અનાદિમુક્ત વિશ્વમ્ પરિચય
અનાદિમુક્ત વિશ્વમ્ પરિચય
“જો મૈં પ્રગટ હુઆ હું, તબ સબ લોગું કું ધ્યાન-ધારણા-સમાધિ તિસકા પ્રગટ દેખ્યાયા હું, ઇસ નિમિત્ત મેરા અવતાર હૈ, દૂસરા જીવું કે કલ્યાણ કે વાસ્તે, જ્યોં નારાયણ ઐસા જો નામ, સો જો કોઈ આજ જાનિ કર લેતા હૈ, વા અજાનસું લેતા હૈ, તબ મેરા ઉન સબકું અંતકાલ જબ આતા હૈ તબ મેરા ઉસકું દર્શન હોતા હૈ વા મેરે મિલને વાલે કા દર્શન હોતા હૈ, તિસ દર્શનકું માયાદિ આવરણકું ભેદિ કર મેરે ધામકું પ્રાપ્ત હોતા હૈ, કલ્યાણ કે કરને વાસ્તે મેરા અવતાર હૈ.
આજ તો મૈં અવિદ્યારૂપ જો માયા હૈ, તિસકે નાશકે વાસ્તે પ્રગટ હુઆ હું, જ્યોં વેદો કા વચન જ્યો અવિદ્યાકું નાશ કરો, ઐસી જો મેરી સ્તુતિ કિયા હૈ સો વચનકું આજ મૈં સત્ય કરતા હું, અનંત જીવુંકા જો અવિદ્યારૂપ જો માયા હૈ તિસકા મૈં નાશ કરતા હું, જિસ દિનસું મૈં પ્રગટ હુવા થા, હું તિસ દિનસું અવિદ્યા કે નાશ કે વાસ્તે પ્રવર્ત્યો હું, હજારુકું ધ્યાન-ધારણા કે વિષે દર્શન દેતા હું, તિસ સામર્થીકું પશુબુદ્ધિ જો મનુષ્ય હૈ સો જાનતે નહિ હૈ.
આજ તો મેરા પ્રયોજન એહિ હૈ, જ્યોં અવિદ્યાકું નાશ કરના, જીવકું બ્રહ્મરૂપ કરના. ઇસ પ્રયોજન વાસ્તે મૈં પ્રગટ હુવા હું. ઐસા જો મેરે ધ્યાન-ધારણા-સમાધિયુક્ત ઐશ્વર્યકું નહિ જાનતા હૈ, સો સંશયરૂપી સમુદ્રકું નહિ તરેગા. અરુ કાલકા ઇસકે માથે ભય રહેગા, જબ મેરે સ્વરૂપ કા ઇસકું નિશ્ચય હોયગા, તબ ઇસકા કાલ નામ નહિ લેવેગા... જીવુકે મુક્તિ દેને કે વાસ્તે, મનુષ્ય ઐસા બન્યા હું.” (શ્રીજીના પ્રસાદીના પત્રો : પત્ર નં-૭)
શ્રીહરિએ સંપ્રદાયના મોટેરા સંતો સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી તથા સમસ્ત સંત-હરિભક્ત સમાજને ઉદ્દેશીને ઉપરોક્ત પત્ર લખ્યો હતો. જે પત્ર દ્વારા શ્રીહરિનો આ બ્રહ્માંડને વિષે પ્રગટ થવાનો સ્પષ્ટ ઉદ્દેશ ફલિત થાય છે : જીવોની માયારૂપ અવિદ્યાનો નાશ કરવા, જ્ઞાન-ધ્યાનના મજરા કરાવવા, જીવોને બ્રહ્મરૂપ કહેતાં પુરુષોત્તમરૂપ પાત્ર કરવા, જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા માટે શ્રીહરિએ આ પૃથ્વી પર મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપ્યાં. શ્રીહરિનું આ બ્રહ્માંડને વિષે પ્રાગટ્ય એટલે જ આત્યંતિક કલ્યાણ અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિ પ્રવર્તનના સંકલ્પનો પ્રાદુર્ભાવ. શ્રીજીમહારાજે ૧૧ વર્ષની કુમળી વયે ધર્મપિતા, ભક્તિમાતા તથા સ્વજનોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ ખોલવા ગૃહત્યાગ કરી સંકલ્પયાત્રાનો પ્રારંભ કર્યો. તેઓએ સાત વર્ષ સુધી અનેક કષ્ટો સહી ભારતભરમાં વિચરણ કર્યું. વિચરણ દરમ્યાન જો કોઈ શુદ્ધ મુમુક્ષુનો ભેટો થઈ જાય તો નીલકંઠ વર્ણી જરૂર પોતાના પ્રાગટ્યના સંકલ્પની ઝાંખી કરાવતા. નીલકંઠ વર્ણી સંકલ્પયાત્રા દરમ્યાન પૂર્વ બંગાળમાંસરપુરના સિદ્ધવલ્લભ રાજાની મુમુક્ષુતાથી રાજી થઈ તેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને સુખ આપવા પધાર્યા.
નીલકંઠ વર્ણીની સાધુતા અને પ્રભાવી ગુણોથી પ્રભાવિત થઈ સિદ્ધવલ્લભ રાજાએ પુષ્કળ ધન, વસ્ત્રો, અલંકારો ભેટ ધર્યા. તે જોઈ વર્ણીએ કહ્યું, “ત્યાગીને કોઈ દિવસ આ પ્રકારની ભેટો ન આપવી. ત્યાગમાં તે દૂષણરૂપ છે છતાં ભેટ આપવાની ઈચ્છા હોય તો પોતાનું મન સોંપી દેવું.” સિદ્ધવલ્લભ રાજા નીલકંઠ વર્ણીને મન સોંપી નિત્ય સમાગમ કરતા. વર્ણીએ તેમને જ્ઞાન આપી પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવી તેમને પ્રતિલોમ વૃત્તિએ પોતાના પ્રભાવી સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. અધોઉર્ધ્વ પ્રમાણે રહિત તેજોમય એવા પોતાના સ્વરૂપનું દર્શન કરાવી અનાદિની સ્થિતિના માર્ગે આગળ ચલાવવા સત્સંગમાં લાવવાના આશીર્વાદ આપી નીલકંઠ વર્ણી સંકલ્પયાત્રાએ આગળ નીકળ્યા હતા. આ સિદ્ધવલ્લભ રાજા જ બોટાદમાં શિવલાલ શેઠ થયા હતા. જેઓ ધ્યાને કરીને સ્થિતિ પામી મૂર્તિના અવિરામ સુખમાં સ્થિર થયા હતા. વન વિચરણ દરમ્યાન પણ નીલકંઠ વર્ણી મુમુક્ષુમાત્રને કલ્યાણના માર્ગે ચાલવાની શ્રેષ્ઠ સાધના ધ્યાન છે તે શીખવવા પોતે વારંવાર એકાંત સ્થાન શોધી ધ્યાનમગ્ન થઈ જતા. ક્યારેક નદી-તળાવના આરે, ક્યારેક વાવના કિનારે તો ક્યારેક વૃક્ષ તળે અને ક્યારેક તો બરફના રણ સમાન હિમાલયનાં ઉત્તુંગ શિખરો પર આસન વાળી ધ્યાનમગ્ન બની જતા. એ જ કરવાનુંતાન જણાવતા અને જોગમાં આવનારને એ જ કરવાનો ઉપદેશ આપતા.
આમ, નીલકંઠ મહાપ્રભુ સાત વર્ષના વિચરણ દરમ્યાન સ્વવર્તન દ્વારા અને ઉપદેશ દ્વારા આત્યંતિક કલ્યાણના માર્ગે અનેક મુમુક્ષુઓને પ્રેરિત કરીને લોજ પધાર્યા. સ્વરુચિ, સ્વગમતું, સ્વઅભિપ્રાય એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં તેના પ્રથમ કાર્યમાં જણાઈ આવે. કોઈ નવા પ્રાંત કે દેશમાં જ્યાં કોઈની સાથે આંખની પણ ઓળખાણ ન હોય ત્યાં પોતાના અંતરની ઈચ્છા પ્રથમ કાર્યમાં સહેજે પ્રગટતી હોય છે. નીલકંઠ મહાપ્રભુ આ બ્રહ્માંડમાં અનંતને જ્ઞાન-ધ્યાનના મજરા કરાવી આત્યંતિક કલ્યાણ યાની અનાદિની સ્થિતિના માર્ગે ચલાવવા પધાર્યા હતા. તેઓનો આ અંતરનો અભિપ્રાય તેમના કાર્ય દ્વારા લોજપુરમાં રામાનંદ સ્વામીના મિલન પૂર્વે સહેજે દર્શિત થતો હતો. લોજ આશ્રમમાં રહેલા સર્વે સંતોને બેસાડી બેસાડી આત્મા-પરમાત્માના જ્ઞાનની વાતો કરતા. સંતોને પ્રાત: સમયે નિત્ય ધ્યાન શીખવતા. આશ્રમમાં સંતો દિવસ દરમ્યાનની સદાવ્રત તથા રોજિંદી ક્રિયાથી પરવારે ત્યારથી વર્ણીરાજ રાત્રિના 12 વાગ્યા સુધી સંતોને કથા-કીર્તનનો લાભ આપતા. રાત્રે 12 વાગ્યે સંતોને પોઢાડી પોતે પોઢતા. બે કલાક ન થાય ત્યાં ફરીથી વર્ણીરાજ જાગી સહુ સંતોને જગાડી ધ્યાન કરાવતા. સર્વે સંતો હરખભેર ધ્યાન કરવા બેસતા. બબ્બે સંતો સામસામે આસન વાળીને બેસતા. ધ્યાન કરતાં કોઈ સંતને ઊંઘ આવે તો ચાર શેર (બે કિલો) અનાજ દળાવવું એવો નિયમ કર્યો હતો. વળી, ધ્યાન દરમ્યાન કોઈ જોકાં ખાય તો મહાપ્રભુ તેમને શિક્ષા રૂપે સોટીથી પ્રસાદી આપતા. માત્ર સંતો પાસે જ વર્ણીરાજ ધ્યાન કરાવતા એવું નહિ પરંતુ સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાંય ક્રિયા કરતાં વચ્ચે વચ્ચે ભૂલ્યા વગર અચૂક ધ્યાનમગ્ન થતા. લોજમાં પધારતાંની સાથે સૌપ્રથમ સર્વે કાર્ય ગૌણ કરીને મુખ્યત્વે આત્મા-પરમાત્માના મિલનના માર્ગ પર જ સર્વેને પ્રેરિત કર્યા છે જે તેમના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન ફલિત કરે છે. સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ વચનામૃત તેમાં પણ શ્રીજીમહારાજે પોતાનો આ સંકલ્પ ખૂબ જ આગ્રહપૂર્વક જણાવ્યો છે. ગ.મ. 45 : “તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે અમારા કહેવાઓ છો તે જો હું તમને ખટકો રાખીને વર્તાવવું નહિ અને તમે કાંઈક ગાફલપણે વર્તો તે અમ થકી દેખાય નહિ. માટે જે જે અમારા કહેવાણા છો તેમાં અમારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ અને અમારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાત્યની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દસ ઇન્દ્રિયો... એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી... ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.”
સંપ્રદાયના તમામ વર્ગને આવરી લઈ આ એકમાત્ર વચનામૃતમાં શ્રીહરિએ પોતાનો અંતર્ગત અભિપ્રાય તથા સર્વેને અનાદિમુક્તની સ્થિતિ પમાડવાનો અતિ દ્રઢ સંકલ્પ જણાવ્યો છે. આ વચનામૃતમાં શ્રીહરિએ અનાદિમુક્તની સ્થિતિની જ વાત કરી છે તે નિ:શંક વાત છે. કારણ, અનાદિમુક્તની સ્થિતિ જ એક તલમાત્ર કસરે રહિતની સ્થિતિ છે. વળી આ વચનામૃતમાં વર્ણવેલ તમામ લક્ષણો અનાદિમુક્તની સ્થિતિવાળા મુક્તનાં જ છે. તે પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે શ્રીહરિ પોતાના આશ્રિતમાત્રને દેહભાવથી પર કરી આત્યંતિક મુક્તિ અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિ પમાડવા કેટલા તત્પર હશે !! ગઢપુરમાં શરદપૂર્ણિમાના ઉત્સવે પણ પૂર્ણિમાના ચંદ્ર તરફ દૃષ્ટિ કરીને શ્રીહરિએ સમસ્ત ત્યાગી-ગૃહી સમાજને રાસ રમાડતાં સ્વયંના સંકલ્પની વાત કરી છે કે, ‘મારે તો મારા આશ્રિતમાત્રને આ પૂર્ણિમાના ચંદ્ર જેવા પૂર્ણ પાત્ર કરવા છે.’ વળી, ધરમપુરના કુશળકુંવરબાઈએ મોકલેલ હાથથી છડેલ ચોખા જોઈને શ્રીહરિ બોલી ઊઠ્યા, “જેમ આ બધા ચોખા સંપૂર્ણ છે એમ અમારે તમને સર્વેને સંપૂર્ણ પુરુષોત્તમરૂપ પાત્ર કરવા છે.” એ જ રીતે અમદાવાદના મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ પ્રસિદ્ધ છે. જેમાં સ્પષ્ટપણે શ્રીજીમહારાજની કારણપ્રધાનતાનો આગ્રહ ફલિત થાય છે. ગઢડા મધ્યના 22મા વચનામૃતમાં મહારાજ ઉલ્લેખે છે કે, ‘અમે અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ને ત્યાં મેળો ભરાણો હતો.’ અહીં મહારાજે પ્રતિષ્ઠાના ઉત્સવને સમૈયા કે મહોત્સવ તરીકે ન સંબોધતાં મેળા તરીકે સંબોધ્યો છે. જે મહારાજની કાર્ય પરત્વેની અરુચિ દર્શાવે છે. એટલું જ નહિ, વચનામૃતમાં મહારાજે સાથે એ પણ જણાવ્યું છે કે, કાંકરિયાની ચોરાશી થઈ રહ્યા પછી પોતે ગણેશધોળકાની રાણ્યોમાં જતા રહ્યા. આ રીતે સ્વયં વર્તીને કાર્યને વિસારવાની અદ્ભુત રીત પણ આપણને શીખવી છે. જે સ્પષ્ટ રીતે ફલિત કરે છે કે મહારાજનો સંકલ્પ કારણ સત્સંગ સ્થાપવાનો હતો; નહિ કે કાર્ય સત્સંગ. વળી, આ જ બાબતની પુષ્ટિ આપતો આ પ્રતિષ્ઠા નિમિત્તનો પ્રસંગ પણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જોવા મળે છે.
શ્રીજીમહારાજે સંપ્રદાયના સૌપ્રથમ મંદિર અમદાવાદની પ્રતિષ્ઠા પછીની જે પ્રથમ સભા સંબોધી તેમાં પણ અમારે દેશોદેશ મંદિર કરવાં છે... એથી આગળ અમારે રાજ્યે રાજ્યે મંદિર કરવાં છે... એથી આગળ અમારે શહેરે શહેરે મંદિર કરવાં છે... એથી આગળ અમારે ગામોગામ મંદિર કરવાં છે... એથી આગળ અમારે શેરીએ શેરીએ અને ઘરે ઘરે મંદિર કરવાં છે. આવા ભવ્ય સંકલ્પો વહાવતાં વહાવતાં અંતે અમારે વ્યક્તિએ વ્યક્તિએ મંદિર કરવાં છે એમ કહી પોતાનો નિજમંદિરો સ્થાપવાનો અર્થાત્ અનંતને અનાદિમુક્ત કરવાનો સંકલ્પ જણાવી દીધો છે. આમ, ભગવાન શ્રી સ્વામિનારાયણનું અવરભાવનું સ્વયંનું સમગ્ર જીવનદર્શન, તેઓનાં દિવ્ય કાર્યો તથા તેઓનાં દિવ્યામૃત વચનો તરફ દૃષ્ટિ કરતાં સહેજે ફલિત થાય કે તેઓએ આ બ્રહ્માંડને વિષે સ્વયંના સ્વરૂપનો નિશ્ચય કરાવી આત્યંતિક મુક્તિ અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિ પમાડવા જ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપ્યાં છે. શ્રીહરિ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા, પોતાના સંકલ્પોની પૂર્તિ માટે જેહાદ જગાડી પરંતુ સંપ્રદાયનો પ્રારંભ હતો, નવા મુમુક્ષુને ખેંચવાના હતા તેથી પરોક્ષભાવે વાતો કરવી પડી. સ્વયંના મંદિરોમાં પણ પરોક્ષભાવનાં સ્વરૂપો પધરાવવાં પડ્યાં. શાસ્ત્રોમાં પણ જેમ છે તેમ ચોખ્ખી વાતો ન કરી અને સમાજને કાર્ય તરફ ઢોળાવ આપવો પડ્યો. વચનામૃત સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ તેમાં ‘અનાદિમુક્ત’ શબ્દ ઉચ્ચાર્યો છે. વચનામૃતોમાં પાને પાને મહારાજે પોતાની સ્વરૂપનિષ્ઠાની તથા આત્મનિષ્ઠાની વાતો ખૂબ કરી છે. વચનામૃત ગઢડા પ્રથમના 32માં અને પંચાળાના 7માં મૂર્તિમાં રહીને ભક્તિ કરવાની વાત કરી છે. પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણની પરાવાણીને સમજવા એ સમયે સમાજ પાત્ર ન હતો. પણ જો વચનામૃતનું તટસ્થભાવે વાંચન-મનન થાય અને એવા સાચા સતપુરુષનો જોગ કરે તો સહેજે ખ્યાલ આવે કે વચનામૃત તો નરી અનાદિમુક્તની લટકની અધ્યાત્મ વાર્તાથી ભરેલો છે.
શ્રીજીમહારાજે આખો સંપ્રદાય સ્થાપ્યો, સત્સંગનું પ્રવર્તન કર્યું, હજારો સાધુ કર્યા ને લાખોને સત્સંગી કર્યા. જે હેતુ માટે આ બધું કર્યું તે સત્સંગની મૂળભૂત વ્યાખ્યા મહારાજે છેક ગઢડા છેલ્લાના 39માં સ્પષ્ટ કરી કે, ‘સત્યરૂપ એવો જે આત્મા ને સત્યરૂપ એવા જે પરમાત્મા તે બેયનો સંગ તેને જ સત્સંગ કહીએ.’ જેમાં શ્રીજીમહારાજ કહે છે કે સત્યરૂપ એવો આત્મા અર્થાત્ સત્યમાં સત્ય મહારાજ છે એટલે કે પુરુષોત્તમરૂપ એવો આત્મા અને સત્યરૂપ એટલે કે સનાતન એવા પરમાત્મા શ્રીજીમહારાજ આ બેયનો રોમ રોમપણે સંગ એ જ સત્સંગ. અહીં મહારાજે અનાદિમુક્તની સ્થિતિ એ જ ખરો સત્સંગ એમ કહ્યું છે. જેને કારણ સત્સંગ કહીએ છીએ. શ્રીહરિ જેઓને પોતાના સંકલ્પની પૂર્તિ માટે ધામમાંથી સાથે લાવેલા એવા સદ્. ગોપાળાનંદ સ્વામી તથા સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાના નિકટવર્તી સમાજને અધ્યાત્મ વાર્તા કરી જ્ઞાન-ધ્યાનના માર્ગે ગતિશીલ કર્યા છે. સદ્. ગોપાળબાપા પોતાના શિષ્ય સંતોને સવારે ચાર વાગ્યે ઉઠાડી જ્ઞાન-ધ્યાનના મજરા કરાવતા. વળી, અનેક ગૃહસ્થ હરિભક્તને આત્મનિષ્ઠાની દ્રઢતા કરાવી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરથી પર પુરુષોત્તમરૂપ પાત્ર કર્યા છે. એક વખત જૂનાગઢ મંદિરમાં સદ્. ગુણાતીતાનંદ સ્વામી અવરભાવમાં મંદવાડ લીલાનાં દર્શન કરાવતા હતા. તેથી આડા પડખે થયા હતા. બાજુમાં એક હરિભક્ત વચનામૃતનું વાંચન કરતા હતા. તે વચનામૃત હતાં ગઢડા પ્રથમનું 23, ગઢડા મધ્યનું 30, ગઢડા મધ્યનું 45મું તથા અમદાવાદનું 2જું અને 3જું. વચનામૃત સાંભળી સદ્. ગુણાતીતાનંદ સ્વામી બેઠા થઈને બોલ્યા જે, ‘આ વચનામૃતો જાણે સાંભળ્યાં જ ન હતાં’ એમ કહી ફરીથી વાંચવાની આજ્ઞા કરી. હરિભક્તે વચનામૃત ફરીથી વાંચ્યાં ત્યારે સ્વામી બોલ્યા, ‘આ વચનામૃત સાંભળતાં એમ જણાયું કે મહારાજ સિવાય કોઈને કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, એ પણ મહારાજનો મત છે.’ આવા ભવ્ય અને પ્રચંડ સ્વરૂપો હોવા છતાંય તેઓ ખૂણામાં બેસી શ્રીહરિની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિની વાતો કરતા તેથી તેઓ ખૂણિયા જ્ઞાનવાળા કહેવાતા. એ વખતે સમાજની પાત્રતાના અભાવે આ જ્ઞાનનું વિશાળ ફલક પર પ્રવર્તન ન થઈ શક્યું તેથી આ સંકલ્પયાત્રાને શ્રીહરિએ આગળ ધપાવી શ્રીજીસંકલ્પમૂર્તિ બાપાશ્રી દ્વારા...
અનાદિમુક્ત વિશ્વમ્ 3D View
અનાદિમુક્ત વિશ્વમ્ મહિમા
ગુરુવર્ય પ.પૂ સ્વામીશ્રીના મુખારવિંદથી નિ:સૃત અનાદિમુક્ત વિશ્વમ્ મહિમા દર્શન
અનાદિમુક્ત વિશ્વમ્ પ્રેરણા
અનાદિમુક્ત વિશ્વમના નિર્માણની સેવા અહી ક્લિક કરી ઓનલાઈન પણ જમા કરાવી શકાશે. અનાદિમુક્ત વિશ્વમના નિર્માણની સેવા આપના નજીકના મંદિરે જમા કરાવી શકાશે. આપના નજીકના SMVS મંદિરની વિગત મેળવવા અહી ક્લીક કરો.
અન્ય
વિસ્તાર : આશરે 500 વીઘાની વિશાળ પાવન ભૂમિ.
લોકેશન : મોડાસા અને ધનસુરા રોડ.
આ ભૂમિ પર શ્રીજીમહારાજના સંકલ્પ મુજબ એક અજોડ અને ભવ્ય તીર્થધામ આકાર લેવા જઈ રહ્યું છે.