સ્વામિનારાયણ મહામંત્ર પરિચય
સ્વામિનારાયણ મહામંત્ર પરિચય
અનંતાનંત જીવોને તથા અવતારો અને તેમના ભક્તોને પોતાની સર્વોપરી સ્વરૂપની ઓળખાણ કરાવી, પોતાની મૂર્તિના સુખભોક્તા કરવા સર્વોપરી, સનાતન ભગવાન સ્વામિનારાયણ કેવળ કૃપા કરી સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નવમીના (તા. ૩/૪/૧૭૮૧ના) રોજ છપૈયા ગામે પ્રગટ થયા. એટલે કે અવરભાવમાં મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપ્યાં. અવરભાવમાં ધર્મપિતા અને ભક્તિમાતાને ત્યાં બાળ ઘનશ્યામ સ્વરૂપે મહાપ્રભુએ સૌને દર્શન આપ્યાં.
બાળસખા, સગાંસંબંધી અને માતાપિતાને બાલ્યાવસ્થામાં અનેક દિવ્ય ચરિત્રો બતાવી ખૂબ સુખ આપ્યું. કાલિદત્ત જેવા અસુરનો નાશ કર્યો. આઠ વર્ષની ઉંમરે યજ્ઞોપવીત ધારણ કરી, સકળ શાસ્ત્રોનો અભ્યાસ નાની ઉંમરે કરી લીધો. દસ વર્ષની નાનકડી વયે તો કાશીમાં મહાન પંડિતોની સભામાં દિગ્વિજય કર્યો. ધર્મપિતા તથા ભક્તિમાતાને પોતાનું સ્વરૂપ ઓળખાવી પોતાની મૂર્તિના સુખે સુખિયા કર્યાં. પણ હવે મહાપ્રભુ ઘનશ્યામ જે હેતુ માટે પધાર્યા હતા તે જલદી સિદ્ધ કરવા ઉતાવળા બન્યા હતા. અને એટલે જ સંવત ૧૮૪૯ના અષાઢ સુદ દશમે (તા. ૨૯/૬/૧૭૯૨) પોતે ગૃહત્યાગ કર્યો.
વરસતા ધોધમાર વરસાદમાં, શિયાળાની કડકડતી ઠંડીમાં તેમજ ઉનાળાના ધોમધખતા તાપમાંય ટાઢ-તડકો-વર્ષા, ભૂખ તેમજ તરસ વેઠીને માત્ર કૌપીનભેર ઉઘાડે શરીરે અને ઉઘાડે ચરણે ચાલીને હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં વિચરણ કર્યું. પુલહાશ્રમમાં પણ છ માસ રોકાઈ આકરું તપ કરી સૌ ભક્તોને તપની રીત શીખવાડી. ગોપાળયોગીને અષ્ટાંગયોગની સેવા આપી તેમને દિવ્યગતિ આપી અને આગળ જતાં નવ લાખ યોગીઓને નવ લાખ રૂપે દર્શન આપી, તેમના આકરા તપનું ફળ આપી, તેમનું આત્યંતિક કલ્યાણ કર્યું. આમ, પામર, પતિત, અધમ મુમુક્ષુઓ તથા પશુ-પંખી આ સૌનાં કલ્યાણ કરતાં અને અનંત તીર્થોને તીર્થત્વ આપતાં નીલકંઠ વર્ણી નામે ઓળખાતા આ વર્ણી ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં તીર્થાટન કરતાં કરતાં કાઠિયાવાડમાં સોરઠની ભૂમિ પર આવેલા લોજ ગામે, સંવત ૧૮૫૬ના શ્રાવણ વદિ છઠ્ઠને દિવસે (તા. ૨૧/૮/૧૭૯૯) પધાર્યા અને ત્યાં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ભેળા સદ્ગુરુ રામાનંદ સ્વામીના આશ્રમમાં રહ્યા. દસ મહિના પછી સદ્ગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ પીપલાણા ગામે થયો. ત્યાં એમને ગુરુ કર્યા ને સંવત ૧૮૫૭ની પ્રબોધિની એકાદશીએ (તા. ૨૮/૧૦/૧૮૦૦) મહાદીક્ષા ગ્રહણ કરી ગુરુ રામાનંદ સ્વામી થકી સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ નામ ધારણ કર્યાં.
ગુરુ રામાનંદ સ્વામી તો હવે જે સમયની રાહ જોતા હતા તે નજીક આવી રહ્યો હતો. પોતે હંમેશાં પોતાના શિષ્ય વર્ગને કહેતા કે, “અમે તો માત્ર ડુગડુગી વગાડનારા છીએ, ખરા ખેલ ભજવનારા તો હવે આવશે.” આ ખરા ખેલ ભજવનારા એટલે સત્સંગના ધણી સહજાનંદ સ્વામી આવી ગયા હતા. તેથી રામાનંદ સ્વામીએ પોતાના તમામ ત્યાગી-ગૃહી શિષ્ય વર્ગને એકત્રિત કરી, જેતપુરમાં ઉન્નાડખાચરના દરબારમાં ખૂબ ધામધૂમથી સંવત ૧૮૫૮ના કારતક સુદ એકાદશીના (પ્રબોધિની એકાદશી તા. ૧૬/૧૧/૧૮૦૧ના) મંગલકારી દિને મહાપ્રભુને પોતાની ધર્મધુરા સોંપી પટ્ટાભિષેક કર્યો ને પોતાના જ સ્વહસ્તે આ સહજાનંદ સ્વામીને વસ્ત્ર-અલંકારો ધારણ કરાવી આરતી ઉતારી અને સૌ સંતો-ભક્તોને ઉદ્દેશીને વાત કરી જે :
“હે વ્હાલા સંતો અને દેશદેશથી આવેલા હે ભક્તજનો ! સહુ ચિત્ત દઈને સાંભળજો. આ સહજાનંદ સ્વામી બહુ સમર્થ, સર્વોપરી ભગવાન છે. પોતે સર્વ અવતારના અવતારી છે. ક્ષર-અક્ષરથી પર અને તેથી ન્યારા છે. અનંત ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ અને અક્ષરકોટિને પોતાની અન્વય શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને સૌના તેમજ વ્યતિરેકપણે સર્વે મુક્તોના કારણ, દાતા, નિયંતા અને સ્વામી છે. મારા જેવા અનંત સેવકો તેમની અહોનિશ સેવા-પ્રાર્થના કરે છે. માટે એમનો મહિમા જેટલો સમજાય એટલો સમજી લેજો. એમની આજ્ઞામાં વર્તજો. જેમ કહે તેમ રાજી કરવાના પ્રયત્નો કરજો. અને ભલા થઈને તેમને વિષે ક્યારેય માયાનો કે મનુષ્યપણાનો કોઈ ભાવ પરઠશો મા.”
હવે ગુરુ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીના કાર્યને આગળ ધપાવવા માગતા હતા. તેથી થોડા દિવસમાં જ અર્થાત્ સંવત ૧૮૫૮ના માગશર સુદ તેરસના (તા.૧૭/૧૨/૧૮૦૧ ને ગુરુવાર) રોજ ફણેણી મુકામે પોતાનું અવતરણ કાર્ય પૂર્ણ કરી દેખાતો અવરભાવ અદૃશ્ય કર્યો.
‘સ્વામિનારાયણ’ મહામંત્ર પ્રાગટ્ય
ગુરુ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછીનો એમના ચૌદમાનો મહામંગલકારી દિન એટલે સંવત ૧૮૫૮ના માગશર વદિ એકાદશી (તા. ૩૧/૧૨/૧૮૦૧). સવારમાં સૌ સંતો-ભક્તો-પાળા-વર્ણી સૌને વિશાળ સભાના રૂપમાં એકત્ર કર્યા ને પોતે ગુરુ રામાનંદ સ્વામીએ સોંપેલા ઊંચા આસનને ગ્રહણ કરી સૌને સંબોધીને ઉદ્બોધન કર્યું કે,
“વ્હાલા સંતો તથા વ્હાલા સૌ હરિભક્તો, આપ સૌ ત્યાગી, ગૃહી, બ્રહ્મચારી આદિ પોતપોતાના ધર્મમાં ખબરદાર થઈને રહેજો. એમાં અમારો ખૂબ રાજીપો છે. પણ... હે સંતો, હે ભક્તો, આજ સુધી સત્સંગમાં સૌ જુદાં જુદાં નામોથી ભજન-માળા આદિ કરો છો. પણ એક જ સંપ્રદાયના સૌ કોઈ ભક્તોનું ભજન તો એક જ મંત્રથી થાય તે જ ઉચિત ગણાય. તો આજે એવા એક સર્વોપરી મંત્રનો અમો ઉદ્ઘોષ કરીએ છીએ કે જે મંત્ર નહિ પણ મહામંત્ર હશે. જે મંત્રને આપ ધ્યાનથી સાંભળો અને હવે પછી માળામાં, ભજનમાં, ધૂન્યમાં એ જ મહામંત્રનો જાપ કરજો. બીજા અનંત મંત્રો જપે તોપણ આ મહામંત્રની તુલ્ય ન આવે એવો આ રહ્યો એ સર્વોપરી મહામંત્ર.
હે વ્હાલા ભક્તો, આજ સુધી અમારાં ઘણાં નામ પડ્યાં છે. જેમ કે, નાના હતા ત્યારે ધર્મપિતાને ઘેર આવેલા માર્કંડેય ઋષિએ અમારું નામકરણ કરતાં કહેલું કે, આ સૌના ચિત્તને આકર્ષણ પમાડશે માટે તેજસ્વી પુત્રનું નામ ‘કૃષ્ણ’ રાખો. વળી અનંતની વૃત્તિઓને પોતાના સ્વરૂપમાં હરી લેશે માટે ‘હરિ’ રાખો ને એ બંને ગુણ ભેગા થાય તો હરિકૃષ્ણ બને તે માટે ‘હરિકૃષ્ણ’ રાખો અને તપ, ત્યાગ ને વૈરાગ્યમય એવું એમનું જીવન હશે માટે ‘નીલકંઠ’ નામ રાખો. વળી નાનપણમાં અમારાં મિત્રો અને માતાપિતા સૌ અમને ‘ઘનશ્યામ’ નામથી બોલાવતા. તો ગુરુ રામાનંદ સ્વામીએ અમને ‘સહજાનંદ’ અને ‘નારાયણ મુનિ’ નામથી ઓળખાવ્યા. પણ અમારું મુખ્ય સર્વોપરી નામ હજુ કોઈનાય હાથમાં આવ્યું નથી. જે અમે આજે પ્રકાશિત કરીએ છીએ.
અર્થાત્, હે સંતો-હે ભક્તો, નારાયણ નામ તો ઘણાં છે. સૌ નારાયણ માત્રના અમો સ્વામી છીએ ને નિયંતા છીએ માટે અમારું ખરું નામ ‘સ્વામિનારાયણ' છે. તેનું આજથી સૌ કોઈ ભજન અને જપ કરજો. વળી હે વ્હાલા ભક્તો... ‘સ્વા...મિ...ના...રા...ય...ણ...' આ ષડાક્ષરી મહામંત્રનો કેવો પ્રૌઢ પ્રતાપ છે કે કોઈ બીજાં હજારો નામ જપે અને આ સ્વામિનારાયણ મહામંત્રનો એક વાર જપ જપે તોપણ એને તુલ્ય તે ન આવે. વળી, ગમે તેવું સંકટ કે દુઃખ આવે ત્યારે આ મહામંત્રનો જાપ કરતાં સર્વ દુઃખમાત્રનો વિરામ થશે. વળી, ગમે તેવા ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે પણ આ મંત્રથી તે આસુરી તત્ત્વો બળીને ભસ્મીભૂત થશે. આ મંત્ર જપનારને જમનું તેડું નહિ આવે. એટલું જ નહિ, પણ સર્વ પાપમાત્રનો પ્રલય કરનારો આ મહામંત્ર રહેશે.
સ્વામિનારાયણ મહામંત્ર મહિમા
ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વમુખે પ્રગટ કરેલા સર્વોપરી 'સ્વામિનારાયણ' મહામંત્રનો અપરંપાર મહિમા આ પુસ્તિકામાં સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. જીવનમાં આવતી આધિ, વ્યાધિ અને ઉપાધિઓને ટાળવા માટે કોઈ વિશેષ સાધન કે ઉપાય કરવાની જરૂર નથી, પરંતુ 'સ્વામિનારાયણ' મહામંત્રનું ભજન જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી (સત્યસંકલ્પદાસજી સ્વામી) અને ગુરુદેવ પ.પૂ. બાપજીની દિવ્ય પ્રેરણાથી સંસ્થા દ્વારા પ્રકાશિત આ પુસ્તક દરેક મુમુક્ષુના જીવનમાં સુખ અને શાંતિની દીવાદાંડી સમાન બની રહેશે.
સ્વામિનારાયણ મહામંત્ર પ્રેરણા