રહસ્યાર્થ વચનામૃત પરિચય
રહસ્યાર્થ વચનામૃત પરિચય
રહસ્યાર્થ ટીકાસહ વચનામૃત ઇતિહાસ :
અમદાવાદના બળદેવભાઈ શેઠ સદ્ગુરુશ્રીના જોગમાં આવ્યા. મોરબી ખાતેના સદ્ગુરુશ્રીના વિચરણ દરમ્યાન સદ્ગુરુશ્રીની દિવ્ય પ્રતિભા જોઈ સદ્ગુરુશ્રી પ્રત્યે શેઠને ખેંચાણ થયું અને દિવ્યભાવે સદ્ગુરુશ્રીનો સમાગમ કર્યો. મહારાજ અને બાપાશ્રીનાં સ્વરૂપ તથા સિદ્ધાંતોની ઓળખાણ થઈ અને આ જ્ઞાન સમજાયું.
સદ્ગુરુશ્રીએ બળદેવભાઈ શેઠને કહ્યું, “બળદેવભાઈ! બાપાશ્રી તો શ્રીજીમહારાજના અંગત રહસ્યને અને સિદ્ધાંતોને યથાર્થ જાણનારા છે. વળી એના પ્રવર્તન માટે તો બાપાશ્રીનું પ્રાગટ્ય છે તો બાપાશ્રીના મુખે વચનામૃતના જે જે પ્રશ્ન-ઉત્તર થાય છે તેનું લખાણ થાય. 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત' થાય તો સામાન્ય જીવોને પણ સહેજે શ્રીહરિનાં ગૂઢ રહસ્યો સરળ રીતે સમજાય. માટે જ્યારે બાપાશ્રી પધારે ત્યારે વિનય વચને બાપાશ્રીને પ્રાર્થના કરી રાજી કરજો અને ટીકાવાળાં વચનામૃત છપાવવાની મંજૂરી લેજો."
સંવત ૧૯૬૯માં અશ્લાલીનાં સાંખ્યયોગી કંકુબા તરફથી અમદાવાદમાં પારાયણ બેસાડવામાં આવી હતી. બાપાશ્રી આ પ્રસંગે કચ્છમાંથી લાભ આપવા પધારેલા. બાપાશ્રી તથા સદ્ગુરુશ્રીના આસને હરિભક્તો લાભ લેવા માટે ઊમટી પડતા. પારાયણની સમાપ્તિ પછી બાપાશ્રી સદ્ગુરુઓને સાથે લઈ રનોડા, ધોળકા, જેતલપુર, અશ્લાલી, ગામડી વગેરે ગામોમાં અનંત જીવોને દર્શન દઈ બારેજડીમાં બળદેવભાઈ શેઠની મિલમાં પધાર્યા.
સમય-સંજોગોની સાનુકૂળતા ને બાપાશ્રીની પ્રસન્નતા જોઈ સદ્ગુરુશ્રીની સાથે થયેલી વાતચીત મુજબ શેઠ બળદેવભાઈએ બાપાશ્રીની ટીકાવાળાં વચનામૃત છપાવવા માટે અનુમતિ માગી. ત્યારે બાપાશ્રીએ કહ્યું, “બળદેવભાઈ ! શ્રીજીમહારાજે વચનામૃતમાં કઈ જગ્યાએ, કઈ વાત, કયા કારણથી કરી છે અને શ્રીજીમહારાજનો અંતર્ગત અભિપ્રાય તથા સિદ્ધાંત શો છે? એ તો એમના અનાદિમુક્ત જ યથાર્થ જાણતા હોય. માટે સ્વામીનો (સદ્ગુરુશ્રીનો) અને તમારો વિચાર ઘણો સારો છે.” રાજી થકા બળદેવભાઈ શેઠની વાત સાંભળી મંજૂરીની મહોર મારતાં બાપાશ્રી સદ્ગુરુશ્રી પ્રત્યે બોલ્યા જે, “સ્વામી! ગ્રંથરાજ વચનામૃતની રહસ્યાર્થ ટીકાનું કામ શરૂ કરો. મહારાજનો બહુ રાજીપો છે. મહારાજ અને મુક્ત આ કામમાં ભેળા ભળશે. માટે આ અલૌકિક કાર્ય તો જરૂર કરો. આ ટીકાથી તો સામાન્ય જીવ પણ વચનામૃતના ગૂઢ રહસ્યોને સહેલાઈથી સમજી શકશે.”
બાપાશ્રીની કૃપાથી સદ્ગુરુશ્રીએ શ્રીજીમહારાજના સર્વોપરી સિદ્ધાંતો કે જે બાપાશ્રી વચનામૃતના જ આધારે સરળપણે સમજાવતા હતા અને તત્ત્વજ્ઞાનના ગૂઢ રહસ્યોને સુગમ કરતા હતા તેને તથા બાપાશ્રીની અમૃતવાણીને ગ્રંથસ્થ કરી અઢાર અઢાર વર્ષ દાખડો કર્યો અને અનંત જીવોને યાવચંદ્રદિવાકરી સંજીવની સમાન 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત' અને 'શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ : ૧,૨'ની અણમોલ ભેટ આપી. વળી આ બે અમૂલ્ય ગ્રંથોનું છાપકામ પૂર્ણ થતાં સૌપ્રથમ સદ્ગુરુશ્રીએ બાપાશ્રીને તેડાવી આ ગ્રંથો ઉપર આશીર્વાદની અમીવર્ષા વરસાવવા પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ આ દિવ્ય ગ્રંથો પર દિવ્ય આશીર્વાદ વરસાવ્યાઃ
“જે મુમુક્ષુ આ દિવ્ય ગ્રંથ સૂણશે, હેતે કરી વાંચશે,
કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા, ઉત્તમ સુખો માણશે;
આશીર્વાદ દીધો અતિ બળભર્યો, પોતાનું બિરદ ગણી,
પામી આનંદ જય જય બોલો, શ્રીજી ને બાપા તણી."
રહસ્યાર્થ વચનામૃત મહિમા
રહસ્યાર્થ વચનામૃત પ્રેરણા
ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખારવિંદથી ઝરેલી અમૃતમય પરાવાણી એટલે ‘વચનામૃત’. આ એક એવો અજોડ ગ્રંથ છે જેનું સંપાદન સ્વયં શ્રીજીમહારાજની હયાતીમાં અને તેમની નજર સમક્ષ જ થયું હતું.
સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્. નિત્યાનંદ સ્વામી અને સદ્. શુકાનંદ સ્વામી જેવા પાંચ પરમ વિદ્વાન સંતોએ ભેગા મળીને આ ભગીરથ કાર્ય કર્યું હતું. આ પરમહંસોએ શ્રીજીમહારાજના જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિથી સભર કુલ ૨૭૩ વચનામૃતો ગ્રંથસ્થ કર્યાં છે. આજે પણ આ ગ્રંથ મુમુક્ષુઓ માટે બ્રહ્મવિદ્યા અને આત્યંતિક કલ્યાણનો માર્ગ ચીંધી રહ્યો છે.