર સખાવતે બહાદૂર’નો ખિતાબ આપ્યો.
જાજરમાન હરકુંવર શેઠાણી હઠીસિંહના દેરાસરનું નિર્માણ કરાવતા હતા ત્યારે ભક્તિ અને ભાવનાનો સમુદ્ર હિલોળા લેતો હતો. શેઠાણી હરકુંવર પ્રતિપળ વિચારતાં કે ધનના સદુપયોગની આવી અનુપમ વેળા, જનમ જનમના પુણ્યે મળી છે એને હવે મહાન બનાવવી રહી. પ્રભાતના પ્રારંભથી સંઘ્યાના સમય સુધી કારીગરોના ટાંકણાનો નર્તનરવ ગૂંજતો. સાંજના ડેલી પાસે એક ગાદી પર શેઠાણી બેસતા. એમની આંખોમાંથી સૌ પ્રત્યે અમી ઝરતું. સસ્તાઈનો જમાનો સૌને આઠ આનાનું વેતન મળે. શેઠાણી ગાદી નીચેથી પૈસા કાઢે અને સૌને ચૂકવે.
કોઈ કારીગરના મનમાં થયું કે શેઠાણી રોજ ગાદી નીચેથી પૈસા કાઢીને આપે છે, નક્કી ગાદીની નીચે ખજાનો દાટેલો હોવો જોઈએ !
એકવાર કારીગરે રાત્રે ત્યાં પહોંચીને ઝડપથી ગાદી દૂર ફેંકી પણ કંઈ દેખાયું નહીં. કારીગરે જમીન ખોદવા માંડી. અવાજ થયો અને બંગલામાં રહેતા શેઠાણી ઝબકી ગયા. ઝરૂખામાંથી એમણે જોયું ને કારીગરે ઉંચું જોયું. બન્નેની નજર મળી પણ શેઠાણી જાણે કંઈ જ બન્યું નથી એમ સૂઈ ગયા. કારીગરની શરમનો પાર નહીં. પ્રભાત થયું. એ કારીગર પણ કામે આવ્યો.
સંઘ્યા થઈ. શેઠાણી સૌને મહેનતાણું આપવા બેઠાં. પેલો કારીગર આવ્યો એટલે શેઠાણીએ એને આઠ આનાના સિક્કાને બદલે એક રૂપિયો આપ્યો ! કારીગરને અચંબો થયો ઃ ‘આમ કેમ ?’ શેઠાણી હસ્યા ઃ ‘ભાઈ, આઠ આના તારી આજની મજૂરીના અને આઠ આના કાલની રાતપાળીના !’ કારીગર પગમાં પડી ગયો ઃ ‘દેવી, મને ક્ષમા કરો.’
શેઠાણીની આંખમાં અમી હતું ઃ ‘ભાઈ, કેમ કોઈ મુશ્કેલી છે ?’
‘જી.’ ઘરે માંદગી છે, પુત્રીનો અવસર છે. મને ક્ષમા કરો કેમકે મેં પાપ કર્યું છે.’
શેઠાણીએ તે જ સમયે મુનીમને સૂચના આપી કે કાલથી ગાદી નીચે બમણા પૈસા મૂકવા કેમ કે સૌનું મહેનતાણું બમણું કરવાનું છે. અને વધારામાં સૂચના આપી કે આ કારીગરના ઘરે અનાજ, તેલ વગેરે હમણાં જ પહોંચાડો !
આવા હતા હરકુંવર શેઠાણી.
જાજરમાન, બુદ્ધિમાન અને ધર્મવાન હરકુંવર શેઠાણીએ નિર્મેલું એ બાવન જિનાલય આજે અમદાવાદમાં છે અને ‘હઠીસિંહનાં દેરા’ તરીકે ખ્યાતનામ છે. એ ડેલીમાંથી આજે ય ભક્તિની સુગંધ વહી આવે છે, સૌને પાવન કરે છે.
પ્રભાવના
જે કામ કરતા ‘શું થશે ?’ એવી ચિંતા થાય, તેવું કામ કરવાનું ટાળીએ તો ? અને, જે કામ કરતાં ‘આ સારૂં કર્યું’ એવું થાય. તેવું કામ અચૂક કરીએ તો ? તમારો વિવેક એ જ તમારી સંપત્તિ.
- આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી
Comments